સોનુ નિગમની બિન્દાસ વાણી : AIથી ડરે એ બીજા...
- 'આજે મારી બે પ્રાયોરિટીઝ છે- ગાયકીનો સતત રિયાઝ કરવો અને ફિઝિકલ ફિટનેસ જાળવવી. સિક્સ-પેક બનાવવાનું પણ વિચારી શકાય. હું જોકે સ્વાદિષ્ટ વાનગીઓનો શોખીન છું.'
કિશોરકુમાર અને સોનુ નિગમ વચ્ચે એક વાત કોમન છે. આ બન્ને ગ્રેટ સિંગર્સ સંગીતની કદી વિધિવત તાલિમ નથી લીધી અને છતાં એમની ગાયકીની ગુણવત્તા વિશે એમનો દુશ્મન પણ સવાલ ન કરી શકે. સોનુ નિગમ (૫૧) આયુષ્યના વનમાં પ્રવેશી ચૂક્યો છે, પણ એણે વનને સુંદર મજાના ઉપવનમાં ફેરવી નાખ્યું છે. ૬૦૦૦ જેટલા ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો ગાઈ ચુકેલા હેન્ડસમ ગાય કે છેલ્લા ૪૭ વરસથી લાઇવ પરફોર્મન્સ આપે છે. એનું નામ પડતા જ તમને 'સંદેશે આતે હૈં, અભી મુઝ મેં કહીં, કલ હો ના હો, સૂરજ હુઆ મધ્યમ અને યુ આર માય સોનિયા' જેવા સદાબહાર ગીતો યાદ આવી જાય. નવી દિલ્હીનો આ વતનીને રાતોરાત ચાંદીની તાશક પર નામ અને દામ નથી મળ્યા. સોનુએ ટોપનો સ્લોટ મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે, પુષ્કળ ચડતી-પડતી જોઈ છે અને અપમાન પણ સહન કર્યા છે.
નિગમની એક બીજી ખૂબી પણ છે. એ સંગીતથી લઈ સમાજકારણ અને રાજકારણ સુધીના વિષયો પણ બોલી શકે છે અને જે બોલે છે એમાં વજૂદ હોય છે. હમણાં એને એક મિડિયા ઇન્ટરએક્શન દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સંબંધમાં પુછાયું, 'સોનુજી, રાઇટિંગ, સિન્ગિંગ અને મ્યુઝિક કમ્પોઝિંગ જેવા ક્રિએટિવ ફિલ્મસ પર એઆઇની થનારી અસર વિશે ઘણી ચર્ચાઓ થાય છે. શું તમે એઆઇને એક થ્રેટ ધમકી, ભય) તરીકે જુઓ છો?' સિંગરના ઉત્તરમાં પૂરેપૂરી નિર્ભયતા વર્તાય છે, 'સર, મેરા ઐસા માનના હૈ કિ એઆઇ એવરેજ (સામાન્ય) રાઇટર્સ, સિંગર્સ ઔર મ્યુઝિશિયન્સ કે લિયે એક થ્રેટ છે. આ એવા લોકો છે જેમને પોતાના કામ માટે કોઈ પેશન નથી. તમે એઆઇને જાવેદ અખ્તરની શૈલીમાં મોહબ્બત વિશે એક ગીત લખવાનું કહો, એ હાથ ઊંચા કરી દેશે. એનો સોંગ્સના પ્રોગ્રામ માટે પણ ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ એ બધુ મિડિયોકર (તદ્દન સામાન્ય) લોકો માટે. એઆઇ એમના માટે એક થ્રેટ છે.'
બીજા પ્રશ્નનામાં સોનુને એનો ચફ પિરીયડ યાદ દેવડાવવા પૂછાય છે, 'એક તબક્કો, તમારા ગીતો બીજા સિંગરો પાસે ડબ કરાવાતા હતા અને મ્યુઝિક કંપનીઓ તમારી સાથે કામ કરવા તૈયાર નહોતી. પાછું વળીને તમે એ વિશે શું વિચારો છો?' નિગમ હતાશાના સૂરમાં જવાબ આપે છે, 'સર, કઈ ચીંજે થી', જિનકે લિયે મૈં તૈયાર નહીં થા. એ' બધુ ફાઈન હતું એમ કહું તો હું ખોટો ઠરીશ.
ના, મને એ બધાનું માઠું લાગતું હતું, યાર, ક્યા હો રહા હૈ. યે ભી ડબ કર રહા હૈ, વો ભી ડબ કર રહા હૈ, કોઈ (ડિરેક્ટર) મારી સાથે કામ કરવા નહોતો માગતો કારણ કે એમને ખબર હતી કે હું એમના ગીતો ગાઇશ તો અમુક મ્યુઝિક કંપનીઓ ેમની સાથે કોન્ટ્રાક્ટ નહીં કરે. અમુક તો મને કહેતા પણ ખરા કે સોનુભાઈ, જરા સમઝૌતા કર લો. પરંતુ મેં નમતું ન જોખ્યું. દેખીતી રીતે, એ કપરો સમય હતો, પણ મને પોતાનો ટેલેન્ટમાં વિશ્વાસ હતો અને મેં કોઈ પ્રકારની નેગેટિવિટી મનમાં પ્રવેશવા નહોતી દીધી. આજે બધી જ મ્યુઝિક કંપનીઓ મારા પર હેત વરસાવે છે. ઔર હમ આપસ મેં પ્યાર સે રહેતે હૈ,' એવું બોલી વર્સેટાઇલ અટ્ટહાસ્ય કરે છે.
હવે પછીની મિડિયાની પૃચ્છા પ્યોરલી પ્રોફેશનલ છે, 'સર, તમારું દાયકાઓ લાંબુ કરીઅર જોતા હવે તમે ક્યારેય મનમાં એવો પ્રશ્ન થાય છે ખરો કે મારે હવે શું કરવાનું બાકી છે?' સોનુ સવાલની ગંભીરતા સમજીને કહે છે, 'યસ, પાંચ-છ વરસ પહેલા મને એવું લાગ્યું હતું કે મેં બધુ જ કરી લીધું છે, અનુભવી લીધું છે, સફળતા, નિષ્ફળતા, ખુશી, ગમ, ડિપ્રેશન અને આધ્યાત્મિક ઉંચાઈ-બધુ જોઈ લીધું, માણી લીધું. પરંતુ મારી અંદરથી એવો અવાજ આવ્યો કે આવડા મોટા યુનિવર્સ (બ્રહ્માંડ)ને અન્ડરએસ્ટિમેટ નહીં કરતો. કદી એવું માનતો નહીં કે સબ હો ગયા. એટલે મેં શરણાગતિ સ્વીકારી લીધી, હવે મારે શું કરવું જોઈએ એ મને યુનિવર્સ જ કહેશે. સરેન્ડર થયા પછી મારી લાઇફ બેટર થઈ ગઈ છે.'
સમાપનમાં, એક વધુ અંગત સવાલ, 'સોનુજી, લાઇફના આ તબક્કે આજે તમારી પ્રાયોરિટીઝ શું છે?' વર્સેટાઇલ સિંગર જવાબ માટે થોડો ભૂતકાળમાં જાય છે, 'સર, તમે કદાચ નહીં માનો પણ હું નાનો બાળક હતો ત્યારે મને સંગીત શીખવાનો ચાન્સ જ નહોતો મળ્યો. હું તો મારા પેરેન્ટ્સ પાસેથી પ્રેરણા લેતો. તેઓ મને કોના અને કેવા સોંગ્સ સાંભળવા એ વિશે ગાઇડ કરતા, પરંતુ ત્યારે મને મ્યુઝિકની કોઈ વિધિવત્ તાલિમ મળી જ નહોતી. બાળપણની એ કમીને હવે હું પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે મારી બે પ્રાયોરિટીઝ છે- સતત ગાયકીનો રિયાઝ કરવો અને ઠીક ઠીક ફિઝિકલ ફિટનેસ જાળવવી. સિક્સ-પેક બનાવવાનું પણ વિચારી શકાય, પણ હું સ્વાદિષ્ટ વાનગીઓનો શોખીન છું. એટલે બેલેન્સ જળવાઈ રહે તો ઘમું સ્ટેજ પર ત્રણ-ચાર કલાક સુધી પરફોર્મ કરવા જેટલો સ્ટેમિના અને ફિટનેસ હોવી જોઈએ, બસ. અને છેલ્લે, એક બીજી વાત પણ કરી દઉં. પહેલાં મને વાંચવાનો શોખ હતો અને પિયાનો, હાર્મોનિયમ અને ડ્રમ્સ વગાડવા પણ ગમતા. હું આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ સારી રીતે વગાડી જાણું છું, પરંતુ હવે મેં એ બધું છોડી દીધું છે. મારો બધો જ ટાઇમ હું સિંગિંગ અને ફિટનેસને જ આપું છું.'