સુકુમારન પૃથ્વીરાજ: કમર્શિયલ ફિલ્મો કશાયથી ઉતરતી નથી
- 'કળા પ્રત્યે વફાદાર રહેવાથી અને વાર્તાને આદર આપવાથી દર્શકો ખેંચાઈ આવે છે. કમર્શિયલ ફિલ્મો કંઈ નકારાત્મક નથી. આવી ફિલ્મો પણ મહાન હોઈ શકે છે.'
મલયાલમ સિનેમાના અગ્રણી એક્ટર-પ્રોડયુસર અને દિગ્દર્શકો પૈકી એક પૃથ્વીરાજ સુકુમારન કાયમ ફિલ્મ ઉદ્યોગના બદલાતા પરિપ્રેક્ષ્ય બાબતે વાચાળ રહ્યા છે. 'લુસિફર'ની અતિ અપેક્ષિત સીક્વલ 'એલટુ: એમપુરાન'ના દિગ્દર્શક તરીકે તેમણે તાજેતરમાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફિસ સફળતાના દબાણ અને બોલિવુડના સંખ્યા આધારિત પ્રકાર સાથે કેવી રીતે સરખામણી થાય છે તેના વિશે ખુલ્લા મને કરી હતી.
મલયાલમ સિનેમા બોક્સ ઓફિસ પરફોર્મન્સના આર્થિક દબાણથી મુક્ત થઈને કામ કરે છે કે કેમ તેવા સવાલના જવાબમાં પૃથ્વીરાજે આ માન્યતાનું ખંડન કર્યું હતું. એક મુલાકાતમાં પૃથ્વીરાજે કબૂલ કર્યું કે અમારા માટે પણ બોક્સ ઓફિસ મહત્વની છે. અમારા પર પણ વેચાણ વધારવાનું અને ફિલ્મો આર્થિક રીતે સુંસગત હોય તેની ખાતરી કરવાનું દબાણ હોય છે. જો કે પૃથ્વીરાજના મતે મલાયાલમ સિનેમાને અન્યોથી સૌથી નોખી પાડનારું પરિબળ છે તેનો સમજદાર દર્શક વર્ગ. માત્ર યોગ્ય રીતે બનાવેલી ફિલ્મો જ સફળ નીવડી શકે તેવા ઊંચા ધોરણ ઘડવા માટે પૃથ્વીરાજે દર્શકોને શ્રેય આપ્યું. પૃથ્વીરાજે દર્શકોની પ્રશંસા કરતા કહ્યું કે ખરાબ રીતે બનેલી ફિલ્મોને સફળતા નહિ મળે તેવું અમને સ્પષ્ટ રીતે સમજાવી દેવા બદલ દર્શકોના આભારી છીએ.
તાજેતરના વર્ષોમાં ફિલ્મ ઉદ્યોગ તેજસ્વી સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યારે સ્ટાર કાસ્ટની પરવા કર્યા વિના ઉચ્ચ ગુણવત્તાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ભારે સફળતાને વરી રહી છે. પૃથ્વીરાજ દ્રઢપણે માને છે કે કલા પ્રત્યે પ્રમાણિક રહેવાથી અને વાર્તાને આદર આપવાથી દર્શકો થિયેટર તરફ ખેંચાઈ આવશે તેમાં કોઈ શક નથી.
પૃથ્વીરાજે સ્પષ્ટતા કરી કે ફિલ્મસર્જકો, કલાકારો અને લેખકો તરીકે અમને જાણ છે કે અમે જે વાર્તા પસંદ કરીએ તેને પ્રમાણિક રહેવું જોઈએ, તેની યોગ્ય માવજત કરવી જોઈએ, તો દર્શકો ચોક્કસ તેનો સકારાત્મક પ્રતિસાદ આપશે.
એક્ટર તરીકેની સમાંતર કારકિર્દીને કારણે પોતાને પાર્ટ-ટાઈમ દિગ્દર્શક ગણાવતા હોવા છતાં પૃથ્વીરાજે પોતાને મલયાલમ સિનેમાના સૌથી દૂરંદેશી ફિલ્મસર્જક તરીકે સ્થાપિત કર્યા છે. તેની દિગ્દર્શક તરીકે મોહનલાલ અભિનિત ડેબ્યુ ફિલ્મ લુસિફર (૨૦૧૯) મલયાલમ સિનેમામાં એક સીમાચિહ્ન બની ગઈ અને મુખ્ય ફ્રેન્ચાઈસીની શરૂઆત નિશ્ચિત કરી. એલટુ: એમપુરાન સાથે પૃથ્વીરાજ માત્ર લુસિફરની સફળતા દોહરાવવા નથી માગતા પણ તેની સાથે ચિવટભરી રીતે નિયોજિત ટ્રાયલોજી તરફ આગળ વધી રહ્યા છે.
પૃથ્વીરાજ સ્પષ્ટતા કરે છે કે એક વિશાળ ફિલ્મ માત્ર મારી ઝંખનાથી નથી બનતી. તેનો વ્યાપ અને પરિપ્રેક્ષ્ય કાગળ પર જે લખાયું હોય છે તેના પર આધારીત છે. પહેલા ભાગથી જ કથાનક જે પ્રમાણે આગળ વધી રહ્યું હતું તેનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.
મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ અને હિન્દી જેવા પાંચ ભાષામાં બની રહેલી આ ફિલ્મ વિશાળ દર્શક વર્ગને પહોંચવા સક્ષમ છે. પૃથ્વીરાજે નોંધ કરી કે કથાનક દેશવ્યાપી સ્તરે મૌલિક રીતે વિકસાવવામાં આવ્યો છે જેથી તે કેરળની બહારના દર્શકો સાથે પણ સુસંગત થાય. ફિલ્મનો ત્રીસ ટકા હિસ્સો હિન્દીમાં છે અને તેને તમામ પાંચ આવૃત્તિમાં જાળવી રાખવામાં આવશે.
પૃથ્વીરાજના ફિલ્મ સર્જન વિશેના અભિગમની સૌથી નોંધનીય બાબત છે તેમનો કમર્શિયલ અને કેન્ટેન્ટ આધારીત સિનેમા વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદ વિશેનું મંતવ્ય. તેમના મતે મુખ્યપ્રવાહની ફિલ્મો કન્ટેન્ટ આધારીત ફિલ્મોની સરખામણીએ ઉતરતી હોવાની માન્યતા ભૂલભરેલી છે. પૃથ્વીરાજ સ્પષ્ટતા કરે છે કે કમર્શિયલ ફિલ્મ નકારાત્મક નથી. આવી ફિલ્મો પણ મહાન હોઈ શકે છે.