સિદ્ધાંત ચતુર્વેદી : એમસી શેર આયા હૈ.... ગલી બોય, ગલી બોય!

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
સિદ્ધાંત ચતુર્વેદી : એમસી શેર આયા હૈ.... ગલી બોય, ગલી બોય! 1 - image


- 'માણસ જીવનમાં જે કંઈ પણ કરે અને જ્યાં પણ પહોંચે, એના ગુરુ હંમેશા એના ગુરુ જ રહે છે. એ ગુરુએ શીખવેલા બોધપાઠ કદી ભૂલતો નથી.'

વરસમાં બે દિવસ લોકો પોતાના ગુરુ અને શિક્ષકને અચુક યાદ કરે છે. ગુરુ પૂર્ણિમા ગુરુને સંભારવા અને ટીચર્સ ડે શિક્ષકો સાથેની યાદો તાજી કરવા જ આવે છે. ઘણા ફિલ્મસ્ટાર્સ સુદ્ધાં મની, નેમ એન્ડ ફેઈમ કમાયા બાદ પણ ગુરુ અને શિક્ષકને ભૂલતા નથી. 'ગલી બોય' ફેઈમ સિદ્ધાંત ચતુર્વેદીએ હમણાં ટીચર્સ ડેએ એની સાક્ષી પૂરી. પાંચ સપ્ટેંબરે સિદ્ધાંત બધુ કામ પડતું મૂકીને પહોંચી ગયો સીધો પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં, જ્યાંથી એ હજુ ૧૦ વરસ પહેલાં જ ગ્રેજ્યુએટ થયો છે. મીઠીબાઈમાં ભણતી વખતે એણે કદી વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ હું બોલિવુડમાં સ્ટાર બનીશ અને દર્શકો મારી પાછળ ઘેલા થશે.

સિદ્ધાંત પોતાના ફેવરીટ ટીચરને મળવા કૉલેજની કોરિડોરમાંથી પસાર થતો હતો ત્યારે મીઠીબાઈના સ્ટુડન્ટ્સે એની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. એ પણ દરેકને રાજી કરવા ચહેરા પર સ્માઈલ રાખી ખુશીથી બધાને સેલ્ફી લેવા દેતો હતો. એ વખતે આખી કૉલેજ એક નારાથી ગુંજી ઉઠી હતી, 'એમસી શેર આયા હૈ.... ગલી બોય, ગલી બોય.'

ફાઇનલી, ચતુર્વેદીએ કૉલેજના ઓડિટોરિયમમાં પ્રવેશ કરી પોતાના ડ્રામા ટીચર પ્રવીણ મુરલીધર જાધવને પગે લાગી એમના આશીર્વાદ લીધા. પોતાની અંદર રહેલા આર્ટિસ્ટને કેળવવાનો સંપૂર્ણ શ્રેય સિદ્ધાંત પોતાના ફેવરિટ ટીચર પ્રવીણ જાધવને આપે છે. 'જ્યારે પણ મારા વિશે એક એક્ટર તરીકે ચર્ચા થાય છે ત્યારે હું મારા કૉલેજ-કાળમાં સરી પડી પ્રવીણ સરે મને આપેલા માર્ગદર્શન અને પ્રોત્સાહનને યાદ કરું છું. એક્ટર તરીકેનો પહેલો અનુભવ મને મારી કૉલેજના સ્ટેજે આપ્યો. હું આજે પણ મારા બેચના ડ્રામા ગુ્રપના મેમ્બરોના સંપર્કમાં છું,' એમ એક્ટર કહે છે. સિદ્ધાંત ચતુર્વેદીએ મીઠીબાઈ કૉલેજમાંથી બી.કોમ થયા બાદ ડ્રામાનો કોર્સ પણ ત્યાં જ કર્યો.

એક્ટરનું એવું માનવું છે કે 'માણસ જીવનમાં જે કંઈ પણ કરે અને જ્યાં પણ પહોંચે, એના ગુરુ હંમેશા એના ગુરુ જ રહે છે. એ ગુરુએ શીખવેલા બોધપાઠ કદી ભૂલતો નથી.' સિદ્ધાંતની લાગણીનો પ્રતિભાવ આપતા હોય એમ એના પ્રવીણસર કહે છે, 'ચતુર્વેદી સાથેની આ મુલાકાત મારા માટે એક ઈમોશનલ મોમેન્ટ છે. અમારે ટીચરોને મન અમારા વિદ્યાર્થીઓનો પ્રેમ અને આદર બહુ જ મહત્ત્વના છે. અમારા સ્ટુડન્ટ્સ અમને આટલાં વરસો પછી પણ યાદ કરે છે એ જ સૌથી મોટું ઈનામ છે.'

સિદ્ધાંતે 'બંટી ઔર બબલી-૨', 'ગેહરાઈયાં' અને 'ફોન ભૂત' જેવી ફિલ્મો કરી છે, પણ એના ડ્રામા ટીચરને એની ડેબ્યૂ ફિલ્મ 'ગલી બોય'માં એની એમસી શેરની ભૂમિકા બહુ પસંદ છે.

 'આ ફિલ્મમાં એના પરફોર્મન્સની તોલે કંઈ ન આવે. સિનેમાના સ્ક્રીન પર એ રેપરના રોલમાં આવશે એવી મેં કદી કલ્પના પણ નહોતી કરી. એનો એ રોલ અદ્ભુત હતો. એ જોઈને જ અમે એને અમારી કૉલેજના ફેસ્ટિવલ 'ક્ષિતિજ'ની રેપિંગ ઈવેન્ટમાં જજ તરીકે બોલાવ્યો હતો. સિદ્ધાંત હવે ફિલ્મોમાં બહુ બિઝી થઈ ગયો હોવા છતાં અમે જ્યારે પણ એને બોલાવીએ ત્યા રે એ હાજર થઈ જાય છે.' 


Google NewsGoogle News