'સ્ત્રી-2'એ બૉલીવૂડને આપ્યું નવું કલ્ચર
- મોટાભાગની બ્લોકબસ્ટર ફિલ્મોની સફળતાનો યશ તેના સિતારાઓના ફાળે ગયો છે. પરંતુ 'સ્ત્રી-૨'ની અપ્રતિમ સફળતાનું કારણ તેનું દમદાર કન્ટેન્ટ અને દર્શકોએ તેને જે રીતે વધાવી લીધી તે માનવામાં આવે છે
આજની તારીખમાં સર્વત્ર 'સ્ત્રી-૨'ની જ ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર એવો તડાકો પાડયો કે રજૂઆતના ૧૮મા દિવસે ૫૦૦ કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ. ૫૦૦ કરોડની ક્લબમાં પ્રવેશનારી આ છઠ્ઠી ફિલ્મમાં કોઈ સુપરસ્ટાર નહોતો/નહોતી તેથી આ મૂવી ટૉક ઑફ ધ ટાઉન બની ગઈ છે.
વાસ્તવમાં આ ફિલ્મે ઘણાં રેકોર્ડ તોડયાં છે. વર્ષ ૨૦૧૭માં તેલુગુમાંથી હિન્દીમાં ડબ કરેલી 'બાહુબલિ'એ ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે વખતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અન્ય કોઈ મૂવી આ રેકોર્ડ તોડશે. પરંતુ વર્ષ ૨૦૨૩માં શાહરુખ ખાનની 'જવાન' અને 'પઠાણ', સની દેઓલની 'ગદર-૨' તેમ જ રણબીર કપૂરની 'એનિમલ'એ 'બાહુબલિ'નો રેકોર્ડ તોડયો. પરંતુ આ બધી ફિલ્મોમાં શાહરુખ ખાન, સની દેઓલ, રણબીર કપૂર અને પ્રભાસ જેવા સુપરસ્ટાર્સ હતાં. અગાઉ પણ તેમની ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર નવા નવા રેકોર્ડ સ્થાપિત કર્યાં હતાં. જ્યારે 'સ્ત્રી-૨'ની મુખ્ય જોડી રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂરનું નામ સુપરસ્ટાર્સની યાદીમાં તો નથી જ આવતું. અને આગામી સમયમાં આવનારી તેમની ફિલ્મોને પણ આવી સફળતા મળશે એમ કોઈ નથી માનતું. આ કારણે જ ફિલ્મી દુનિયાના જાણકારો 'સ્ત્રી-૨'ની અપ્રતિમ સફળતાને એક નવા ફોર્મ્યુલા તરીકે જોઈ રહ્યાં છે.
બૉલીવૂડમાં કોઈ એક જોનરની ફિલ્મ સફળ થાય એટલે એ પ્રકારની ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ શરૂ થઈ જાય. ગયા વર્ષે આવેલી કાર્તિક આર્યનની હૉરર કૉમેડી 'ભૂલભૂલૈયા-૨'ને દર્શકોએ ખાસ્સી પસંદ કરી હતી. જ્યારે 'સ્ત્રી-૨'એ તો ઈતિહાસ રચી દીધો છે. સ્વાભાવિક રીતે જ હિન્દી ફિલ્મોના સંખ્યાબંધ સર્જકોએ આ પ્રકારની ફિલ્મો બનાવવાની ઘોષણા કરી દીધી છે. અને ઘણી ફિલ્મોનું તો આયોજન પણ શરૂ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મોટાભાગની બ્લોકબસ્ટર ફિલ્મોની સફળતાનો યશ તેના સિતારાઓના ફાળે ગયો છે. પરંતુ 'સ્ત્રી-૨'ની અપ્રતિમ સફળતાનું કારણ તેનું દમદાર કન્ટેન્ટ અને દર્શકોએ તેને જે રીતે વધાવી લીધી તે માનવામાં આવે છે. આનો સીધો અર્થ એ થયો કે ફિલ્મની સફળતા માટે સુપરસ્ટાર્સની હાજરીની નહીં, બલ્કે મજબૂત કન્ટેન્ટની જરૂર હોય છે. આ કારણે જ 'સ્ત્રી-૨'ની સફળતા પછી સઘળા ફિલ્મ સર્જકો પોતાની ફિલ્મોમાં દર્શકોની બદલાયેલી પસંદને ધ્યાનમાં રાખી રહ્યાં છે.
વર્ષ ૨૦૨૪માં કોઈ સુપરસ્ટારની ફિલ્મ આવી નથી અને આવવાની પણ નથી. હિન્દી ફિલ્મોના સર્જકો તેમ જ દર્શકો સુધ્ધાં માની રહ્યાં હતાં કે આ વર્ષે હિન્દી ફિલ્મદ્યોગની કોઈપણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત નહીં કરે. પરંતુ 'સ્ત્રી-૨'એ આ વર્ષે ઝાંખા પડી ગયેલા બૉલીવૂડને નવી ઝાકઝમાળ આપી છે. અલબત્ત, આ ફિલ્મે હજી બૉક્સ ઑફિસ પર નવો રેકોર્ડ સ્થાપિત નથી કર્યો. ગયા વર્ષે શાહરુખ ખાનની 'જવાન'એ ૬૪૩ કરોડ રૂપિયા રળ્યાં હતાં. પરંતુ આગામી સમયમાં આ ફિલ્મ ૬૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જાય તોય નવાઈ પામવા જેવું નથી. વળી આ મૂવીની રજૂઆત પછી દોઢ મહિના સુધી કોઈ બિગ બજેટ ફિલ્મ નથી આવવાની. સ્વાભાવિક રીતે જ આ મૂવીને તેનો સીધો લાભ મળી શકે. આવી સ્થિતિમાં રાજકુમાર રાવ જો બૉક્સ ઑફિસ પર શાહરુખ ખાનને પાછળ છોડી દે તો એ એક અનોખી કહાણી બની રહેશે. ટૂંકમાં એમ કહી શકાય કે 'સ્ત્રી-૨'એ બૉલીવૂડને નવું કલ્ચર આપ્યું છે.