સોનાલી બેન્દ્રે : એક સમયની નેશનલ ક્રશ આજે બની છે મક્કમતાનું પ્રતીક
એક જમાનામાં સોનાલી બેન્દ્રે એક પેઢીના દિલની ધડકન હતી. આજે સોશિયલ મીડિયાના યુગમાં ભલે રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીએ નેશનલ ક્રશનો તાજ મેળવી લીધો હોય, પણ સોનાલીના આકર્ષણ અને લાવણ્યએ બોલિવુડ અને તેના દર્શકો પર અમિટ છાપ છોડી છે. અલબત્ત, સોનાલી બેન્દ્રે એક સુંદર ચહેરા કરતા ઘણુ વિશેષ છે. તેના નરમ અને આકર્ષક બાહ્ય દેખાવની અંદર મક્કમતા ઠાંસીને ભરી છે, જેની સાબિતી ચોથા સ્ટેજના કેન્સર સામે તેના વિજયથી મળી છે. ૨૦૧૮માં પોતાનું નિદાન જાહેર કરીને સોનાલીએ તેના ચાહકોને જોરદાર આંચકો આપ્યો હતો. ૨૦૨૧ સુધીમાં તો સોનાલી કેન્સર મુક્ત બનીને બહાર આવી ગઈ અને મનોરંજન ઉદ્યોગમાં પોતાનું સ્થાન પાછું હાંસલ કરવા તૈયાર થઈ ગઈ.
સોનાલીએ ૨૦૨૨માં ઓટીટી સીરીઝ 'ધી બ્રોકન ન્યુઝ'માં જોરદાર પરફોર્મન્સ આપીને તેની વાપસીની ઉજવણી કરી હતી. શોની બીજી સીઝનની સફળતાએ સોનાલીની વાપસીને વધુ મજબૂત બનાવવાની સાથે સોનાલીએ દર્શકોનો તેમના સતત પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો હતો.
એક મુલાકાત દરમ્યાન સોનાલીએ તેની કારકિર્દી, ધી બ્રોકન ન્યુઝમાં તેના પાત્ર અને સોશિયલ મીડિયા તેમજ ફિલ્મ ઉદ્યોગના બદલાતા લેન્ડસ્કેપ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સોનાલી આ શોમાં પત્રકાર બની છે. સોનાલી કબૂલે છે કે પત્રકારોએ અનેક પ્રકારની તાણનો સામનો કરવો પડતો હોય છે.
સોનાલીને અહેસાસ થયો કે પોતાની બીમારી દરમ્યાન તે એકસાથે અનેક કાર્યો નહોતી કરી શકી. એના સ્થાને એક સમયે એક કાર્ય પર ધ્યાન આપવાથી તેને લાભ થયો હતો. પટકથા પસંદ કરતી વખતે પણ સોનાલી હવે પ્રોજેક્ટના વાતાવરણ વિશે વધુ ચીવટ રાખતી થઈ છે. સોનાલી માને છે કે ફિલ્મ સર્જન એક તીવ્ર અને મહેનત માગી લેતી પ્રક્રિયા હોવાથી સેટ પર સકારાત્મક વાતાવરણ અતિશય મહત્વનું છે. વાતાવરણ નકારાત્મક હોય તો અત્યંત રસપ્રદ પ્રોજેક્ટ પણ નિરસ બની જાય છે.
પોતાની પાછલી કારકિર્દીને યાદ કરતા સોનાલી ખાસ કરીને હમ સાથ સાથ હૈના સર્જન દરમ્યાન તેના સહકલાકારો સાથેની મૈત્રીને યાદ કરે છે. આટલી સફળતા મળી હોવા છતાં સોનાલી કબૂલ કરે છે રિજેક્ટ થવાનો વસવસો કાયમ રહે છે. જ્યારે પણ તેને કોઈ રોલ અથવા પ્રોજેક્ટ માટે નાપસંદ કરવામાં આવે ત્યારે માઠુ તો લાગે છે અને એમાંથી બહાર આવતા સમય પણ લાગે છે. સોનાલી માને છે કે એક કલાકારની સફરમાં રિજેક્શન સામાન્ય પ્રક્રિયા છે.
સોનાલી માને છે કે યુવા વયે તેણે વધુ ધૈર્ય રાખવું જોઈતું તું અને ઝડપથી સફળતા મેળવવાની તાલાવેલી ત્યજવી જોઈતી હતી. પણ હવે અનુભવોમાંથી મળેવી વિદ્વતાએ તેને સમજણ આપી છે કે જીવનની મહત્તા માત્ર લક્ષ્યાંકો હાંસલ કરવામાં નહિ પણ એ સફરનો આનંદ માણવામાં, સંબંધો સાચવવામાં અને જીવનને અર્થપૂર્ણ બનાવતા અનપેક્ષિત વળાંકો સ્વીકારવામાં રહેલો છે.