મીઠી મીઠી સી ચુભન... ઇક ઠંડી-સી અગન .
- સિનેમા મેજિક- અજિત પોપટ
- જેવો શોટ પતે અને સુનીલ દત્ત કટ એમ બોલે કે તરત અમિતાભ એક સેવકને દોડાવે, જા જલદી વહીદાજીને ચંપલ આપી દે એટલે એમના પગ દાઝતા મટે... સાંજે આરામના સમયે વહીદાજીના દાઝેલા પગે દવા લગાડવાની બાબતમાં પણ અમિતાભ ચોક્કસ રહેતા.
રા જસ્થાનના બળબળતા રણમાં 'રેશમા ઔર શેરા'નું શૂટિંગ થતું હતું ત્યારનો એક રસપ્રદ પ્રસંગ વહીદા રહેમાને વર્ણવ્યો હતો. આજના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને વહીદા રહેમાન માટે બહુ આદર હતો. વૈશાખના ધોમ ધખતા તડકામાં વહીદાજી રણની રેતીમાં લાંબો સમય સ્થિર ઊભાં રહી શકતાં નહોતાં, પરંતુ કામ પ્રત્યેના સમર્પણને લીધે એ ચૂપચાપ શૂટિંગ કરી રહ્યાં હતાં. જેવો શોટ પતે અને સુનીલ દત્ત કટ એમ બોલે કે તરત અમિતાભ એક સેવકને દોડાવે, જા જલદી વહીદાજીને ચંપલ આપી દે એટલે એમના પગ દાઝતા મટે... સાંજે આરામના સમયે વહીદાજીના દાઝેલા પગે દવા લગાડવાની બાબતમાં પણ અમિતાભ ચોક્કસ રહેતા.
રાજસ્થાનના લોકસંગીતનો આ ફિલ્મના બહાને જયદેવજીએ સારો એવો અભ્યાસ કરી લીધો હતો. રોજ સાંજે આસપાસના વિસ્તારમાં વસતા લોકકલાકારો ફિલ્મ કલાકારો સમક્ષ પોતાની કલા દર્શાવવા આવતા. જયદેવજી ક્યારેક કોઇ સ્થાનિક વાદ્ય કે ગીતનું રેકોડગ કરી લેતા. ગયા અઠવાડિયે આપણે 'રેશમા ઔર શેરા'નાં થોડાંક ગીતોની વાત કરેલી. આજે એ વાત પૂરી કરી લઇએ.
સિતારનવાઝ પંડિત રવિશંકરે એક રાગ બનાવેલો. શાીય અને સુગમ સંગીત બંને ક્ષેત્રના સંગીતકારોમાં એ રાગ ખાસ્સો લોકપ્રિય નીવડયો હતો. અહીં જયદેવે આ રાગ માંઝ ખમાજનો આશ્રય લઇને એક અત્યંત હૃદયંગમ ગીત સર્જ્યું છે. જોકે માંઝ ખમાજમાં ગીત ઊપડીને વચ્ચે રાજસ્થાની માંડ રાગમાં ફેરવાઇ જાય છે. બહુ સરસ રીતે આ બે રાગનો સમન્વય જયદેવે સાધ્યો છે. ખટકદાર કહેરવા તાલમાં આ ગીત લતાજીના કંઠે જમાવટ કરે છે. નાયિકાના મનમાં રહેલી પ્રેમની લાગણી વિવિધ રીતે પ્રગટ થતી રહે છે એ આ ગીતમાં માણી શકાય છે. ઉદ્ધવકુમારના શબ્દો છે- 'મીઠી મીઠી સી ચુભન, ઇક ઠંડી-સી અગન, મૈં આજ પવન મેં પાઉં, આજ પવન મેં, મન હી મન મેં નાચ રહી હું, મન હી મન મુસ્કાઉં, ક્યોં કી મીઠી મીઠી-સી ચુભન, ઠંડી ઠંડી-સી અગન મૈં આજ પવન મેં પાઉં...' ગીતનો લય એટલો ઉઠાવદાર છે કે સાંભળતાં સાંભળતાં પગથી તાલ આપવાની ઇચ્છા જાગે...
મુજરા ટાઇપનું એક ગીત સ્વાભાવિક રીતે જ આશા ભોંસલેના કંઠમાં છે. શબ્દો પરથી ખ્યાલ આવી જાય કે આ ગીત કયા પ્રકારનું છે અને પરદા પર કેવી રીતે એનું ફિલ્માંકન થયું હશે. આ ગીત રાજેન્દ્ર કૃષ્ણની રચના છે. ઉપશાીય સંગીતમાં હોરી વગેરે ગીતોમાં વપરાતા રાગ કાફી પર આધારિત આ ગીતનો તાલ પણ લચકતો કહેરવો છે. ગીતન શબ્દો છે- 'તૌબા તૌબા મેરી તૌબા, એક તો યે ભરપુર જવાની, ઉપર સે યે તન્હાઇ, રાત કા દામન લાખ સિતારે, અપને સાથી દર્દ બેચારે, ના કોઇ આહટ ના કોઇ હલચલ...' શબ્દોના ભાવને જીવંત કરવા આશાએ દિલથી ગાયું છે.
એવું જ એક ગીત નીરજની રચના છે. એ પણ આશાના ભાગે આવ્યું છે. આપણા સૌની જાણીતી સદા સુહાગિન ભૈરવી રાગિણીમાં સ્વરાંકિત કરાયેલા આ ગીતને જયદેવે સરસ ખેમટા તાલમાં જમાવ્યું છે. નાયિકાના મનોભાવને સચોટ રીતે રજૂ કરતા આ ગીતના શબ્દો છે- 'જબ સે લગન લગાયી રે, ઉમરભર નીંદ ન આયે રે, કા કી છોડી, કલ ભી છોડે, જનમ જનમ કે બંધન તોડે, જનમ જનમ કે સાથી છોડે સંગી છોડે, જનમ જનમ કે બંધન તોડે, બદનામી રે રિશ્તે જોડે...' નૃત્ય ગીત જેવી તર્જ અને લય છે.
ફિલ્મ રજૂ થઇ ત્યારે બધાં ગીતો હિટ નીવડયાં હતાં. સમયના વહેવા સાથે કેટલાંક ગીતો વિસરાઇ જતાં હોય છે. 'રેશમા ઔર શેરા'ના સર્જકો સુનીલ દત્ત અને નરગિસને જયદેવના કામથી ખૂબ સંતોષ થયેલો. નરગિસ પોતે સંગીતની અભ્યાસી હોવાથી જયદેવના સંગીત પરિશ્રમને બિરદાવી શકી હતી. જયદેવને સંતોષ થાય એ રીતે મહેનતાણું પણ આપ્યું હતું. શ્રે સંગીતકારનો નેશનલ એવોર્ડ જયદેવને આ ફિલ્મ માટે મળ્યો એ છોગામાં. જયદેવ વિશેની વાતો આપણે શરૂ કરી ત્યારે કહેલું કે સમગ્ર ફિલ્મ સૃષ્ટિમાં શ્રે સંગીતકાર તરીકે ત્રણ નેશનલ એવોર્ડ મેળવનારા જયદેવ એક માત્ર સંગીતકાર હતા.