Get The App

સિદ્ધાંત ચતુર્વેદી: આ શરમાળ છોકરો આજે બોલિવુડનો બોલ્ડ હીરો બની ગયો છે...

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
સિદ્ધાંત ચતુર્વેદી: આ શરમાળ છોકરો આજે બોલિવુડનો બોલ્ડ હીરો બની ગયો છે... 1 - image


- 'ગલી બોય'માં સિદ્ધાંતને મળેલો બ્રેક એના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. આ પાત્ર દર્શકોને ખૂબ ગમ્યું. આ ફિલ્મે સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો.  

જોરદાર સ્ક્રીન હાજરી માટે જાણીતા સિદ્ધાંત ચતુર્વેદીએ તાજેતરમાં બોલીવૂડમાં સંઘર્ષ, નબળાઈ અને ગાઢ ભાવનાત્મક ક્ષણો વિશે ખુલ્લા મનથી વાત કરી હતી. 'ગલી બોય' અને 'ઈનસાઈડ એજ'માં પોતાના રોલ માટે જાણીતા સિદ્ધાંતનો સફળતા તરફનો પથ જેટલો ભપકાદાર દેખાય છે તેટલો વાસ્તવમાં નહોતો.

સિદ્ધાંતમાં અભિનય પ્રત્યેની ધગશને તેના પિતાએ બળ પૂરુ પાડયું હતું જે પોતે બલિયા જેવા નાનકડા નગરના એક ઉત્સાહી ફિલ્મી રસિયા હતા. પિતાની સલાહથી સિદ્ધાંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કારકિર્દી શરૂ કરી. છતાં સિદ્ધાંત અભિનય પ્રત્યેના આકર્ષણને રોકી ન શક્યો અને આખરે આંખ મીંચીને ઝંપલાવી દીધું.

જો કે આ પસંદગી સરળ નહોતી.  ઈનસાઈડ એજ વેબ શોથી સિદ્ધાંતે સારી શરૂઆત કરી હોવા છતાં તેની કારકિર્દી વિશે તેનો પરિવાર ચિંતિત હતો. માત્ર ગલી બોયની અભૂતપૂર્વ સફળતા પછી જ તેના પિતાએ ગર્વભેર સમાજમાં તેના પુત્રની પસંદગીની જાહેરાત કરી.

ગલી બોયમાં સિદ્ધાંતને મોટો બ્રેક મળ્યો. આ પાત્રએ દર્શકોને ભાવનાત્મક અપીલ કરી અને સિદ્ધાંતને ઉદ્યોગનો હિસ્સો હોવાની લાગણી કરાવી. તેનાં માતાપિતા તેના સૌથી મોટાં ચાહક છે. તેઓ ઉત્સાહભેર સ્ક્રીનીંગમાં હાજરી પૂરાવતા અને સ્ક્રીન પર જ્યારે તે દેખાતો ત્યારે તેઓ ભાવવિભોર થઈ જતા. ફિલ્મ જોતી વખતે પિતાને રડતા જોવાની ક્ષણ સિદ્ધાંત માટે ભાવનાત્મક હતી. 

તેની આગામી ફિલ્મ 'ખો ગયે હમ કહાં'માં સિદ્ધાંત બાળપણના દુર્વ્યવહાર સાથે ઝઝૂમતા પાત્રની ભૂમિકા નિભાવે છે. આ વિષય બોલીવૂડમાં ભાગ્યે જ ક્યારેક   અપનાવાયો છે અને આ એવો વિષય છે જેમાં દર્દીને ઊંડી સહાનુભૂતિ અને સમજદારીની જરૂર હોય છે.

પાત્રને વાસ્તવિક બનાવવા સિદ્ધાંતે મહિના સુધી થેરપિસ્ટ અને પીડિતો સાથે સમય ગાળ્યો અને આવી સતામણીની ચિરકાલીન અસરો વિશે સમજ મેળવી. દિગ્દર્શક અર્જુન વરેન સિંઘ અને પ્રોડયુસર ઝોયા અખ્તર સાથે નજીકનો સહયોગ કરીને સિદ્ધાંતે નાટકીય અથવા ઉપદેશાત્મક બન્યા વિના તેના પાત્રની પીડા પ્રમાણિકતાથી ચિત્રણ કરે તેવો મોનોલોગ તૈયાર કર્યો. દર્શકોની પ્રતિક્રિયા ઉત્સાહપ્રેરક હતી જેમાં પુરુષોએ તેમના પોતાના અનુભવો સાથે ફિલ્મ કેટલી સુસંગત છે તેના વિશે પણ જણાવ્યું.

સિદ્ધાંતે જણાવ્યું કે પુરુષો ભાગ્યે જ ક્યારેક જાતીય સતામણી અથવા માનસિક આરોગ્ય વિશે વાત કરતા હોય છે. જો કે તેણે કબૂલ કર્યું કે સમાજના ધોરણો તેમને આવી વાતચીત કરતા રોકતા હોય છે. આ ભૂમિકાની તૈયારીના તેના અનુભવે ભાવનાત્મક ઉપચાર માટેના તેના પોતાના પ્રયાસ પુનર્જીવિત કર્યા અને અતીતના આઘાત અને ગૂંચવાયેલી લાગણીઓનું નિરાકરણ કરવાના મહત્વનો સ્વીકાર કરવામાં તેને સહાય મળી.

સિદ્ધાંત માટે અન્ય પડકારજનક અનુભવ ફિલ્મ ગહેરાઈયાંમાં દીપિકા પાદુકોણે સાથે અંતરંગ દ્રશ્ય ભજવવાનો હતો. પ્રારંભમાં તેને આ વિચાર ભયજનક લાગ્યો અને સ્ક્રીન ટેસ્ટમાં તે નાપાસ થયો. આવા દ્રશ્યો ભજવવામાં અનુભવનો અભાવ તેમજ દીપિકાનું એક સન્માનીય અભિનેત્રી તરીકેનું સ્ટેટસ તેમજ તેના મિત્ર રણવીર સિંહની પત્ની હોવાથી આ અનુભવ તેના માટે વધુ તણાવપૂર્વ બની ગયો.

પણ આ તક ઝડપી લેવાની પિતાની પ્રેરણાથી સિદ્ધાંતે ઈન્ટમસી વર્કશોપ ગંભીરતાથી અપનાવી જેને એક અઠવાડિયામાંથી એક મહિના સુધી વિસ્તારવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન દીપિકાએ તેની સાથે પૂર્ણ સહયોગ કર્યો અને તેને સહજતા અનુભવવામાં મદદ કરી. પરિણામે તેમનું કાર્ય એક સુનિયોજિત નૃત્યની જેમ વ્યાવસાયિક અનુભવ બની ગયો.

કારિકર્દી વિશે મંથન કરતા સિદ્ધાંત તેના પ્રારંભિક દિવસોની અસ્વીકૃતિ અને સંઘર્ષના ન રૂઝાયેલા ભાવનાત્મક જખમો યાદ કરે છે. હવે ભલે તે સફળતા અને  સ્થિરતાનો અનુભવ કરી રહ્યો હોય, પણ હજી ભૂતકાળની હતાશા અને આક્રોશ તેના સંબંધો અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યા છે. આ અહેસાસે તેને માનસિક આરોગ્ય અને અંગત વિકાસને મહત્વ આપવાનું શીખવ્યું, પરિણામે તેને પોતાના પરિવાર સાથે મોકળા મનની વાતચીત કરીને તેમજ લેખન અને ચિત્રકામ દ્વારા પોતાની આવી અધરી લાગણીઓ વ્યક્ત કરવાની પ્રેરણા મળી. સિદ્ધાંતનો સંઘર્ષ બોલીવૂડના સ્ટારડમના છુપાયેલા ભાવનાત્મક સ્તરો પર પ્રકાશ નાખે છે. અહીં પ્રસિદ્ધિ અને ગ્લેમરની પાછળ માનસિક આરોગ્યની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. સિદ્ધાંત આવી સમસ્યા છુપાવવાના સામાજિક ધોરણોને પડકારીને તેના નિરાકરણનું મહત્વ સમજાવવા માગે છે. સિદ્ધાંત બોલીવૂડની પુરુષપ્રધાન છબિમાં સુધારો કરીને તીવ્ર માગ ધરાવતા આ ઉદ્યોગમાં કલાકારોએ સામનો કરવા પડતા પડકારો વિશે ખુલ્લી વાતચીતને પ્રોત્સાહન આપવા માગે છે. 


Google NewsGoogle News