કેટલીક વાર નગ્નતા અને અભદ્ર ભાષા જરૂરી છે : હુમા કુરૈશી
- ફિલ્મોમાં કામ કરીએ ત્યારે ઘણાં બધાં પરિબળો ધ્યાનમાં રાખવા પડે, લેકિન ઓટીટી પર એકટ્રર્સ કો ખુલકર ખેલને કા મૌકા મિલતા હૈ.
હુમા કુરૈશીની 'મહારાની-૩' વેબ સીરિઝને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેને કારણે હુમા અને એના ફેન્સ બન્ને ખુશખુશાલ છે. હુમાએ ફિલ્મ અને ઓટીટી એમ બન્ને માધ્યમો પર સરસ કામ કર્યું છે. બંને માધ્યમો પર તે કમ્ફર્ટેબલ છે. ઓટીટી પર બિનજરૂરી નગ્નતા અને અપશબ્દોની ભરમાર પીરસવામાં આવે છે, તે વિશે હુમા શું માને છે? એણે સ્પષ્ટ શબ્દમાં આપેલો અભિપ્રાય સાંભળવા જેવો છે.
એક તાજી મુલાકાતમાં હુમા કુરૈશી કહે છે, 'ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા આપવામાં આવતી સર્જનાત્મક સ્વતંત્રતા છતાં સેલ્ફ-સેન્સરશિપનો વિકલ્પ યોગ્ય છે. ઓટીટી પર ઘણી વખત વધુ પડતા નગ્નતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે માટે તેને દોષી પણ ઠેરવવામાં આવે છે... પણ મને લાગે છે કે કેટલીકવાર દર્શકોને આંચકો આપવા માટે પટકથામાં કેટલીક બાબતો જરૂરી હોય છે. જો કે કેટલીકવાર તો તે જબરજસ્તીથી મૂકવામાં આવે છે. જો તે આવશ્યક હોય તો દેખાડો... વો છિપાને કી કોઈ જરૂર નહીં હૈ.'
'મહારાની' ની યાત્રામાં તેણે રાણી ભારતીનું ખૂબ જ સરસ ચિત્રણ કર્યું છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે. હુમાએ રાણીની સફરને એક ઉત્તમ 'હીરોની સફર' તરીકે વર્ણવી છે, જે રાજકીય ઉથલપાથલ વચ્ચે પોતાની નિષ્કપટથી હિંમતથી આગળ વધતી રહે છે. તે એવી વ્યક્તિ છે, જે શરૂઆતમાં સાવ નિર્દોષ હતી, તે રાજકારણ વિશે કશું જ જાણતી નહોતી. એ આગળ વધતી ગઈ અને જુદી જુદી પરિસ્થિતિઓ તરફ ધકેલાતી ગઈ. તે લોકોને મળે છે અને સમજે છે કે તેનો પતિ એક ખરાબ વ્યક્તિ છે. તે આંતરિક નૈતિકતાને કેવી રીતે શોધે છે અને કેવી રીતે હિંમતપૂર્વક વિવિધ પરિસ્થિતિમાં વિકસતી જાય છે તે આ શોની મુખ્ય થીમ છે. જે અદ્ભૂત પ્રતિસાદ 'મહારાણી-૩'ને પણ મળ્યો છે, તે ખરેખર પ્રશંસનીય છે.
હુમા કુરૈશીએ 'તરલા' ફિલ્મમાં કુકિંગ લિજેન્ડ તરલા દલાલનું ચિત્રણ કર્યું છે. આ ફિલ્મનું સીધું ઓટીટી પર સ્ટ્રિમિંગ થયું હતું. આ એક બાયોપિક છે. હુમા એ વાત સ્વીકારે છે કે, 'આ મારા માટે સૌથી પડકારજનક ફિલ્મ હતી, પણ તેમાં કામ કરવાનો અનુભવ મારા માટે બહુ લાભદાયી પૂરવાર થયો છે. ગુજરાતી છાંટવાળી ભાષા પર નિપુણતા મેળવવી અને વ્યક્તિત્વનું ચિત્રણ કરવું મારા માટે સર્વોપરી હતું. મારે તરલા દલાલના પાત્રને એક કેરિકેચર તરીકે પેશ કરવું નહોતું, એ જ મારું લક્ષ્ય હતું.'
હુમા કુરૈશીએ આ સિવાય છેલ્લે ડાર્ક કોમેડી 'મોનિકા ઓ માય ડાર્લિંગ' (૨૦૨૨) તેમજ સસ્પેન્સ થ્રિલર શો 'મિથ્યા'માં પણ દેખાઈ છે. 'મહારાની-૩'નું સ્ટ્રિમિંગ માર્ચમાં શરૂ થયું હતું.
હુમા કુરૈશીએ વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવીને પૂરવાર કરી દીધું છે કે એ અન્ય અભિનેત્રીઓ કરતાં થોડી અલગ છે.