સુસ્મિતા સેન : હા હા, હું પ્રેમમાં છું....આ સિનેમા નગરીના!

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
સુસ્મિતા સેન : હા હા, હું પ્રેમમાં છું....આ સિનેમા નગરીના! 1 - image


- 'મારે એક પરિપકવ પ્રેમકથા ધરાવતી ફિલ્મ કરવી છે. એક એવી એક્શન થ્રિલર કરવી છે જેવી અગાઉ કોઈ હિરોઈને ન કરી હોય. આ સિવાય પણ બીજી વૈવિધ્યસભર ભૂમિકાઓ કરવી છે.'

એ ક વાત તો સુસ્મિતા સેનના દુશ્મનોએ પણ સ્વીકારવી પડે કે એ ભલે ગમે એટલો લાંબો સમય સ્ક્રીન પરથી ગાયબ રહે, એ ભલે પોતાની  દત્તક પુત્રીઓ અને બોયફ્રેન્ડ્ઝમાં બિઝી બિઝી રહે, પણ જ્યારે જ્યારે એણે કોઈ મોટા કે નાના પડદે કોઈ પ્રોજેક્ટ સ્વીકાર્યો છે ત્યારે દર્શકોએ એને દર વખતે ભારે ઉમળકાથી આવકારી છે. સુસ્મિતા સેન બોલિવુડની ટોચની એક્ટ્રેસ ક્યારેય નહોતી, છતાંય ઓડિયન્સ સાથે એનું એક નક્કર સંધાન છે એ તો ચોક્કસ. તે સિવાય શી રીતે 'આર્યા' જેવી વેબ સિરીઝને આટલી સફળતા મળે ને તેની ત્રણ-ત્રણ સિઝન કરવી પડે. 

સુસ્મિતા રીઅલ લાઇફમાં બે દત્તક દીકરીઓની મમ્મી છે, તો 'આર્યા'માં ત્રણ સંતાનોની મા બની છે. સુસ્મિતા કહે છે, 'આજે પણ કેટલાક લોકો મને પૂછે છે કે અગાઉ હું માત્ર ગ્લેમરસ કિરદારો પૂરતી જ સીમિત શા માટે રહી ગઈ? ખરૃં કહું તો આ પ્રશ્ન મારે પૂછવો જોઈએ. મને સમજાતું નહોતું કે આ સવાલ હંન કોને પૂછું! પણ મને એ વાતની ખુશી છે કે વર્ષો સુધી અભિનય ક્ષેત્રથી દૂર રહેવા છતાં લોકોએ મને ઉમળકાભેર સ્વીકારી છે. આ ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધી મારી પ્રતિભાને પિછાણીને હું જેવા પાત્રો ભજવવા સક્ષમ હતી એવા કિરદાર અદા કરવાની તક જ નહોતી આપી. ફ્રેન્કલી, મને એ વાતનો કંઈ હરખ-શોક નથી. મહત્ત્વની વાત આ છે: ૨૦૨૪માં હું આ ફિલ્મલાઇનમાં ૩૦ વર્ષ પૂરાં કરીશ. હું મિસ યુનિવર્સ હતી ત્યારે ફક્ત ૧૮ વર્ષની હતી. ને પછી તરત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ. ત્રણ ત્રણ દશક સુધી મેં મારા જીવનમાં જે કર્યું તેમાં મને લોકોનો સાથ-સહકાર સાંપડયો. હું મારી કારકિર્દીની ટોચે હતી ત્યારે આઠ વર્ષ સુધી અભિનય ક્ષેત્રથી દૂર રહી હતી. આમ છતાં આ ઇન્ડસ્ટ્રીએ મને ફરીથી છાતી સરસી ચાંપી છે. ૨૦૨૦માં મેં વાપસી કરી ત્યારે મને એવું લાગ્યું હતું જાણે હું એક ન્યુ-કમર છું, પણ હવે હું આ ઇન્ડસ્ટ્રીના લોકોના પ્રેમમાં છું!'

એક માતા માટે પોતાનાં સંતાનો જ સર્વસ્વ હોવાનાં. જેમ વાઘણ પોતાના બચ્ચાંની આસપાસ  કોઈને ફરકવા ન દે અને જો કોઈ તેમની નિકટ આવવાનો પ્રયાસ કરે તો તેને યમલોકના દ્વાર સુધી છોડી આવે, તેમ કોઈ પણ માતા પોતાના સંતાનને દરેક જોખમથી બચાવતી રહે છે. 'આર્યા-૩'માં પણ આ જ ભાવનું સાતત્ય જળવાયું છે. 'આર્યા'ની વાત આવે ત્યારે સુસ્મિતા વાઘણના મિજાજમાં આવી જાય છે. એ કહે છે, 'આ શો તો મારી કારકિર્દીમાં ચળકતા હીરા સમાન છે. બદલો લેવાની અને ટકી રહેવાની આ કહાણી મહિલાઓમાં જોશ ભરવા પૂરતી છે.'

થોડા સમય અગાઉ સુસ્મિતાની 'તાલી' ફિલ્મ રજૂ થઈ હતી. 'તાલી'માં સુસ્મિતાએ વ્યંઢળની પડકારજનક ભૂમિકા પણ બખૂબી નિભાવી છે. સુસ્મિતા જેવી અલ્ટ્રા ગ્લેમરસ હિરોઈન ખુદને એક તૃતિયપંથીની ભુમિકામાં કલ્પી શકે એ જ નવાઈની વાત છે!  સુસ્મિતા કહે છે,  'ઇન્ડ્ટ્રીએ અગાઉ ભલે મારી ટેલેન્ટ નહોતી પિછાણી, પણ હવે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. હવે આ જ ઉદ્યોગ બે હાથ ફેલાવીને તેનું સ્વાગત કરી રહ્યો છે. આનાથી વધુ બીજું શું જોઈએ?'

વેલ, ઘણું બધું. સુસ્મિતા હવે નક્કર અને મજબૂત પ્રોજેક્ટ કરવા માટે ભૂખી થઈ છે. એ કહે છે, 'મારે એક પરિપકવ પ્રેમકથા ધરાવતી ફિલ્મ કરવી છે. મારે એક એવી એક્શન થ્રિલર કરવી છે જેવી અગાઉ કોઈ હિરોઈને ન કરી હોય. આ સિવાય પણ મને ઘણી વૈવિધ્યસભર ભૂમિકાઓ અદા કરવાની તમન્ના છે.'

ઓટીટીને કારણે કલાકારોની, ખાસ કરીને અભિનેત્રીઓની શેલ્ફ-લાઇફ ખાસ્સી વધી ગઈ છે. સુસ્મિતા ખુદ એનું ઉત્તમ ઉદાહરણ છે. વચ્ચે એના હાર્ટ એટેકના સમાચારથી સૌને ધ્રાસ્કો પડયો હતો. સુસ્મિતા જેવી શિસ્તબધ્ધ લાઇફસ્ટાઇલ ધરાવતી વ્યક્તિને હાર્ટઅટેકે? પણ સુસ્મિતાએ આ આપત્તિ પણ હસતાં-રમતાં પસાર કરી નાખી છે. 


Google NewsGoogle News