Get The App

સાઉથ-સ્ટાર રિષભ શેટ્ટીએ બોલિવુડનાં છોતરાં ફાડયા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
સાઉથ-સ્ટાર રિષભ શેટ્ટીએ બોલિવુડનાં છોતરાં ફાડયા 1 - image


- 'બોલિવુડ મૂવીઝ આપણાં દેશનું નેગેટિવ નિરુપણ કરે છે. આ કહેવાતી આર્ટ ફિલ્મોનું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્ક્રીનિંગ થાય છે ત્યારે દુનિયાભરના લોકો તેને બધા બહુ ધ્યાનથી જુએ છે. આ ફિલ્મોમાં ભારતનો દરિદ્ર ચહેરો  ઊપસતો હોય છે.'

પેન ઇન્ડિયા ફિલ્મોની બિઝનેસ ખાતર વાતો થાય છે, પણ હકીકતમાં મુંબઈ અને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કોલ્ડ-વોર ચાલ્યા કરે છે એટલા માટે કે સાઉથના ફિલ્મમેકરો બોલીવૂડને 'બિગ બ્રધર' માનવા તૈયાર નથી. એનો નિર્દેશ 'બાહુબલી'ના મેકર એસ. રાજામૌલીએ ઓસ્કર એવોર્ડ સમારંભમાં આપી દીધો હતો. રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના ગીત 'નાટો નાટો'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર એવોર્ડ એનાયત કરતી વખતે 'ઇન્ડિયન ફિલ્મ' ગણાવાઈ હતી. રાજામૌલીએ આભારવિધિમાં તરત ખુલાસો કરતાં કહ્યું હતું કે 'આરઆરઆર' ઇઝ નોટ ઇન્ડિયન ફિલ્મ, ઈટ્સ અ તેલુગુ ફિલ્મ. એમ કહીને એમણે પોતાની માતૃભાષાની ફિલ્મનું ગૌરવ વધાર્યું અને સાથોસાથ મભમમાં એવો મેસેજ પણ આપી દીધો કે અમારી પોતાની એક ઓળખ છે, અમે કોઈના ઓશિયાળા નથી.'

હવે 'કંતારા' માટે તાજેતરમાં બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મેળવનાર કન્નડ એક્ટર રિષભ શેટ્ટીએ ભારતને દુનિયા સમક્ષ 'ભુંડું ચીતરવા' બદલ બોલિવુડની ફિલ્મોની ઝાટકણી કાઢી નાખી છે. કન્નડ ફિલ્મ 'લાફિંગ બુદ્ધા'ની પ્રમોશનલ ઇવેન્ટમાં રિષભે હિન્દી ફિલ્મોનો ઉધડો લીધો હતો.

હવે વાઇરલ થયેલા એક ઇન્ટરવ્યૂમાં કન્નડ એક્ટર કહે છે, 'ઇન્ડિયન ફિલ્મો અને એમાંય ખાસ કરીને બોલિવુડ મૂવીઝ આપણાં દેશનું નેગેટિવ નિરુપણ કરે છે. આ કહેવાતી આર્ટ-ફિલ્મોનું ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ (ફિલ્મ ફેસ્ટિવલ્સ)માં સ્ક્રીનિંગ થાય છે અને એને બધા બહુ ધ્યાનથી જુએ છે. મારા માટે મારો દેશ, મારું રાજ્ય અને મારી ભાષા ગૌરવ લેવા જેવી બાબતો છે. હું એમને જગત સમક્ષ પોઝિટિવલી પ્રેઝન્ટ કરવામાં માનું છું અને એ માટે સતત મથતો રહું છું.'

'કંતારા' સપ્ટેમ્બર, ૨૦૨૨માં થિયેટરોમાં રિલિઝ થયા બાદ વરસની સૌથી મોટી હીટ મૂવીઝમાં સ્થાન પામી હતી. આ એક જ ફિલ્મથી રિષભ શેટ્ટી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સ્ટાર બની ગયો હતો.

રિષભના ઉક્ત વિવાદાસ્પદ ઇન્ટવ્યૂના સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. નેટિઝન્સે એક્ટરની બરાબરની ખબર લીધી હતી. એક નેટિઝને પોતાની કમેન્ટમાં લખ્યું, 'આટલા માટે જ હું સાઉથના મોટાભાગના સ્ટાર્સને દંભી ગણાવું છું. એમને માત્ર પોતાની ભાષાની જ પરવા છે. 'લગાન' અને 'મધર ઇન્ડિયા' જેવી (હિન્દી) ફિલ્મો પશ્ચિમના દેશોમાં ખૂબ વખણાઈ હતી અને એમાં ક્યાંય ભારતને નીચું નથી બતાવાયું.'


Google NewsGoogle News