સૌંદર્યા શર્મા : મારી વ્યક્તિગત પસંદગી અને મારી વિજ્ઞાાપનો જુદી જુદી બાબત છે
- 'મને ભૂતકાળની વાતો કરવામાં રસ નથી. હવે મને ગૌતમ સિંહ વિગ માટે કોઈ વિશેષ લાગણી નથી. હું જીવનમાં ઘણી આગળ વધી ચૂકી છું. ગૌતમ સાથે મારો કોઈ સંપર્ક નથી.'
સોશિયલ મીડિયા વિશાળ પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક ઉત્તમ સાધન તરીકે કામ કરે છે, એ વાતને તો કોઈ નકારી શકે એમ નથી, પણ તેની સાથોસાથે સોશિયલ મીડિયા કલાકારોને ક્યારેક ખૂબ નુક્સાન પહોંચાડી દે છે તે વાત પણ એટલી જ સાચી. આ સચ્ચાઈનો અનુભવ અભિનેત્રી સૌંદર્યા શર્માને તાજેતરમાં જ થયો જ્યારે તેના હાથમાંથી આજના ત્રણ સુપરસ્ટાર-શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર સાથેની માઉથફ્રેશનરની વિજ્ઞાાપન જાહેરાત છૂટી ગઈ! શા માટે? સૌંદર્યા શર્મા દંત ચિકિત્સક હોવાને કારણે તેને પ્રેક્ષકોના એક વિશાળ હિસ્સા તરફથી આ જાહેરાતનો ભાગ બનવાના પ્રયાસ બદલ ટીકાનો સામનો કરવો પડયો.
આ મુદ્દા અંગે વાત કરતાં સૌંદર્યાએ જણાવ્યું, 'માઉથ ફ્રેશનરની જાહેરાત માટે બ્રાન્ડે મારો સંપર્ક કર્યો. મોટા પ્રમાણમાં દર્શકોને નુકસાન પહોંચાડી શકે એવી કોઈપણ વસ્તુને સમર્થન આપવા વિશે હું વિચારી શકતી નથી. આ ઉપરાંત કોઈને પણ હાનિકારક વસ્તુનું સેવન કરવા દબાણ કરી શકાય નહીં. તેમ છતાં જીવનમાં તમારી કેટલીક પસંદગી ભવિષ્યની આકાંક્ષા પર આધારિત હોય છે. હું ડેન્ટિસ્ટ છું અને સાથે સાથે કલાકાર પણ છું. કેટલીકવાર એક કલાકાર તરીકેની મારી પસંદગી મારા વ્યક્તિગત અભિપ્રાયોથી અલગ હોય શકે છે.'
શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષયકુમાર સાથે સ્ક્રીન શેર કરવું કોઈને પણ માટે એક સ્વપ્ન સમાન હોવાનું. સૌંદર્યા ઉમેરે છે, 'મેં કોઈ કલ્પના કરી ન હતી જેમ કે મારા માર્ગમાં આડે આવી રહ્યું છે. તેથી હું આવી તક-ઓફર થતાં ખૂબ જ રોમાંચિત હતી. શું હું મૂર્ખ છું કે દેશના ત્રણ સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરવાની અને મારી કારકિર્દીને વેગ આપવાની ઓફર ન સ્વીકારું?'
સૌંદર્યાના 'બિગ બોસ' હાઉસમાં તેના કાર્યકાળ દરમિયાન ગૌતમ સિંહ વિગ સાથેના રોમેન્ટિક સંબંધો ખૂબ ચગ્યા હતા અને કેટલાંક અખબારોમાં તો આ સંબંધ હેડલાઈન્સ પણ બન્યા હતા. જોકે શોની સાથે સાથે આ સંબંધનો પણ અંત આવી ગયો હતો.
જ્યારે ગૌતમે સૌંદર્યાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એણે ખાસ ધ્યાન ન આપ્યું, કેમ કે એ અફેરને ફરીથી જગાવવા ઈચ્છતી નહોતી. આ સંદર્ભે સૌંદર્યા કહે છે, 'હું એવી કોઈ બાબત વિશે વાત કરવા નથી ઈચ્છતી, જે ભૂતકાળની હોય. એ બાબત મારા વર્તમાન જીવનમાં કોઈ સુસંગતતા ધરાવતી નથી. હવે મને ગૌતમ માટે કોઈ વિશેષ લાગણી નથી. હું ઘણી આગળ વધી ચૂકી છું. હું તેની સાથે કોઈ પ્રકારના સંપર્કમાં નથી.' આને કહેવાય રાત ગઈ સો બાત ગઈ!