સોનુ સૂદનું થ્રી-ઇન-વન: એક્ટર, પ્રોડયુસર અને રાઇટર

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સોનુ સૂદનું થ્રી-ઇન-વન: એક્ટર, પ્રોડયુસર અને રાઇટર 1 - image


- 'કોવિડ મહામારી દરમ્યાન હું લોકોને મદદ કરી રહ્યો હતો અને મને ખબર પડી કે મારા નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.  મારા નામે લોન આપવાનાં વચનો અપાતાં હતાં.' 

સોનુ સૂદે 'ફતેહ'ના સર્જન માટે બેવડી ભૂમિકા અપનાવી છે. આ સાયબર ક્રાઈમ થ્રિલરનું મહત્ત્વ સોનુ સૂદ માટે એક એક્ટર તરીકે જ નહિ પણ ફિલ્મ નિર્માતા તરીકે પણ છે. આ બંને મહત્વની ફરજોનું સંતુલન પડકારજનક હોવા છતાં સોનુને પોતાના પ્રોડક્શનને સાકાર કરવાનો અનુભવ સંતોષજનક લાગ્યો છે.

સોનુ કબૂલ કરે છે કે પહેલી જ વાર નિર્માણકાર્ય સંભાળવું મહાકાય જવાબદારી છે. સાયબર ઠગાઈનો ભોગ બનેલા પીડિતોને મળ્યા પછી સોનુને આ પ્રોજેક્ટ હાથ ધરવાની પ્રેરણા મળી હતી. સોનુ 'ફતેહ'માં માત્ર અભિનય અને નિર્માણ જ નથી કરતા, પણ  વાર્તાકાર પણ છે. આ મલ્ટિસ્ટાર ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જેક્લીન ફર્નાન્ડીઝ છે.

'ફતેહ' એક રોમાંચક એક્શનથી ભરપૂર ફિલ્મ તરીકે ઉભરી રહી છે જેણે તેની મનમોહક કથા અને હોલિવુડ સ્ટંટ કોઓડનેટર્સના ઇન્વોલ્વમેન્ટને કારણે પહેલેથી જ અપેક્ષાઓ જગાવી છે.

સોનુ કહે છે કે *'ફતેહ' માટેનો વિચાર મારા મગજમાં ત્યારે આવ્યો જ્યારે કોવિડ મહામારી દરમ્યાન હું લોકોને મદદ કરી રહ્યો હતો અને મને ખબર પડી કે મારા નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેઓને મારા નામે લોન આપવાનું અને મને મળવાનાં ખોટાં વચનો આપવામાં આવ્યા હતા. 'તે સમયે મને સમજાયું કે આ સાયબર ક્રાઈમ આપણા દેશમાં એક મોટો મુદ્દો છે. તેના પર પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

'ફતેહ'નું શૂટીંગ પંજાબમાં ૧૧ માર્ચથી શરૂ થયું અને યુનિટે આ મહિને અમેરિકામાં શૂટીંગ સમાપ્ત કર્યું. અમેરિકામાં બે મહિનાના શૂટીંગનો હેતુ રોમાંચક એક્શન સિક્વન્સને કેમેરામાં જકડવાનો હતો. સોનુએ ફતેહની સ્ટાઈલિશ એક્શન ડ્રામા તરીકે કલ્પના કરી હતી અને તેનો હેતુ માપદંડ વધુ ઊંચે લાવવાનો હતો. આ હેતુ પાર પાડવા તેણે 'લીવ ફ્રી ઓર ડાઈ હાર્ડ' (૨૦૦૭), 'એક્સ-મેન: એપોકેલીપ્સ' (૨૦૧૬) અને 'કેપ્ટન માર્વેલ' (૨૦૧૯) જેવી હોલિવુડ બ્લોકબસ્ટર્સ પર પોતાના કામ માટે વિખ્યાત થયેલા લોકપ્રિય સ્ટન્ટ કોઓર્ડિનેટર લી વ્હીટટેકરની સેવા લીધી.

વ્હીટટેકર સાથે સહયોગ કરવાનો સોનુનો નિર્ણય માઈકલ બેની યુદ્ધ ફિલ્મ 'પર્લ હાર્બર' (૨૦૦૧) માટે તેના દ્વારા કોરીયોગ્રાફ કરાયેલા અભૂતપૂર્વ હવાઈ સ્ટન્ટ દ્વારા પ્રભાવિત હતો. વ્હીટટેકરને હીરો માટે અનેક માર્શલ આર્ટ્સ અને હવાઈ યુદ્ધ દૃષ્યો બનાવવાની જવાબદારી સોંપાઈ હતી જેનાથી 'ફતેહ'માં ગતિશીલ પરિમાણનો ઉમેરો થયો છે.

સોનુ સૂદે સ્પષ્ટતા કરી કે મારે 'ફતેહ'ને મોટા ફલક પર બનાવવી હતી. અમે ન્યુ યોર્ક અને સેન ફ્રાન્સિસ્કોમાં અનેક એક્શન સિકવન્સીસનું શૂટીંગ કર્યું. અમે હોલીવૂડ પ્રોડક્શનના ધોરણે તેનું શૂટીંગ કર્યું હતું. લીએ આ તમામ સ્ટન્ટને માસ્ટરમાઈન્ડ કર્યા હતા.

'ફતેહ' પ્રોડક્શન ટીમ હવે તેના આગામી સ્થળ દિલ્હી માટે તૈયાર થઈ રહી છે. અહીંના શૂટીંગ શેડયુલ પછી દુબઈમાં તેની પૂર્ણાહુતિ થશે. આ રોમાંચક થ્રિલરમાં સોનુ ફતેહ સિંઘની ભૂમિકા ભજવે છે જે સામાન્ય માનવી હોવા છતાં સાયબર ગુનાનો ભોગ બન્યા પછી સાયબર ઠગોના મુખ્ય શત્રુ તરીકે ઊભરી આવે છે.

 ફિલ્મ માટે સૂદની પ્રેરણા નકલી લિંક્સ અને ઓટીપી સ્કેમનો શિકાર બનેલા સામાન્ય વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી રોજિંદી મુશ્કેલીઓને દૂર કરવાની ઇચ્છાથી ઉદ્ભવી છે.

ફિલ્મમાં ત્રણ વિશિષ્ટ દેખાવ ધારણ કરનાર સોનુ સૂદ કહે છે કે દરરોજ સામાન્ય માનવી બોગસ લિંક અને ઓટીપી દ્વારા છેતરાય છે. મારે આ મુદ્દાને ઉપસ્થિત કરવો છે.

'ફતેહ' સાથે સોનુ સૂદે માટે પોતાનું એક્ટીંગ કૌશલ્ય જ પૂરવાર નથી કર્યું પણ અસરકારક અને રોમાંચક સિનેમેટીક અનુભવ આપવા પ્રતિબદ્ધ એક વિઝનરી નિર્માતા તરીકે પોતાની પ્રતિભા પણ સાબિત કરી છે.


Google NewsGoogle News