સોનમ કપૂર સીધી બાત... નો બકવાસ! .
- 'મારે સૌને કહેવું છે કે પ્લીઝ, મારા લૂક કે ગ્લેમરસ તસવીરોથી પ્રભાવિત થવાની જરાય જરૂર નથી. મને તૈયાર કરવા માટે છ-સાત જણાની આખી ટીમ ખડે પગે કામ કરતી હોય છે...'
સો નમ કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને કોઈ મિસ કરતું નથી! સોનમ કપૂર ક્યારે પુનરાગમન કરશે અથવા એ પુનરાગમન કરશે કે કેમ તે વિશે કોઈ ચર્ચા થતી નથી. સોનમ ૨૦૨૨માં એક સરસ મજાના દીકરાની મમ્મી બની. દીકરાનું નામ સુંદર છે - વાયુ. પ્રેગનન્સી દરમિયાન દેખીતી રીતે જ એનું વજન ખાસ્સું વધી ગયું હતું. સોનમ ક્રમશ: પોતાના મૂળ કદ-આકાર તરફ આગળ વધી રહી છે.
સોનમ કહે છે, 'હું એક છોકરાની મા બની ગઈ છું ને લાઇમલાઇટથી સાવ દૂર છું, પણ તમે માનશો, મને હજુય વીસ-બાવીસ વર્ષની યુવતીના રોલ ઓફર થઈ રહ્યા છે! હમણાં મને એક ફિલ્મની ઓફર મળી જેમાં એક છોકરીનાં મા-બાપ એના માટે મુરતિયો શોધી રહ્યાં છે. આ તો હજુય ઠીક છે, મને બીજી એક એવી ફિલ્મ ઓફર થઈ જેમાં એક સ્કૂલ ગર્લ આગળ જતાં સ્પોર્ટ્સવુમન બને છે. મેં માની લીધું છે પુખ્ત વયની ખેલાડીનો રોલ મારે કરવાનો હશે અને સ્કૂલ ગર્લ તરીકે બીજી કોઈ છોકરીને કાસ્ટ કરવાની હશે... પણ ફિલ્મના મેકર્સ કહે: ના ના મેડમ, બન્ને રોલ તમારે જ કરવાના છે! હું તો ચકિત થઈ ગઈ. મેં કહ્યું, આર યુ શ્યોર? તેઓ કહે, હંડ્રેડ પર્સન્ટ શ્યોર! બોલો!'
સોનમ અત્યારે ૩૯ વર્ષની થઈ. આ ઉંમરે પણ એને આવા રોલ્સ ઓફર થતા હોય તો એણે હરખાવું જોઈએ. સોનમ કહે છે, 'ઇન્ડસ્ટ્રીમાં વીસથી ત્રીસ વચ્ચે ઉંમર ધરાવતી કેટલીય હિરોઈનો છે. મારી બન્ને કઝિન જ લઈ લો - જ્હાન્વી અને ખુશી. આ પ્રકારની ફિલ્મો માટે તેઓ પરફેક્ટ છે.' સોનમને છેલ્લે આપણે શોમ મખીજાની 'બ્લાઇન્ડ' નામની ફિલ્મમાં જોઈ હતી. સોનમ જોકે એની ફિલ્મો કરતાં એની ફેશન સેન્સ માટે અનેકગણી વધારે પ્રખ્યાત છે. સોનમની નિખાલસતા પણ ધ્યાન ખેંચે છે. વચ્ચે એણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એના ચહેરા પર મેકઅપનો એક અંશ પણ નહોતો. આ વીડિયોમાં એ કહી રહી હતી: 'જુુઓ, મેકઅપ વગર હું આટલી સામાન્ય દેખાઉં છું. છાપાં-મેગેઝિનોમાં, જુદી જુદી વેબસાઇટ્સ પર, સોશિયલ મીડિયા પર, ફિલ્મોમાં મારો અલ્ટ્રા ગ્લેમરસ અવતાર જોઈને કેટલીય યુવતીઓને આ પ્રકારની સાજસજ્જા કરવાની ચાનક ચડે છે, પણ હું તમને જણાવી દઉં કે પ્લીઝ, મારા લૂકથી કે મારી ગ્લેમરસ તસવીરોથી પ્રભાવિત થવાની જરાય જરૂર નથી. મને તૈયાર કરવા માટે છ-સાત જણાની આખી ટીમ ખડે પગે કામ કરતી હોય છે. કોઈ મારા માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરે, કોઈ મારો મેકઅપ કરે, કોઈ હેરસ્ટાઇલ કરે, કોઈ એક્સેસરીઝ પર ધ્યાન આપે, સારામાં સારા ફોટોગ્રાફર અમારા ફોટા પાડે... આટલા બધા લોકો આટલી બધી મહેનત કરે ત્યારે હું રૂપાળી દેખાઈ શકું છં. આ મારી એકલીની વાત નથી, આ વાત બધી હિરોઈનોને લાગુ પડે છે. સરસ તૈયાર થવું અમારા કામનો ભોગ છે, પણ કોલેજમાં ભણતી છોકરીઓ કે ઓફિસમાં કામ કરતી યુવતીઓએ શા માટે અમારી જેમ તૈયાર થવાના ધખારા રાખવા જોઈએ? વળી, અમે જુદી જુદી ઇવેન્ટ્સ કે ફોટોશૂટમાં જે સ્ટાઇલિશ કપડાં પહેર્યાં હોય છે તે ડિઝાઇનરો પાસેથી ભાડે લીધેલાં હોય છે. એ કંઈ અમારી માલિકીનાં હોતાં નથી.'
વાહ, આટલી ચોખ્ખી ને ચટ વાત કરવાની હિંમત બહુ ઓછી હિરોઇનોમાં હોય છે, ખરૂં?