Get The App

સોનુ નિગમ : અદાકાર, ગાયક, સંગીતકાર, એન્કર, ડબિંગ આટસ્ટ અને બીજું ઘણું બધું!

Updated: May 9th, 2024


Google NewsGoogle News
સોનુ નિગમ : અદાકાર, ગાયક, સંગીતકાર, એન્કર, ડબિંગ આટસ્ટ અને બીજું ઘણું બધું! 1 - image


- 'અનુજી બહુત નાટક કરતે થે. હું એમને ફોન કરું ત્યારે અનુજી ફોન તો ઉપાડતા પણ પછી કહેતા અનુજી ઘર પે નહીં હૈ, મૈં ઉનકા છોટાભાઇ અબુ બોલ રહા હું. આપ મેસેજ દે દીજિયે. મૈં અનુજી કો બોલ દૂંગા...'

હિ ન્દી ફિલ્મોદ્યોગમાં દેશના ખૂણે ખૂણેથી પ્રતિભાઓ આવીને મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે. જે કલાકારની વાત શરૂ કરી રહ્યા છીએ એ હરિયાણવી છે. દેશના વિવિધ રાજ્યોમાં વોઇસ ઓફ મુહમ્મદ રફી અને વોઇસ ઓફ મૂકેશ જેવાં બિરુદ ધરાવતા અસંખ્ય કલાકારો સ્ટેજ પ્રોગ્રામ કરીને રોજીરોટી મેળવે છે. મુહમ્મદ રફી, મૂકેશ અને વીતેલા જમાનાના એ બધાં ગાયકોનાં યાદગાર ગીતોના લાખો ચાહકો દેશમાં છે. હરિયાણાના ફરીદાબાદમાં એ જ રીતે એક દંપતી અગમકુમાર નિગમ અને શોભા નિગમ સ્ટેજ કાર્યક્રમમાં ફિલ્મ ગીતો ગાતું. લગ્નોમાં અને પાર્ટીઓમાં પણ પતિ-પત્ની ગાવા જતાં. અગમકુમાર તાજમહાલથી જગપ્રસિદ્ધ એવા આગ્રાના અને શોભાજી ગઢવાલનાં. સંગીતે બંનેને એક કર્યાં હતાં. આ દંપતીને ત્યાં ૧૯૭૩ના જુલાઇની ૩૦મીએ એક ખૂબસુરત પુત્ર જન્મ્યો.

માતા-પિતા ઘરમાં રિયાઝ કરતાં હોય ત્યારે આ બાળક એમાં સૂર પૂરાવતો. સાડા ત્રણ વર્ષનો થયો ત્યાં તો પિતાની સાથે સ્ટેજ પર ગાતો થઇ ગયો. એક પ્રોગ્રામમાં અગમ કુમાર ફિલ્મ 'હમ કિસી સે કમ નહીં'નંં આરડી  બર્મને સ્વરબદ્ધ કરેલું અને મુહમ્મદ રફીએ ગાયેલું 'ક્યા હુઆ તેરા વાદા, વો કસમ વો ઇરાદા...' ગાઇ રહ્યા હતા ત્યારે સાડા ત્રણ વર્ષના પુત્રે સૂર પૂરાવ્યો. ઓડિયન્સ ખુશ થઇ ગયું અને તાળીના ગડગડાટ સાથે ગીતને વન્સમોર મળ્યો. માતાપિતાનું સંગીત આ છોકરાની રગેરગમાં સાંગોપાંગ ઊતરી આવ્યું હતું. માતાપિતાનો સંગીતવારસો લઇને જન્મેલો ટાબરિયો એટલે આજનો લિજેન્ડરી ગાયક, સોનુ નિગમ!  

સોનુનું બાળપણ દિલ્હીમાં વીત્યું. જે. ડી. ટાઇલર સ્કૂલમાં ભણવામાં પણ દસમા ધોરણ સુધી દર વર્ષે પહેલો નંબર રાખતો. ત્યારબાદ દિલ્હી યુનિવસટીમાં અભ્યાસ કરીને એ ગ્રેજ્યુએટ થયો. સાથોસાથ માતાપિતા જોડે સ્ટેજ પ્રોગ્રામ્સમાં ગાવા પણ જતો. રસપ્રદ વાત એ છે કે આ સમયગાળામાં એને હિન્દી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે અભિનય કરવાની તક પણ મળી. ૧૯૮૦ અને ૧૯૮૩ વચ્ચે એણે 'પ્યારા દુશ્મન', 'કામચોર', 'ઉસ્તાદી ઉસ્તાદ સે', 'હમ સે હૈ જમાના', 'તકદીર', અને 'બેતાબ' જેવી ફિલ્મોમાં એણે બાળ-કલાકાર તરીકે કામ કર્યું. એ દિવસોમાં જ એના મનમાં પ્લેબેક સિંગર બનવાનો વિચાર આકાર લઇ રહ્યો હતો. દરમિયાન, નિગમ દંપતીએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે બે મહત્ત્વના નિર્ણય લીધા. એક, મનોરંજન ઉદ્યોગ મુંબઇમાં છે એટલે મુંબઇ જવું. અને બે, પુત્રને વિધિવત્ સંગીતની તાલીમ અપાવવી. 

સોનુ ગ્રેજ્યુએટ થઇ ગયો એ સાથે નિગમ પરિવારે મુંબઇ જતી ટ્રેન પકડી. સોનુને બે બહેનો પણ છે. એક બહેન મીનળ યોગ થેરપિસ્ટ છે અને બીજી બહેન તીષા ગાયિકા છે. પુત્રનું નસીબ અજમાવવા નિગમ પરિવાર મુંબઇ આવી ગયો. અંધેરીમાં એક ઓરડી ભાડે મેળવી. એ દિવસોમાં સોનુ ઘરનું બધું કામ જાતે કરતો. નોકર રાખવો પરવડે એમ નહોતું. એ વાત ગયા શુક્રવારે કરેલી. દરમિયાન, નિગમ દંપતીએ પુત્રને સંગીતની તાલીમ આપી શકે એવા સમર્થ ગુરુની શોધ આદરી. રામપુર સહસવાન ઘરાનાના દિગ્ગજ ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને ભાઇબાપા કરીને વીનવ્યા કે અમારા પુત્રને તમારા શાગીર્દ તરીકે સ્વીકારો. ઉસ્તાદજીએ એની કસોટી કરી જોઇ. છોકરાની પ્રતિભાથી ઉસ્તાદજી પણ પ્રભાવિત થયા અને  એમણે સોનુને તાલીમ આપવા માંડી. કુદરતની સૂરલયની બક્ષિસ તો હતી. હીરો કાચો હતો. એમાં પાસાં પાડવાના હતાં. ઉસ્તાદજીની સઘન તાલીમ અને માતાપિતાના પ્રોત્સાહન વડે છોકરાએ સારું ગજું કાઢયું. 

એકવાર ઉષા ખન્નાના સ્ટુડિયોમાં જવાની તક મળી હતી. ત્યાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિાકના ગીતનં્ કોઇ  રેકોડગ હતું. આ બંને પ્રતિતિ કલાકારોએ સોનુને કંઇક ગાવાનું સૂચન કર્યું. સોનુએ મુહમ્મદ રફીનું એક ગીત ગાયું. ત્યારે જ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિાકે કહ્યું કે તારું ભવિષ્ય ખૂબ ઊજળું છે. પ્લેબેક સિંગર થયા પછી સોનુએ આ બંને કલાકારો સાથે પણ સહગાયન કર્યું. સંઘર્ષના એ દિવસોમાં લેન્ડલાઇન ફોન લેવાના પૈસા નહોતા. વચ્ચે વચ્ચે સમય કાઢીને પબ્લિક ફોન સેન્ટર પરથી મ્યુઝિક કંપનીઓ તથા ફિલ્મ સંગીતકારોને ફોન કરતો અને મને એકવાર તમને મળવાની તક આપો એવી વિનંતી કરતો. ટેલિવિઝન પર આવતી સંગીતની સ્પર્ધાઓમાં ભાગ લેતો. એવી એક સ્પર્ધામાં જજ તરીકે આવેલા સંગીતકાર અનુ મલિકે એને જાહેરમાં બિરદાવેલો અને સમય આવ્યે તને તક આપીશ એવું આશ્વાસન આપેલું. એ દિવસો યાદ કરતાં સોનુ સહેજ પણ કડવાશ વિના મલકતા મોઢે કહે છે, 'અનુજી બહુત નાટક કરતે થે. હું એમને ફોન કરું ત્યારે અનુજી ફોન તો ઉપાડતા પણ પછી કહેતા અનુજી ઘર પે નહીં હૈ, મૈં ઉનકા છોટાભાઇ અબુ બોલ રહા હું. આપ મેસેજ દે દીજિયે. મૈં અનુજી કો બોલ દૂંગા...'  


Google NewsGoogle News