સની દેઓલનો ઢાઈ કિલોનો હાથ હવે સિસ્ટમ સામે લડશે

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
સની દેઓલનો ઢાઈ કિલોનો હાથ હવે સિસ્ટમ સામે લડશે 1 - image


- ગોપીચંદે 'ગદર-ટુ' રજૂ થયા બાદ એક એક્શન ફિલ્મની કથા સની દેઓલને સંભળાવી હતી. સનીએ તરત જ હા પાડી દીધી. સની વાસ્તવમાં આવી જ કોઈ ભૂમિકા શોધી રહ્યા હતા.

એક્શન ફિલ્મની વાત આવે એટલે સની દેઓલ અને તેનો ઢાઇ કિલોનો હાથ બધાને યાદ આવી જાય. સનીએ બમ્પર હિટ 'ગદર-ટુ'થી સાબિત કરી દીધું છે કે પોતાનો જાદુ ઓસર્યો નથી. સની દેઓલ ફરી એકવાર એક અનોખા એક્શન અવતારમાં આવતા વર્ષે જોવા મળશે.  તેલુગુ ફિલ્મના જાણીતાં દિગ્દર્શક ગોપીચંદ માલિનેની આ હિન્દી ફિલ્મનું સુકાન સંભાળી રહ્યા છે. ગોપીચંદ કહે છે, 'આ ફિલ્મની પટકથા જ સની જેવા એક્શન સ્ટારને માફક આવે એ રીતે જ લખાઇ છે. આ ફિલ્મમાં સનીની સાથે સૈયામી ખેર અને રેગીના કાસાન્ડ્રા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.'  દાવો તો એવો થાય છે કે આ ફિલ્મની પટકથા જોશીલી પણ છે અને રિઅલિસ્ટિક પણ છે. ખાસ તો, તે સની દેઓલ જેવા સિનિયર એક્શન સ્ટારને શોભે એવી છે. આ ફિલ્મ દક્ષિણની કોઇ સફળ ફિલ્મની રીમેક નથી તેવી ચોખવટ પણ ગોપીચંદ કરી લે છે.  

ગોપીચંદે 'ગદર-ટુ' રજૂ થયા બાદ આ ફિલ્મની કથા સની દેઓલને સંભળાવી હતી. તેમણે તરત જ હા પાડી દીધી હતી. સની વાસ્તવમાં આવી જ કોઈ ભૂમિકા શોધી રહ્યા હતા. આ ફિલ્મમાં એક આમ આદમી સચ્ચાઇ ખાતર સિસ્ટમ સામે લડવાનું નક્કી કરે છે. ફિલ્મમાં ઘણી અસલી ઘટનાઓ પણ વણી લેવામાં આવી છે. ગોપીચંદ મગનું નામ મરી પાડતા નથી, પણ એટલું જરૂર કહે છે કે એ તો તમે ફિલ્મ જોશો એટલે તરત સમજી જશે કે કઈ અસલી ઘટનાઓને અમે વણી લીધી છે.  

મજાની વાત તો આ છેઃ ફિલ્મમાં ત્રણ-ત્રણ એક્શન ડિરેક્ટર લેવામાં આવ્યા છે - અનલ અરાસુ, રામ-લક્ષમણ અને નાગા વેન્કલ નાગા. આ ત્રણેય સાઉથના એક્શન ડિરેક્ટર છે એટલે આપણા માટે એમનાં નામ જોકે અજાણ્યાં છે. આ ફિલ્મના મોટા ભાગના સ્ટન્ટ સીન અસલી એટલે કે વીએફએક્સનો ઉપયોગ કર્યા વગરના હશે. ફિલ્મની હિરોઇનો પણ આક્રમક મિજાજમાં જોવા મળશે. 

હાલ સની દેઓલ હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અહીં એક ગામડાનો સેટ બનાવવામાં આવ્યો છે. આ હિન્દી ફિલ્મને મલયાલમ, તેલુગુ, કન્નડ અને તમિલમાં ડબ કરવામાં આવશે, નેચરલી. 

ગોપીચંદ એકશન ફિલ્મો બનાવવાની હથોટી ધરાવે છે. તેમણે ૨૦૨૧માં 'ક્રેક' અને ૨૦૨૩માં 'વીરા સિંહા રેડ્ડી' બનાવી હતી. પોતાની પહેલી હિન્દી ફિલ્મ તરીકે તેઓ એક ભવ્ય એક્શન ફિલ્મ બનાવવા માગે છે ને એમાં કોઇ કસર છોડવા માગતા નથી. ૨૦૨૪ના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે તેવી ગણતરી છે. 

આ ફિલ્મમાં હીરો સની દેઓલ છે તો સામે ખલનાયક પણ જબરદસ્ત હોવાનો. કોણ? ગોપીચંદ રહસ્યમય સ્મિત કરીને કહે છે, 'દક્ષિણના એક મોટા એક્ટરને અમે વિલન તરીકે લેવાના છીએ. અત્યારે એનું નામ નહીં કહું. જસ્ટ વેઇટ એન્ડ વોચ!'  


Google NewsGoogle News