સોનુ નિગમનો અતરંગી પ્રયોગ .
- 'મારે તો એ જોવું હતું કે મુંબઇ જેવાં મહાનગરોમાં સ્ટ્રીટ સિંગર્સ પ્રકારના લોકો માટે આમ જનતામાં કેટલી હદે સંવેદનશીલતા અને માનવતા ટકી રહ્યાં છે. મેં એટલે જ આ પ્રયોગને 'રોડસાઇડ ઉસ્તાદ' એવા શબ્દોથી વર્ણવ્યો હતો.'
અ ભિનય, પાર્શ્વગાયન, સ્વરનિયોજન, એન્કરીંગ, ટીવી પ્રોગ્રામ્સનું જજિંગ, સ્ટેજ પ્રોગ્રામ્સ, વિદેશ યાત્રા અને વિદેશી કલાકારો સાથે નવાં સાહસો, નવાં નવાં આલ્બમ્સનું પ્રકાશન.... આટલી બધી પ્રવૃત્તિ વચ્ચે પણ સોનુના પગ ભોંય પર રહ્યા. એ સતત કશુંક નવું કરવા તત્પર રહેતો. એવા એક વિલક્ષણ પ્રયોગની વાત કરવી છે. આ વાત કરવા અગાઉ એની પૂર્વભૂમિકા જાણવી જોઇએ. ખરેખર રસપ્રદ વાત છે.
આજે તો મહાનગર મુંબઇની લોકલ ટ્રેન લગભગ વીસથી બાવીસ કલાક ખીચોખીચ ભરેલી હોય છે. ઘેટાંબકરાં ભરવાના માલગાડીના ડબ્બા કરતાં પણ લોકલ ટ્રેનોમાં માણસો વધુ હોય છે. પંદર ડબ્બાની કુલ ત્રણ સાડા ત્રણ હજાર ઉતારુની કેપેસિટી સામે રશ અવર દરમિયાન આઠથી દસ હજાર ઉતારુ જાનના જોખમે પ્રવાસ કરતા હોય છે.
૧૯૫૦ના દાયકામાં આવું નહોતું. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો ઘણે અંશે આરામદાયક હતો. ટ્રેનોમાં મોટે ભાગે પ્રજ્ઞાચક્ષુ ભિક્ષુકો ભાંગ્યાતૂટયા હાર્મોનિયમ સાથે હિટ ફિલ્મી ગીતો-ભજનો ગાતા. ફિલ્મ 'રતન'નું 'એક પૈસા દે દે બાબુ' (સંગીતકાર રવિ) અને ફિલ્મ ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા ગીત (સંગીત ફરી રવિ) જેવાં ગીતો આ યાચકોનાં માનીતાં હતાં. એકવાર સંગીતકાર સી. રામચંદ્રે (રામચંદ્ર ચિત્તળકરે) આવા એક ગાયકને સાંભળ્યો. એ તો છક થઇ ગયા. એમણે એક વિચાર રજૂ કર્યો કે ટ્રેનોમાં યા રવિસડકો પર ગાતા આવા ભિક્ષુકોનો એક પ્રોગ્રામ યોજવો જોઇએ. શક્ય છે, એકાદ સરસ ગાયક કલાકાર મળી આવે. કૃત્રિમ ઝળહળાટ અને ચકાચૌંધ રોશનીમાં રાચતા ફિલ્મ ઉદ્યોગના માંધાતાઓએ આ પ્રસ્તાવને દાદ ન આપ્યો. જોકે ચિત્તળકરે દાદરના એક નાનકડા હોલમાં પોતાના ખર્ચે આવો એક કાર્યક્રમ કર્યો અને ભિક્ષુકોને જમાડયા અને થોડા થોડા પૈસા પણ આપ્યા.
કેટલેક અંશે આવો વિચાર એક વિદેશી કલાકારને પણ આવેલો. વિશ્વના સર્વોત્તમ વાયોલિનવાદકોમાં અગ્રણી એવા અમેરિકી કલાકાર જોશુઆ બેલના કાર્યક્રમોની મિનિમમ ટિકટ સો ડોલરની હોય છે. એ પાશ્ચાત્ય શાીય સંગીતના ધુરંધર ગણાય. એકવાર એમને એક ચાહકનો પત્ર મળ્યો કે અમે પણ તમારા ચાહક છીએ પરંતુ તમારી ટિકિટ અમને પરવડતી નથી. એટલે તમને લાઇવ કાર્યક્રમમાં સાંભળવાની તક અમે ઝડપી શકતા નથી.
જોશુઆ બેલ આ પત્ર વાંચીને વિચારમાં પડી ગયા. તેમણે એક પ્રયોગ કર્યો. મેલાંઘેલાં વો, અસ્તવ્યસ્ત વાળ અને ચાર પાંચ દિવસની વધેલી દાઢી સાથે ન્યૂ યોર્કની એક સડક પર બેઠા. વાયોલિન વગાડવાનું શરૂ કર્યું. લગભગ એકાદ કલાક વગાડયું. લોકોની અવરજવર થતી રહી. કોઇએ એમની તરફ ધ્યાન સુદ્ધાં ન આપ્યું. અકસ્માતે એક ટીવી ચેનલના કેમેરામેનની એમના પર નજર પડી. એ જોશુઆને ઓળખી ગયો અને તરત એમની વીડિયો ઊતારવા માંડયો. જોશુઆ ચેતી ગયા. પોતાનું વાદન ઝટપટ આટોપી લઇને કારમાં બેસીને રવાના થઇ ગયા. જોકે પેલી ટીવી ચેનલે આ ટચૂકડો વીડિયો રજૂ કર્યો. જોશુઆના લાખો ચાહકો પોતાના માનીતા કલાકારને ભિક્ષુક રૂપે જોઇને ડઘાઇ ગયેલા.
આપણો પાર્શ્વગાયક સોનુ નિગમ જોશુઆ બેલની આ ઘટનાથી પ્રેરાયો હશે કે કેમ એની માહિતી ઉપલબ્ધ નથી, પણ જોશુઆ જેવો જ પ્રયોગ સોનુએ મહાનગર મુંબઇની એક સડક પર કરેલો. ૨૦૧૬ના મે માસની ૧૬મી તારીખે મુંબઇના શ્રીમંત ગણાતા જુહુ વિસ્તારની એક સડક પર જૂનુંપુરાણું હાર્મોનિયમ લઇને એ બેઠો. માથા પર ખીચડિયા (શ્વેતશ્યામ) વાળ અને એવાં જ દાઢીમૂછ સાથે સોનુ ગાવા બેઠો. જોશુઆ બેલે એક કલાક વાયોલિન વગાડેલું. તમને કદાચ નવાઇ લાગશે પણ સોનુએ તો ત્રણેક કલાક ગાયું. લોકોની અવરજવર થતી રહી. હજારો લોકોની વચ્ચે એક યુવાન એવો નીકળ્યો જે સોનુનાં ગીતોથી ખુશ થઇ ગયો. જોકે એ સોનુને ઓળખી શક્યો નહોતો. આ કોઇ ગરીબ ગાયક છે એમ સમજીને એણે સોનુને બાર રૂપિયા આપ્યા. એની સંવેદનશીલતા સોનુને સ્પર્શી ગઇ. પાછળથી એણે આ યુવાન સાથે ફોટો પડાવ્યો. એને પોતાને ત્યાં ચા પીવા નોતર્યો અને સોશ્યલ મીડિયા પર આ પ્રસંગ વર્ણવ્યો.
સોનુ પોતે આ ઘટના વિશે શું માને છે? એણે કહેલું, 'મારે તો એ જોવું હતું કે મુંબઇ જેવાં મહાનગરોમાં સ્ટ્રીટ સિંગર્સ જેવા લોકો માટે આમ જનતામાં કેટલી હદે સંવેદનશીલતા અને માનવતા ટકી રહ્યાં છે. મેં એટલે જ આ પ્રયોગને રોડસાઇડ ઉસ્તાદ એવા શબ્દોથી વર્ણવ્યો હતો. ઘડિયાળના કાંટે હડિયાપટ્ટી કરતા લોકોને આવા કલાકારો સામે જોવાનીય ફુરસદ હોતી નથી. બાકી આ દેશ તો બહુરત્ના વસુંધરા છે. કલાકારો અને પ્રતિભાઓની આપણા દેશમાં કમી નથી. એમને યોગ્ય તક અને પ્લેટફોર્મની જરૂર હોય છે. મને મળેલા બાર રૂપિયા ભલે મામૂલી રકમ હોય, મારા માટે એ કોઇ ઇન્ટરનેશનલ એવોર્ડથી કમ નથી. ધેટ્સ ઓલ.'