સિદ્ધાર્થ મલ્હોત્રા: દોડ શરૂ થઈ ચૂકી છે...
- તો શું 'રેસ-4'માં સૈફ અને સિધ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ટક્કર થશે? તે વિશે અટકળો ચાલી રહી છે. આ બે હીરોની ફિલ્મ છે અને આ બન્ને પાત્રો ગ્રે શેડ્સ ધરાવે છે. શું સલમાન પણ આ ફિલ્મમાં હશે?
સ'ને બોલિવુડની એક સફળ ફ્રેન્ચાઇઝી માનવામાં આવે છે. તેના ત્રણ ભાગ તો આવી ગયા અને હવે ચોથા ભાગની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. 'રેસ-ફોર'માં કોણ હશે અને કોણ નહીં હોય તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. 'રેસ-૧' અને 'રેસ-૨'માં સૈફ અલી ખાન હતો. અક્ષય ખન્ના અને જ્હોન અબ્રાહમે અનુક્રમે પ્રથમ અને બીજા ભાગમાં વિલનની ભૂમિકા ભજવી હતી. હવે વાતો એવી ચાલી રહી છે કે 'રેસ-૪'માં સિધ્ધાર્થ મલ્હોત્રા હશે. જાણભેદુઓ કહે છે કે સિધ્ધાર્થે ફ્રેન્ચાઇઝના ચોથા ભાગમાં રસ દર્શાવ્યો છે અને તે માટે ફિલ્મનિર્માતા રમેશ તોરાની સાથે મિટીંગો પણ કરી છે. એવાય અહેવાલ મળ્યા છે કે સૈફ અલી ખાન પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના સ્ટોરીને કઈ રીતે આગળ વધારવી તેની ચર્ચા કરવા ઇન-હાઉસ લેખકોની નિયમિત મિટીંગ્સ થઈ રહી છે. સ્ક્રિપ્ટ ખાસ્સી એવી લખાઈ ગઈ છે. નવા લેખકોને પણ સંભવત: સામેલ કરવામાં આવ્યા છે.
તો શું 'રેસ-૪'માં સૈફ અને સિધ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ટક્કર થશે? તે વિશે અટકળો ચાલી રહી છે. આ બે હીરોની ફિલ્મ છે અને આ બન્ને પાત્રો ગ્રે શેડ્સ ધરાવે છે, એમ અંદરનાં સૂત્રોનું કહેવું છે. રમેશ તોરાની એટલું જ કહે છે કે આ ઍક્શન-થ્રિલર ક્રાઈમ સિક્વલના ચોથા ભાગની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે એમ સમજો. પ્રથમ બે 'રેસ'નું દિગ્દર્શન અબ્બાસ-મસ્તાને કર્યું હતું, 'રેસ-૩' રેમો ડિ'સોઝાએ દિગ્દર્શિત કર્યો હતો, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો. 'રેસ-૩' ૨૦૧૮માં રિલીઝ થઈ ત્યારે એના પર ફિલ્મ રિવ્યુઅર્સ તૂટી પડયા હતા. અરે, આજની તારીખે પણ તેના મીમ બનતા રહે છે. એ જે હોય તે, પણ બોક્સઓફિસ પર 'રેસ-૩' હિટ સાબિત થઈ હતી. રમેશ તોરાની કહે છે, 'ટૂંક સમયમાં 'ેરેસ-૪'ના અદાકારોની ઘોષણા થશે. આ ફિલ્મમાં સલમાન ખાન હશે કે નહીં, તે અંગે હું કશું જ જણાવી શકું એમ નથી. ફિલ્મ આ વર્ષના અંતે ફ્લોર પર જશે. આ ફિલ્મ કોણ ડિરેક્ટ કરશે તે પણ પછી જાહેર થશે.'
સિદ્ધાર્થને છેલ્લે આપણે 'યોધ્ધા'માં જોવા મળ્યો હતો. દિશા પટ્ટણી અને રાશિ ખન્ના એની હિરોઈનો હતી. હવે જોવાનું એ રહે છે કે 'રેસ-૪'માં સિધ્ધાર્થ ખરેખર છે કે નહીં. આ ફિલ્મમાં સિદ્ધાર્થ સાથે એની પત્નીશ્રી કિઆરા અડવાણીને પણ કાસ્ટ કરવામાં આવે તો આ બન્નેના ચાહકોને આનંદ-આનંદ થઈ જશે એ તો નક્કી.