Get The App

સની કૌશલ : નેગેટિવ પાત્ર ભજવવામાં છોછ શાનો?

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સની કૌશલ : નેગેટિવ પાત્ર ભજવવામાં છોછ શાનો? 1 - image


- 'કુટુંબને કારણે જ આપણા કામમાં બરકત આવે છે. મારું કામ મારા માટે જેટલું અગત્યનું છે તેનાથી પણ વધુ મહત્વની છે મારા પરિવારજનોની ખુશાલી.' 

બોલિવુડમાં કદમ માંડવા માગતા કેટલાક કલાકારો કેમેરા સામે આવવાથી પહેલા પોતાના કામ માટે સંપૂર્ણપણે સજ્જ થઈ જવા માગતા હોય છે. 'ગોલ્ડ', 'શિદ્દત' અને 'ફિર આઈ હસીન દિલરૂબા' જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા સની કૌશલે પણ ફિલ્મ સર્જનની પ્રત્યેક પ્રક્રિયા શીખવા આ જ માર્ગ અપનાવ્યો હતો. સની કહે છે, 'એક ફિલ્મ બનાવવા પાછળ અસંખ્ય લોકો સંકળાયેલા હોય છે. એક્શન અને કટ વચ્ચેના સમય દરમિયાન સેટ પર કેટલું બધું બની જતું હોય છે. આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે તમે આ બધું શીખી શકો છો. એટલું જ નહીં, તમે તમારી અંદર રહેલી અભિનય કળાને પણ ઢંઢોળી-વિકસિત કરી શકો છો. હું પણ કેમેરા પાછળ રહીને અભિનયની ખૂબીઓ શીખ્યો.'

સનીએ 'શિદ્દત'માં પ્રેમ માટે હદ પાર કરનાર પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જ્યારે 'ફિર આઈ હસીન દિલરૂબા'માં પાગલપનની હદ સુધી જનાર આશિકની સની કહે છે કે મારી બંને ફિલ્મોના આશિકનાં પાત્રો એકબીજા કરતાં તદ્દન વેગળાં હતાં. 'શિદ્દત'નો પ્રેમી પોઝિટિવ છે, જ્યારે 'ફિર આઈ હસીન દિલરૂબા'નો નેગેટિવ. તેને એમ લાગે છે કે તે પોતાની ગમતી યુવતી સાથે કાંઈ ખોટું કરવામાં કશો વાંધો નથી. તેને પોતાની મરજી પ્રમાણે વર્તવાનો હક છે. જોકે સની વ્યક્તિગત રીતે આ બાબતે બહુ પ્રેક્ટિકલ છે. એ કહે છે, 'મારા મતે પ્રેમમાં સમર્પણની ભાવના હોવી જોઈએ. તમે જેને મોહબ્બત કરો તેને પૂરતો સમય આપો, તમારું સર્વસ્વ તેના ઉપર ન્યોચ્છાવર કરી દો. હું દ્રઢપણે માનું છું કે પ્રેમ સઘળી ભાવનાઓનું મૂળ છે અને મૂળ તો ઊંડા જ હોવા જોઈએ.'

સામાન્ય રીતે પોતાની કારકિર્દીના પ્રારંભિક કાળમાં કોઈ કલાકાર, ખાસ કરીને મુખ્ય નાયક તરીકે કામ કરવા માગતો કલાકાર નેગેટિવ રોલ કરવાનું પસંદ ન કરે, પરંતુ સનીને એવો કોઈ છોછ કે ડર નહોતો. સની કહે છે, 'એક કલાકાર તરીકે હું પડકારજનક ભૂમિકા ભજવવા માગતો હતો. મેં એમ વિચારેલું કે જો દર્શકો મારી ભૂમિકા પસંદ નહીં કરે તો મને કાંઈક શીખવા મળશે. અને જો પસંદ કરશે તો મારું કામ થઈ જશે. મઝાની વાત એ છે કે દર્શકોએ મારા નકારાત્મક કિરદારને પણ વધાવી લીધું. મને સંખ્યાબંધ કોમ્પ્લીમેન્ટ મળ્યાં. પરંતુ એક નેટિઝને જ્યારે એમ કહ્યું કે મારું પાત્ર જોઈને તેને નકારાત્મક પાત્રો સાથે પ્રેમ થઈ ગયો ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલી હતી. હા, મને સૌથી મોટું કોમ્પ્લિમેન્ટ મારી ભાભી કેટરીના કૈફે આપ્યું હતું. તેમણે તેમની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે, તુમને મુજે હૈરાન કર દિયા. ઔર તુમ્હારા યહ રૂપ દેખકર મૈં કહ સકતી હું કિ તુમ જો કહતે હો વહી સહી હૈ. તુમ હમેશાં સહી હોતે હો. ઔર તુમ સબસે અચ્છે દેવર હો જિસકી કોઈ કલ્પના ભી નહીં કર સકતા.'

કહેવાની જરૂર નથી કે સની લોકપ્રિય અભિનેતા વિકી કૌશલનો નાનો ભાઈ છે. સની કહે છે, 'મારા માટે મારા મોટા ભાઈના સલાહ-સૂચન અત્યંત કિંમતી છે. કામ બાબતે અમે ઘણી ચર્ચાવિચારણાઓ કરીએ છીએ. વિકીએ પણ મારા નેગેટિવ રોલની સરાહના કરી હતી. મારાં મમ્મી-પપ્પાએ કહ્યું હતું કે અમને આ પાત્રમાં ક્યાંય સની તો દેખાયો જ નહોતો. મારા માટે આ એકદમ વિશેષ ટિપ્પણી હતી.'

સની શોબિઝમાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. આમ છતાં તેના માટે ફેમિલી ફર્સ્ટ છે. અભિનેતા કહે છે, 'કુટુંબને કારણે જ આપણા કામમાં બરકત આવે છે. મારું કામ, કારકિર્દી મારા માટે જેટલાં અગત્યનાં છે તેનાથી વધુ મહત્વની છે મારા પરિવારજનોની ખુશાલી. સવારે  કામે જવા નીકળતી વખતે મારા કુટુંબીજનોને સ્મિત કરતાં જોવા મારા માટે જરૂરી છે.'

અભિનેતાનું નામ અભિનેત્ર શર્વરી વાઘ સાથે સંકળાયું છે. જોકે સની તેને અફવા ગણાવતાં કહે છે કે અમે માત્ર સારા મિત્રો છીએ. સાથે કામ કરતી વખતે ક્યારેક ક્યારેક આપણને આજીવન મિત્રો મળી જતાં હોય છે.

રાઇટ!


Google NewsGoogle News