સૂરીલા સિંગર અરમાન મલિકને એક્ટર બનવાના અરમાન જાગ્યા
- 'વરસોથી મ્યુઝિક વીડિયોઝમાં અભિનય કરવાને કારણે હું કેમેરા સામે કમ્ફર્ટેબલ રહી શકું છું. અફ કોર્સ, મુઝે અપને ટેલેન્ટ કો નિખારને કી જરૂરત હૈ.'
કુ ન્દન લાલ સાયગલથી માંડી સોનુ નિગમ સુધીના સિંગરોએ હિન્દી ફિલ્મોમાં એક્ટિંગમાં હાથ અજમાવ્યો છે. એમાંથી મોટાભાગના એક્ટર તરીકે ચાલ્યા નથી. સદાબહાર કિશોર કુમાર જેવા બહુ થોડા અપવાદો છે. કિશોરદા ગાયકી અને અભિનય બંનેમાં સફળ રહ્યા. સદ્ગત મુકેશ એક્ટર બનવા જ દિલ્હીથી મુંબઈ આવ્યા હતા, પરંતુ નામપુરતી ફિલ્મો કર્યા બાદ જ એમને પોતાના લિમિટેશન્સ સમજાઈ ગયા અને તેઓ સૂરોની દુનિયા તરફ વળી ગયા. મખમલી વોઈસના માલિક તલત મેહમુદ સિંગર તરીકે સુપર હિટ હતા પણ એમની એક્ટિંગની કોઈ નોંધ ન લેવાઈ. નજીકના ભૂતકાળનો દાખલો સોનુ નિગમનો છે. હિન્દી સિનેમાના ટિપીકલ હીરો જેવો લુક ધરાવતા સોનુએ અમુક ફિલ્મો પુરતી હીરોગીરી કરી પોતાના હાથ દજાડયા. અલબત્ત, ગાયક તરીકે એ વરસોથી ટોપ પર છે. હવે સૂરીલા ગાયક અરમાન મલિકે ફિલ્મોમાં અભિનય કરવાની ઇચ્છા જાહેર કરી છે.
તાજેતરમાં મુંબઈના એક કોન્સર્ટમાં અમેરિકન સોંગ રાઇટર અને સિંગર લૉવ (એલએયુવી) સાથે પરફોર્મ કરનાર અરમાન મલિક કહે છે, 'હવે હું ફિલ્મોમાં એક્ટિંગ કરવા તૈયાર છું. મને હવે અભિનય ક્ષેત્રે કંઈક કરવાના તાલાવેલી થઈ છે. મૈં ચાહતા હું કી (એક્ટિંગ ભી) અચ્છે સે કરું. મારે અભિનય કરવા ખાતર નથી કરવો. લોકો મારો સિંગર તરીકે જે રીતે ઉલ્લેખ કરે એ જ રીતે એક્ટર તરીકે પણ કરે એવી મારી ઇચ્છા છે. લોકો મારા વિશે એવી વાતો ન કરે કે એ ગાયક છે એટલે એને થયું કે હું અભિનય પણ કરી શકું છું. એથી એ હવે એક્ટિંગ કરી રહ્યો છે. મારે કશુંક મિનિંગફુલ (અર્થપૂર્ણ) કામ કરવું છે.' સવાલ એ છે કે ૧૭ વરસથી સૂરીલા ગીતો ગાતા ગાયકને અભિનયનું ચાનક ક્યાંથી ચડયું? હાલમાં, અટલ બિહારી વાજપેયીની બાયોપિક 'મૈં અટલ હું'માં 'અનકહા' ગાઈને ન્યુસમાં આવેલા મલિક પાસે એનો ખુલાસો છે, 'મ્યુઝિક વીડિયોઝમાં કામ કરીને મને એવી પ્રતીતિ થઈ છે કે મારી અંદર એક એક્ટર પણ બેઠો છે. શરૂમાં, મેં એક્ટિંગ વિશે વિચાર્યું પણ નહોતું, પરંતુ વરસોથી મારા મ્યુઝિક વીડિયોઝમાં અભિનય કરીને મને કેમેરા સામે કમ્ફર્ટેબલ બનવામાં સારી એવી મદદ મળી છે. કેમેરા સામે હું આજે એકદમ સહજ રહી શકું છું. લેકિન, અફ કોર્સ મુઝે અપને ટેલેન્ટ કો નિખારને કી જરૂરત હૈ.'
૨૮ વરસના દેખાવડા ગાયકને એકટિંગની ઓફર મળી છે ખરી? એનો હકારમાં જવાબ આપતા અરમાન કહે છે, 'હાં, બિલકુલ મિલી હૈ, સર. મને ફિલ્મો અને ઓટીટી શોઝમાં એક્ટિંગની ઓફર્સ થઈ છે, પરંતુ મેં એ સ્વીકારી નહિ કારણ કે એક્ય સ્ક્રિપ્ટ નરેશનમાં મને કોઈ પાત્ર માટે એવી લાગણી ન થઈ કે હાં, યે અરમાન મલિક હૈ. મારો એવો આગ્રહ છે કે રોલ મારા માટે જ લખાયેલો હોવો જોઈએ એટલે જ હું કાં તો મારા માટે સ્ક્રિપ્ટ લખીશ અથવા કોઈ બીજુ મને સુટ થાય એવો રોલ લખે એની રાહ જોઈશ.'