સની કૌશલ : પુરુષોને પણ રડવા દો
- 'પુરુષો પર 'મર્દ કો દર્દ નહીં હોતા' ઉક્તિ જડબેસલાક લાગુ પાડી દેવામાં આવી છે. પીડાના ઘૂંટડા પી જવાને જ પૌરૂષત્વ ગણવામાં આવે છે. તેને કારણે પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે.'
અ તુલ સુભાષના આત્મહત્યાના મામલાએ આખા દેશને કંપાવી મૂક્યો છે. પત્ની, સાસરિયા અને વિકૃત થઈ ગયેલા ન્યાયતંત્રના ત્રાસથી એક તેજસ્વી કમ્પ્યુટર એન્જિનીયરે આત્મહત્યા કરી નાખી. આ એક વાત થઈ. સામે પક્ષે એ પણ સચ્ચાઈ છે કે આપણે એક એવો સમાજ રચી બેઠાં છીએ જ્યાં મોટાભાગના પરિવારોમાં પુરુષોનું રાજ ચાલે છે, તેમની કહેલી વાત બ્રહ્મવાક્ય સમાન હોય છે અને આ આખરી નિર્ણયને કોઈ અવગણી નથી શકતું. ખાસ કરીને મહિલાઓ. જોકે તેનો અર્થ એ થયો કે ઘરનો મોભી ગણાતો પુરુષ સમગ્ર પરિવારની લગામ પોતાના હાથમાં રાખે. પરિણામે ઘરના અન્ય સઘળા સ્ત્રી-પુરુષોને તેની વાત માનવી પડે. આવું જ કાંઈક અભિનેતા સની કૌશલ પણ કહે છે. તે કહે છે, 'સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને જ પુરુષોના દબાણમાં રહેવું પડે છે, પરંતુ આ વાત સાચી નથી, પુરુષોને સુદ્ધાં પરિવારના અન્ય પુરુષોનું કહ્યું માનવું પડે છે. તેઓ તેમની સામે અવાજ નથી ઉપાડી શકતા. સૌથી મોટી વિડંબણા તો એ છે કે તેઓ અંદરથી વલોવાયા કરે તોય પોતાની પીડા બહાર નથી બતાવી શકતાં. વાસ્તવમાં તેમનો ઉછેલ એવી રીતે કરવામાં આવે છે કે છોકરા તરીકે જન્મ્યા હોવાથી તેઓ રડી ન શકે, પોતાની વેદના કોઈની સામે ઠાલવી ન શકે, તેમને પોતાનું દુ:ખ હૃદયના એક ખૂણે ધરબી દઈને બહારથી હસતાં રહેવું પડે અને પોતાની જવાબદારીઓ અદા કરતી રહેવી પડે. 'મર્દ કો દર્દ નહીં હોતા' તેમને જડબેસલાક લાગુ પાડી દેવામાં આવે છે. પીડાના ઘૂંટડા પી જવાને જ પૌરૂષત્વ ગણવામાં આવે છે. આમ છતાં એ વાત ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે કે તેને કારણે પુરુષોનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે.'
જોકે સની કૌશલ માને છે કે ફિલ્મોદ્યોગમાં કાર્યરત હોવાથી તેમના પૌરૂષત્વ વિશેના વિચારો ઘણા અંશે ખૂલ્યા છે. તે કહે છે, 'હું અને મારો ભાઈ જ નહીં, મારા પિતા સુદ્ધા પુરુષપ્રધાન પરિવારમાં રહ્યા છે. તેમને પણ એમ જ શીખવવામાં આવ્યું હતું કે પુરુષો રડી ન શકે. જોકે આવી માનસિકતા સાથે છોકરાઓને ઉછેરવાનું મુખ્ય કારણ તેમને માનસિક રીતે મજબૂત બનાવતા હોય છે. તેઓ યુવાન બનીને આ દુનિયા સમક્ષ આવે ત્યારે તેમને ડગલેને પગલે પડકારો-મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આવી સ્થિતિમાં તેઓ રડીને બેસી જાય તે શી રીતે ચાલે? તેમને મજબૂત બનીને સઘળાં પડકારો ઝીલી લેવા પડે. આવી સ્થિતિમાં પીડાને સપાટી પર લાવવાને બદલે હૈયાના એક ખૂણે ધરબી દેવા સિવાય છૂટકો ન હોય, પરંતુ વેદનાને સતત દબાવ્યા કરવામાં આવે તો તેની અસર જે તે પુરુષના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. સમય પાકી ગયો છે કે પુરુષોને પણ રડવા દેવામાં આવે.'
અભિનેતા વધુમાં કહે છે, 'હું પણ પુરુષપ્રધાન સમાજ-પરિવારમાં જ ઉછર્યો છું. અગાઉ હું પણ એમ જ માનતો હતો કે પુરુષોથી રડાય નહીં કે પોતાની વેદનાને વાચા અપાય નહીં. પરંતુ કોરોના કાળમાં મારી વિચારસરણી બદલાઈ. તે વખતે સર્વત્ર નકારાત્મક્તા ફેલાયેલી હતી. હું સામાન્ય વાત કરતી વખતે પણ આક્રમક થઈ જતો. આમ છતાં મને એ વાત સાવ સામાન્ય લાગતી. પરંતુ મારી આસપર રહેલા લોકોને મારા બદલાયેલા સ્વભાવની સમજ પડતી. તેમના પ્રતિભાવ જોયા પછી મને પણ એ વાતની અનુભૂતિ થવા લાગી. અને મારા મન-મગજમાં પરિવર્તન આવ્યું. હું આપણી પુરુષપ્રધાન સમાજ રચના વિશે વિચારવા લાગ્યો, ત્યારે મને લાગ્યું કે આવું પૌરુષત્વ તમને આગળ લઈ જવાને બદલે પાછળ ધકેલે છે.'
સની ઉમેરે છે, 'મારા પિતા, એક્શન ડિરેક્ટર શ્યામ કૌશલ પણ પંજાબમાં કડક પુરુષપ્રધાન પરિવારમાં ઉછર્યાં હોવાથી તેમના વિચારો પણ એવા જ હતા, પરંતુ મુંબઈ આવ્યા પછી તેમણે જે વાતાવરણ જોયું ત્યાર બાદ તેમના વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું. પરિણામે મને અને વિકીને વધારે પડતાં કડક વાતાવરણમાં રહેવાની નોબત ન આવી.'
વેલ સેઇડ, સની.