સની દેઓલનો ઢાઈ કિલોના હાથની તાકાત અકબંધ છે
- મજા જુઓ. સની દેઓલની પેઢીના મોટા ભાગના સ્ટાર કામ માટે ફાંફાં મારી રહ્યા છે ત્યારે સની પાજી પાંસઠ વર્ષની ઉંમરે પણ બિઝી બિઝી છે. એમની ત્રણ મોટી ફિલ્મો ટૂંક સમયમાં એક પછી એક ત્રાટકવાની છે.
લો,સની દેઓલની એક્શન ફિલ્મ 'જાટ' હજુ તો થિયેટરોમાં ચાલી રહી છે ત્યારે 'જાટ-ટુ'ની ઘોષણા પણ થઈ ગઈ. આ ફિલ્મ કંઈ સાઉથની 'બાહુબલિ' કે 'પુષ્પા' જેવી હિટ નથી, પણ આજે બોલિવુડના એવા બુરા હાલ છે કે ૧૦૦ કરોડના બજેટમાં બનેલી 'જાટ' ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી ૧૦૦ કરોડને આંકડાને સ્પર્શ કરવાની તૈયારીમાં છે તો પણ તેના મેકર્સ અને સની પાજી ફૂલાઈના ફાળકો થઈ ગયા છે. ચશ્મિશ્ટ ફિલ્મ રિવ્યુઅર્સને તો આ ફિલ્મ દીઠી ગમી નથી, પણ સની દેઓલના ચાહકોએ તે વધાવી લીધી છે. જો 'કેસરી-ટુ' હરીફાઈમાં ન ઉતરી હોત તો 'જાટ'ની કમાણી ૧૦૦ કરોડના આંકડાને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં સંભવત: વટાવી ગઈ હોત.
'જાટ'માં સની ઢાઈ કિલોવાળો ફેમસડાયલોગ ફરી એક વાર બોલે છે! સની આ બાબતે એક ઇન્ટરવ્યુમાં મોકળા મને વાત કરતાં જણાવે છે, 'મારો આ જાણીતો સંવાદ ફરી વાપરવા બાબતે હું થોડો નાખુશ હતો. જોકે, બાદમાં મને સમજાયું કે શા માટે દિગ્દર્શક ગોપીચંદ માલિનેનીએ આ ડાયલોગનો આગ્રહ રાખ્યો હતો. 'જાટ'માં તેનો સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે બધા તેની જ વાત કરી રહ્યા છે.'
તેલુગુ ફિલ્મના જાણીતાં દિગ્દર્શક ગોપીચંદ માલિનેની આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. તેઓ કહે છે, ''ગદર-ટુ' રજૂ થયા બાદ મેં આ ફિલ્મની કથા સની સરને સંભળાવી હતી. તેમણે તરત જ આ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ આવી જ ભૂમિકા શોધી રહ્યા હતા. આ ફિલ્મમાં એક સામાન્ય માણસ સચ્ચાઇ ખાતર સિસ્ટમ સામે લડવાનું નક્કી કરે છે. આ ફિલ્મમાં કેટલીય અસલી ઘટનાઓ વણી લેવામાં આવી છે. ફિલ્મમાં તે જોઇને દર્શકો સમજી ગયા છે કે કઇ ઘટનાઓનો રેફરન્સ લેવામાં આવ્યો છે.' આ ફિલ્મ માટે એક્શન કોરિઓગ્રાફર અનલ અરાસુ, રામ-લક્ષ્મણ અને વેન્કલ નાગાને સાઇન કરવામાં આવ્યા ત્યારે બધાને નવાઇ લાગી હતી. સૌનું કહેવું હતું કે એક ફિલ્મમાં ત્રણ-ત્રણ એક્શન કોરિયોગ્રાફર લઇને ગોપીચંદે અતિરેક કરી નાખ્યો છે, પણ હવે ફિલ્મની સફળતા જોઇને લાગે છે કે ગોપીચંદે સમજીવિચારીને જ આ જોખમ લીધું હતું.
આ હિન્દી ફિલ્મને મલયાલમ, તેલુગુ, કન્નડ અને તમિલમાં ડબ કરીને રજૂ કરવામાં આવી છે તેને કારણે સની પાજી હવે દક્ષિણના એક્શન હીરોની સાથે સીધી સ્પર્ધામાં ઉતર્યા છે. ગોપીચંદ એકશન ફિલ્મો બનાવવાની હથોટી ધરાવે છે તેનો લાભ સની જેવા સ્થાપિત એક્શન હીરોને મળ્યો છે. સની પાજીએ પાંસઠ વટાવી દીધા છે. બે વર્ષ પહેલાં એમની 'ગદર ટુ' ફિલ્મે ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી બધાંને ચકિત કરી નાંખ્યા હતા. હવે 'જાટ' જેવી સફળ ફિલ્મો આપી સનીએ પુરવાર કર્યું છે કે ખાનો અને કુમારો કરતાં એ વધારે બેન્કેબલ છે.
મજા જુઓ. સની પાજીની પેઢીના મોટાભાગના સ્ટાર કામ માટે ફાંફાં મારી રહ્યા છે ત્યારે તેઓ આ ઉંમરે પણ તેમના કામમાં ગળાંડૂબ વ્યસ્ત છે. સની દેઓલની હજી ત્રણ મોટી ફિલ્મો આવી રહી છે. જે. પી. દત્તાની 'બોર્ડર ટુ'માં તેઓ નવી પેઢીના સુપર સ્ટાર દિલજીત દોસાંજ સાથે જોવા મળશે. નિતીશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ'માં સની દેઓલ હનુમાનની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેમની 'લાહોર ૧૯૪૭'નું કામ પણ ચાલુ છે. જો બધું સમૂસુતરું પાર પડયું તો ૨૦૨૫નું વર્ષ સની દેઓલ માટે બહુ સ્પેશિયલ પૂરવાર થશે.