સિદ્ધાર્થ મલ્હોત્રા: આ સ્ટુડન્ટ હવે યોદ્ધા બની ગયો છે
- 'મુંબઈ શહેરે મને ઘણું શીખવ્યું છે, મને પુષ્કળ આપ્યું છે. મુંબઈ તમને લોકો સાથે કામ પાર પાડતાં, જબરદસ્ત પરિશ્રમ કરતાં અને શિસ્તબદ્ધ રહેતાં શીખવે છે. અહીં આવીને જે લોકો મહેનત ન કરે તે ફેંકાઈ જાય છે. મહેનત કરનારને આ શહેર માથે ઊંચકી લે છે.'
સિ દ્ધાર્થ મલ્હોત્રાની ગણના ભલે બોલિવુડના સૌથી હેન્ડસમ હીરોલોગમાં થતી હોય, પણ એનું ખરેખરું 'રૂપ' એક્શન ફિલ્મોમાં નિખરે છે, રોમેન્ટિક ફિલ્મોમાં નહીં. 'શેરશાહ' જોઈ લો, 'મિશન મજનુ' જોઈ લો, 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' વેબ શો જોઈ લો કે આગામી 'યોદ્ધા'ની ઝલક જોઈ લો. સિદ્ધાર્થ એક્શન દ્રશ્યોમાં ખરેખર શાનદાર લાગે છે. જાણે ભારતીય જેમ્સ બોન્ડ જોઈ લો.
સિદ્ધાર્થ મલ્હોત્રા કહે છે, 'ફિલ્મોમાં મેં અલગ અલગ પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે, પણ ખાખી વરદી પહેરવાનો મોકો મને અગાઉ ક્યારેય નહોતો મળ્યો. આ તક મને મળી, 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ને કારણે. આ સિરીઝ કરતી વખતે મને સમજાયું કે આપણા પોલીસ અધિકારીઓ, ખાસ કરીને સ્પેશિયલ યુનિટના અધિકારીઓ આતંકવાદીઓ સાથે શી રીતે કામ પાર પાડે છે, તેમની સામે કયા પડકારો હોય છે, તેમને કયા પ્રોટોકોલ ધ્યાનમાં લેવા પડે છે, તેમનું વ્યક્તિગત જીવન કેવું હોય છે. સામાન્ય રીતે આપણે પોલીસ અધિકારીઓને બહુ હળવાશથી લેતા હોઈએ છીએ. ક્યારેક આપણા મનમાં ખાખી વરદીધારીઓ માટે ચોક્કસ પ્રકારના પૂર્વાગ્રહો હોય છે. પરંતુ મેં આ સિરીઝ કરી ત્યારથી મારા મનમાં તેમના પ્રત્યે બેહદ માન-સન્માન જાગ્યાં છે.'
માત્ર દર્શકોને જ નહીં, પત્ની કિઆરા અડવાણીને પણ તેનો વર્દીધારી લૂક બહુ ગમી ગયો છે. આનાથી વધારે શું જોઈએ!
સિદ્ધાર્થ 'દિલ્હી કા મુંડા' છે, પણ હવે એ પાક્કો મુંબઈગરો બની ગયો છે. એ કહે છે, 'આ પચરંગી શહેરે મને ઘણું શીખવ્યું છે, મને પુષ્કળ આપ્યું છે. મુંબઈ તમને લોકો સાથે કામ પાર પાડતાં, જબરદસ્ત પરિશ્રમ કરતાં અને શિસ્તબદ્ધ રહેતાં શીખવે છે. અહીં આવીને જે લોકો મહેનત ન કરે તે ફેંકાઈ જાય છે. મહેનત કરનારને આ શહેર માથે ઊંચકી લે છે.'
સિદ્ધાર્થ મલ્હોત્રા જે કહી રહ્યો છે એ તેણે કરી પણ બતાવ્યું છે. છેલ્લા એક દાયકામાં તેણે પાછળ ફરીને જોયા વિના પરિશ્રમ કર્યો છે. એ કહે છે, 'મારી અંદર હજુ ઘણી આગ છે. હું હજુ મારા કામથી સંતુષ્ટ નથી થયો. મેં અત્યાર સુધી જે કામ કર્યું છે એ તો પાશેરામાં પહેલી પુણી છે. મારે હજી લાંબી મજલ કાપવાની છે. મુંબઈ હું હિન્દી ફિલ્મનો હીરો બનવા આવ્યો હતો. મારું એ સપનું સાકાર થયું છે, પણ મારે મોટા પડદે મોટી ફિલ્મો કરવી છે.
નજીકના ભવિષ્યમાં આવનારી 'યોદ્ધા' માટે સિદ્ધાર્થ મલ્હોત્રા વિશેષ પણે રોમાંચિત છે. 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી સિદ્ધાર્થને લોન્ચ કરનાર ધર્મા પ્રોડક્શને જ 'યોદ્ધા' બનાવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાનીનાં લગ્નને જોતજોતામાં એક વર્ષ થઈ ગયું. સિદ્ધાર્થ હસુ-હસુ થતો કહે છે, 'આઇ એમ સો હેપી! હું મારા જીવનના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. એક વર્ષમાં પહેલા સુધી મારો પરિવાર દિલ્હીમાં હતો, પણ હવે મુંબઈમાં પણ મારું પોતાનું કુટુંબ છે!'