સોનાલી બેન્દ્રે : હવે મારે મારી જાત માટે ભરપૂર જીવવું છે
લાંબા વર્ષો સુધી ફિલ્મો, ટીવી અને થિયેટરમાં પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરનાર અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કેન્સર સામે જંગ જીત્યા પછી ઓટીટીને પણ વહાલું કર્યું.
સોનાલી ગ્લેમર વર્લ્ડમાં આવી ત્યારથી તેની ખૂબસુરતીની પ્રશંસા થતી આવી છે. વર્ષ ૨૦૨૨માં 'ધ બ્રોકન ન્યુઝ'થી કમબેક કરનાર આ રૂપસુંદરી કહે છે કે મારું સૌંદર્ય ઇશ્વરના આશિર્વાદ છે. આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મારી સુંદરતાએ સિંહફાળો આપ્યો છે. અને જ્યારે તમને પડદા પર દેખાવાનું હોય ત્યારે દેખાવડા હોવું જરૂરી બની જાય છે. જોકે કારકિર્દીના આ તબક્કે સૌંદર્ય કરતાં પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું સલાહભર્યું ગણાય. અદાકારા વધુમાં કહે છે કે અમે તાજેતરમાં જ મારા વેબ શોની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું. મને એ વાતની ખુશી છે કે મેં વર્ષ ૨૦૨૨માં વણથંભ્યું કામ કર્યું હતું. આ રીતે લાગલગાટ કામ કરવાની મઝા જ કાંઈક જુદી હોવાની. અને હવે મને ફરીથી એ રીતે જ અવિરત કામ કરવું છે. આ તો જાણે લોહીનો સ્વાદ ચાખવા જેવું થઈ ગયું છે.
હવે જ્યારે સોનાલીએ કમબેક કર્યું છે ત્યારે તેને કલાકાર તરીકે કાંઈક નવું-નોખું - નોંધનીય કરવું છે. અદાકારા કહે છે કે હું નવેસરથી જોશભેર પરત ફરી છું. અને મને હવે વધુને વધુ કામ કરવું છે. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે આટલાં વર્ષ સુધી હું કામ કર્યા વિના શી રીતે રહી શકી. જોકે મારી પ્રાથમિકતા હમેશાંથી મારો પરિવાર રહ્યો છે. વળી મને સારી પટકથા મળતાં પણ ઘણો સમય લાગી ગયો. હવે મને એવું કિરદાર અદા નહોતું કરવું. જેમાં હું માત્ર સુંદર દેખાતી હોઉં. આટલાં વર્ષોથી હું એ જ કરતી આવી છું. અલબત્ત, મને તેનો કોઈ રંજ નથી. ગ્લેમરસ દેખાવું કોને ન ગમે? પરંતુ હવે હું મારા સૌંદર્ય ઉપરાંત પણ જે રજૂ કરી રહી છું તે કાંઈક નોખું-અનોખું છે. મને એવા પાત્ર સાથે કમબેક કરવું હતું જે મને ભવિષ્યમાં તેનાથી પણ વધુ સારું કામ અપાવવામાં મદદ કરે. અને વેબ શો 'ધ બ્રોકન ન્યુઝ'એ મારા માટે એ કામ કર્યું.
સોનાલીના અંગત જીવનની વાત કરીએ તો તેણે કારકિર્દીમાં લીધેલો અંતરાલ વર્ષ ૨૦૧૩માં 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા'થી પૂરો થયો. આમ છતાં 'ધ બ્રોકન ન્યુઝ' દ્વારા તે પૂર્ણકાલીન અભિનેત્રી તરીકે પરત ફરી. જોકે આ કમબેક સાથે સોનાલી સામે કેટલાંક પડકારો પણ હતાં. તેને પાપારાઝીઓનો નવેસરથી સામનો કરવાનો હતો. સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ છવાઈ જવાનું હતું. અભિનેત્રી કહે છે કે આ બધા સાથે પાર પાડવાનું થોડું અઘરું છે. આમ છતાં મારા સફળ પ્રયાસો જારી છે. એક કલાકાર તરીકે તમે એકદમ સરસ રીતે જ રજૂ થવા માગતા હો તે સ્વાભાવિક છે. પરંતુ કેન્સરમાંથી ઉગર્યા પછી રૂપસુંદરી જેવા ન દેખાવાની વાતને સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. અગાઉ જેવા ખૂબસુરત ન હોવાની વાત સ્વીકારતા મને થોડો સમય લાગ્યો હતો. જોકે મારી બીમારીએ મને શીખવ્યું કે પરફેક્ટ ન દેખાવામાં પણ એક પ્રકારનું સૌંદર્ય છૂપાયેલું છે. હવે હું અધૂરપમાં પણ પૂર્ણતા શોધતા શીખી ગઈ છું.
આ વર્ષ સોનાલી માટે ઘણું નાવીન્ય લઈને આવ્યું છે. અભિનેત્રી કહે છે કે હવે મારો પુત્ર વિદેશમાં અભ્યાસ કરે છે તેથી હું પોતાના માટે પૂરતો સમય ફાળવી શકું છું. ખરેખર તો મારો તેમ જ મારા પતિ ગોલ્ડી બહલના જીવનનો નવો તબક્કો શરૂ થયો છે. અમારા સંબંધોનો નવેસરથી આરંભ થયો છે. અને અમે એ જોઈ રહ્યાં છીએ કે અમે આગામી આયખું એકસાથે શી રીતે વિતાવશું, એકસાથે ઘરડાં શી રીતે થઈશું.કેન્સરમાંથી ઉગર્યા પછી સોનાલી તેને મળેલા નવા જીવનમાં એ કરવા માગે છે જે કરવાનું તેણે અગાઉ ખાસ વિચાર્યું નહોતું. સોનાલી કહે છે કે હવે હું મારા માટે થોડું જીવવા માગું છું. ખાસ કરીને કેન્સર દરમિયાન હું જે અવસ્થામાંથી પસાર થઈ તેના પછી મને સમજાયું કે જીવનનો કોઈ ભરોસો નથી. તમારા શ્વાસ ક્યારે થંભી જશે તે કહેવાય નહીં. અત્યાર સુધી હું જે કરવા માગતી હતી, પરંતુ કરી નથી શકી તે હવે કરી લેવું છે. હું મારા જીવનને નવી નજરે જોતી થઈ છું.