સ્ટાર ફોર્સઃ અબ આયા વીર પહાડ કે નીચે
- 'મારા ઘરે ફિલ્મફેર મેગેઝિન આવતું. હું એના અંકો ભેગા કરતો. ફિલ્મફેરના અમુક અંકો તો મેં હજુ સુધી કાળજીપૂર્વક સાચવી રાખ્યા છે.'
હિન્દી ફિલ્મ જગતમાં એવાં ઘણાં કલાકારો છે જેમના પરિવારને ફિલ્મની દુનિયા સાથે ક્યારેય કોઇ જ સંબંધ રહ્યો નથી. વીર પહાડિયાના કિસ્સામાં પણ એમ જ છે. જોકે વીરે પોતાની અભિનય પ્રતિભાથી બોલીવુડમાં પા પા પગલી ભરી છે.
વીર પહાડિયાનો પહેલો પરિચય એટલે થોડા સમય પહેલાં રજૂ થયેલી ફિલ્મ સ્કાય ફોર્સ (અક્ષય કુમાર, સારા અલી ખાન, નિમ્રત કૌર)નો એરફોર્સ ઓફિસર. ફિલ્મમાં વીર પહાડિયાએ ભારતના હવાઇ દળના અધિકારીનું પાત્ર ભજવ્યું છે. સ્વાભાવિક છે કે ફિલ્મની કથા ભારતીય હવાઇ દળ પર આધારિત હોય એટલે તેમાં પરાક્રમ, જુસ્સો, રાષ્ટ્રપ્રેમ વગેરે પાસાં હોય જ. સ્કાયફોર્સ ફિલ્મને સફળતા મળી હોવાથી નવા સ્ટાર તરીકે વીર પહાડિયાનું નામ પણ બોલીવુડમાં અને દર્શકોમાં ઠીક ઠીક જાણીતું થયું છે.
વીર પહાડિયાનો બીજો પરિચય એટલે તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદનો દોહિત્ર છે. વીરની માતા સ્મૃતિ સંજય પહાડિયા સુશીલકુમાર શિંદેની દીકરી છે. સ્મૃતિ શિંદેએ સંજય પહાડિયા સાથે લગ્ન કર્યાં છે. આ સંબંધે સુશીલ કુમાર શિંદે વીરના નાના છે.
મુંબઇમાં જન્મેલો અને ઉછરેલો વીર પહાડિયા કહે છે, મારી ફિલ્મ સ્કાયફોર્સ રજૂ થઇ ત્યારે મારાં ઘણાં સગાં-સંબંધીઓને અને મિત્રોને બહુ બહુ આશ્ચર્ય થયું હતું. મારો સંબંધ અને શોખ બાળપણથી જ નાટકો, ગીત-સંગીત,નૃત્ય રહ્યો છે. કદાચ મને મારી આ કુદરતી પ્રતિભા ફિલ્મની દુનિયામાં લઇ આવી છે. હું મુંબઇની એક જાણીતી શાળામાં ભણતો ત્યારે નાટકોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર હિસ્સો લેતો. સમય જતાં હું વધુ અભ્યાસ માટે લંડન ગયો હતો. હું મારા ભણતર દરમિયાન સંગીત શીખતો અને કાર્યક્રમો પણ કરતો. પિયાનો મારું પ્રિય વાદ્ય છે. સાથોસાથ આપણી હિન્દી ફિલ્મો જોવાનો આનંદ પણ માણતો. શાહરૂખ ખાન અને હૃતિક રોશન મારા પ્રિય અભિનેતા રહ્યા છે. અમારા ઘરે ફિલ્મફેર મેગેઝીન આવતું. હું એના અંકો ભેગાં કરતો. અમુક અંક તો મેં હજી પણ સાચવી રાખ્યા છે. બસ, નાનપણથી નાટકોમાં કામ કરવાનો શોખ અને ફિલ્મફેર મેગેઝીનમાં આ બંને સ્ટાર્સના સુંદરમજાના કલરફૂલ ફોટોગ્રાફ્સ જોઇને મને અભિનેતા બનવાની પ્રેરણા મળી છે.
ફિલ્મ ભેડિયા(વરૂણ ધવન) અને ફિલ્મ સ્ત્રી- ૨(શ્રદ્ધા કપૂર)માં સહાયક દિગ્દર્શકની અને ફિલ્મ ભેડિયામાં અભિનેતા વરૂણ ધવનના બોડી ડલબની કામગીરી કરી ચૂક્યો છે. એણે અગાઉ એલોન, બાઝાર, સત્યમેવ જયતે વગેરે ફિલ્મોમાં પણ વિવિધ પાત્રો ભજવ્યાં છે. એ કહે છે, મને સ્કાયફોર્સ ફિલ્મના ઓડિશન માટે આમંત્રણ મળ્યું ત્યારે રાજીના રેડ થઇ ગયો હતો. મારા ચહેરાનો ટેસ્ટ લેવાયો. તે વખતે મારા માથાના વાળ લાંબા હતા. દાઢી પણ ખરી. જોકે ઓડિશનની ટીમે તે બધું બદલી નાખ્યું. માથાના વાળ ટૂંકા કરી નાખ્યા. દાઢી સફાચટ કરી નાખી. મૂછ મિલિટરી સ્ટાઇલ કરી દીધી. તેઓ આ બધું શા માટે કરી રહ્યા છે તેની મને ખબર જ નહોતી. બસ,ઓડીશનની ટીમે મને હેન્ડસમ બનાવી દીધો.
ત્યારબાદ મને થોડા મહિના પછી એક દિવસ અચાનક ફિલ્મની વાર્તા સાંભળવાનો સંદેશો મળ્યો. તે સ્ટોરી સ્કાયફોર્સ ફિલ્મની હોવાથી મેં તેમાં કામ કરવાનો મનોમન નિર્ણય કર્યો. મને મારા પાત્ર વિશે માહિતી આપવામાં આવી. સ્કાયફાર્સમાં મને અક્ષયકુમાર જેવા સિનિયર અને સફળ સ્ટાર સાથે કામ કરવાની સોનેરી તક મળતી હોવાથી બેહદ ખુશ થયો. છેવટે સ્કાયફોર્સ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. હું તો બોલીવુડમાં સાવજ નવો સવો હોવા છતાં અક્ષય કુમારે, સારા અલી ખાને, નિમ્રત કૌરે મને પૂરતો સહકાર આપ્યો. મારો આત્મવિશ્વાસ વધાર્યો. મને અમુક ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું. ખરું કહું તો મારું ફિલ્મ સ્ટાર બનવાનું બાળપણનું સપનું સાચું થયું તેનો બેહદ આનંદ થયો.
એક ખાસ વાત. મેં સ્કાયફોર્સ ફિલ્મમાં ફક્ત આંખોથી અભિનય કર્યો છે. મારે હવાઇ દળના ઓફિસરનું પાત્ર ભજવવાનું હોવાથી મેં ચહેરા પર માસ્ક પહેર્યો છે.એટલે દર્શકો મારા ચહેરાના હાવભાવ જોઇ શક્યા નથી. મારી ભૂમિકાની આ જ તો પરીક્ષા હતી.
ફિલ્મ રજૂ થઇ. મને ફિલ્મના પડદા પર જોઇેને મારો પરિવાર ભાવવિભોર બની ગયો હતો.જોકે ખરાં નિર્ણાયક તો દેશનાં લાખો - કરોડો દર્શકો જ છે. મારી બસ, એક જ ઇચ્છા છે કે મને બોલીવુડમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવવાની તક મળે.મારી અભિનય પ્રતિભા નિખરે.