સ્ટંટ સીન માત્ર ઉત્તેજના નહીં, સલામતી પણ આપે છેઃ ટાઇગર શ્રોફ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
સ્ટંટ સીન માત્ર ઉત્તેજના નહીં, સલામતી પણ આપે છેઃ ટાઇગર શ્રોફ 1 - image


- 'બોલિવુડમાં પોતાની એક વિશિષ્ટ ઓળખ ઊભી કરવી જરૂરી છે. એક્શન ફિલ્મો મારા માટે કમ્ફર્ટ ઝોન છે. નાનો હતો ત્યારે ફિલ્મો જોઈને મનેય સ્ટંટ કરવાનું મન થતું.  હું હીરોલોગની કોપી કરવાની કોશિશ કરતો.' 

ટા ઈગર શ્રોફે 'હીરોપંતી' (૨૦૧૪)થી ડેબ્યુ કર્યું છે ત્યારથી એેણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે છે એક્શન સ્ટાર તરીકેનું સ્થાન. પ્રથમ ફિલ્મથી લઈને આગામી 'બડે મિયાં છોટે મિયાં' સુધી ટાઈગરનું નામ જોખમી સ્ટન્ટ અને ધમાકેદાર એક્શન દ્રશ્યોનું પર્યાય બની ચુક્યું છે. 

ટાઈગર માટે એક્શન હીરો હોવું એક લેબલથી ઘણું વિશેષ છે. ટાઈગર માટે આ એક ઓળખ છે જે દર્શકોએ એને આપી છે. એક્શન રોલ પ્રત્યે જબરદસ્ત પેશન ધરાવતો ટાઈગરે ફિલ્મ ઉદ્યોગની સ્પર્ધાત્મક પ્રકૃતિ વિશે વાત કરતાં કહે છે, 'અહીં પોતાની એક વિશિષ્ટ ઓળખ ઊભી કરવી જરૂરી છે. એક્શન હીરોનું લેબલ મને એક પ્રકારની સલામતી પણ આપે છે. નાનો હતો ત્યારે ફિલ્મો જોઈને મનેય એક્શન કરવાનું મન થતું. હું હીરોલોગની કોપી કરવાની કોશિશ કરતો. આજે હું ખરેખર એક એક્શન હીરો બની ગયો છું તે વાતનો મને ભરપૂર આનંદ છે.'

ઈદના દિવસે રજૂ થનારી 'બડે મિયાં છોટે મિયાં'માં સુપરસ્ટાર અક્ષયકુમાર સાથે સ્ક્રીન શેર કરવાના અનુભવ વિશે ટાઈગર જણાવે છે કે તેમની વચ્ચે મિત્રતા અને સુમેળભર્યા વ્યવહાર હોવાને કારણે આ ફિલ્મનો અનુભવ યાદગાર રહ્યો. ટાઈગર કહે છે, 'અક્ષયસર મારા માટે મેન્ટોર અને મોટા ભાઈ સમાન છે. આ ફિલ્મમો ટાઈટલ ટ્રેક જોર્ડનમાં શૂટ થયો છે. તે સંજોગો ખરેખર અસાધારણ હતા. અમે શૂન્યથી ઓછા તાપમાનમાં શૂટિંગ કર્યું હતું. જોર્ડનના ટુરિસ્ટ સ્પોટ પર શૂટ થનારું આ બોલિવુડનું પ્રથમ ગીત છે.' 

મુંબઈ, લંડન, અબુ ધાબી, સ્કોટલેન્ડ અને જોર્ડન જેવાં લોકેશનો પર શૂટ થયેલી આ ફિલ્મ તેના હોલિવુડ સ્ટાઈલનાં દ્રશ્યોને કારણે ઠીક ઠીક ઉત્સુકતા જગાવી રહી છે. ટાઈગરની મહત્ત્વાકાંક્ષા ભારતીય સિનેમાના વૈવિધ્યને એક્સપ્લોર કરવાની છે. એ દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરવા માગે છે, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆર જેવા કલાકારો સાથે સ્ક્રીન શેર કરવા માગે છે. 

ટાઈગર માત્ર સ્ક્રીન પર જ હીરોગીરી કરે છે એવું નથી. નેહા ધૂપિયાએ તાજેતરમાં એક શોમાં પોતાનો એક અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, 'હું એકવાર એક સેટ પર જઈ રહી હતી લિફ્ટમાં ફસાઈ ગયેલી. મારી સાથે લિફ્ટમાં ટાઇગર પણ હતો. હું તો ઘાંઘી થઈ ગઈ હતી, પણ ટાઈગર એકદમ કૂલ હતો. એક હીરોની અદાથી ગોગલ્સ પહેરીને મને કહેઃ રિલેક્સ, નેહા. ચિલ! આવું તો બન્યા કરે, ગભરાવાની જરૂર નથી... સાચ્ચે, તે દિવસે લિફ્ટમાં મારી સાથે ટાઇગર ન હોત તો મેં કોણ જાણે કેવી ચીસાસીસ કરી મૂકી હોત!'

ટાઇગર જોકે ખુદને અસલી જીવનમાં બિલકુલ હીરો ગણતો નથી. એ કહે છે કે સ્ક્રીન પર દેખાતો ટાઇગર અને અસલી ટાઇગર બહુ જ જુદા છે. ટાઇગર અતિ શરમાળ સ્વભાવનો યુવાન છે તે સૌ જાણે છે. એ સમાપન કરે છે, 'તમે મારી ફિલ્મોમાં સ્ક્રીન પર જે જુઓ છો તેની પાછળ મારી સખત મહેનત છે અને મારા ડિરેક્ટરોનું માર્ગદર્શન છે, બીજું કશું નહીં.'


Google NewsGoogle News