સિધ્ધાંત ચતુર્વેદીએ મર્સિડીઝમાં ફરવાની પિતાની ઇચ્છા પૂરી કરી
- 'સોશિયલ મીડિયાને કારણે કલાકારોના રોજિંદા જીવનની તમામ વાતો છતી થઈ જાય છે, બલ્કે કલાકારો સ્વયં લોકો સમક્ષ ઉઘાડી કિતાબ બની જાય છે.'
મૂ ળ બલિયાનો સિધ્ધાંત ચતુર્વેદી ઝપાટાભેર દર્શકોના દિલમાં સ્થાન જમાવી રહ્યો છે. તેણે 'ગલી બૉય'ના એમસી શેર તરીકે બૉલીવૂડમાં એવી ગર્જના કરી કે દર્શકો અને ફિલ્મ સર્જકોને તેના તરફ ધ્યાન આપવું જ પડયું. ઓટીટી પર પોતાની પ્રતિભાનો પરચો બતાવનાર સિધ્ધાંતને દર્શકોએ વધુ એક વખત 'ખો ગયે કહાં હમ'માં પણ એટલો જ પસંદ કર્યો છે.
આ ફિલ્મમાં લોકોની સોશ્યલ મીડિયા પ્રત્યેની ઘેલછાને બખૂબી રજૂ કરવામાં આવી છે. આજની તારીખમાં લોકો ફરવા જાય કે રેસ્ટોરાંમાં જમવા, ખાવાનું શરૂ કરવાથી પહેલા તેના ફોટા પાડીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે. જ્યારે પર્યટન સ્થળનું સૌંદર્ય માણવાથી પહેલા તેના ફોટા પાડીને નેટિઝનો સમક્ષ પોતાની ડંફાસ હાંકે. 'ખો ગએ હમ કહાં'નાં પાત્રો પણ આવું જ કાંઈક કર્યા કરે છે.
જોકે બૉલીવૂડના કલાકારો પણ સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. સિધ્ધાંત પણ તેમાંથી બાકાત નથી. અભિનેતા સ્વયં આ વાત કબૂલે છે. સિધ્ધાંત કહે છે કે એક તબક્કે હું પણ સોશ્યલ મીડિયાનો પુષ્કળ ઉપયોગ કરતો. ખાસ કરીને 'ગલી બૉય'ની સફળતા પછી હું એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો. મને એમ લાગતું હતું કે લોકો મને જોઈ રહ્યાં છે. લોકોને જાણવું છે કે હું શું કરી રહ્યો છું. પણ એક તબક્કે મને એમ લાગ્યું કે આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. એક સમયમાં કલાકારોનું જીવન ગુપ્ત રહેતું. તેમના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી સામાન્ય લોકોને ભાગ્યે જ રહેતી. પરિણામે તેમના વિશે જાણવાની, તેમને જોવાની સામાન્ય લોકોની ઉત્સુકતા અકબંધ રહેતી. પણ સોશ્યલ મીડિયાને કારણે કલાકારોના રોજિંદા જીવનની પણ પ્રત્યેક વાત છતી થઈ જાય છે, બલ્કે કલાકારો સ્વયં લોકો સમક્ષ ઉઘાડી કિતાબ બની જાય છે. સ્વાભાવિક રીતે જ તેમના વિશે જાણવાની ઉત્સુકતા ખતમ થઈ જાય છે. છેવટે મને એમ થયું કે હું મારી કારકિર્દીમાં જે કરી રહ્યો છું તે તો પાધરું થઈ જ જાય છે. તો પછી હું જીવનમાં જે ખાસ કામ કરી રહ્યો છું તેની જાણ સોશ્યલ મીડિયામાં કરવી જોઈએ. જેમ કે હું કવિતાઓ દ્વારા મારા વિચારો રજૂ કરું છું તે.
અભિનેતા સોશ્યલ મીડિયા પર થતા દંભ વિશે કહે છે કે અહીં લોકો હમેશાં ખુશ દેખાવાનો પ્રયાસ કરે છે. અંદરથી તેઓ ગમે તેટલા દુઃખી હોય તોય એવું બતાવવાનો પ્રયત્ન કરે છે જાણે તેઓ સુખના સાગરમાં હિલોળા લઈ રહ્યાં છે. આ મંચ પર જાણે કે ખુશ-સુખી દેખાવાની સ્પર્ધા ચાલી રહી છે. જેમને પરિવાર કે પરિવારજનોમાં રાતી પાઈનોય રસ ન હોય એ લોકો પણ પોતાના જન્મ દિવસ કે લગ્ન તિથિએ સપરિવાર ફોટા પોસ્ટ કરીને નેટિઝનો વચ્ચે પોતાનો વટ પાડવાનો પ્રયાસ કરે છે. અલબત્ત, અગાઉ ક્યારેય આવો દંભ નહોતો એમ ન કહી શકાય. પણ સોશ્યલ મીડિયાને પગલે તેનો અતિરેક થઈ રહ્યો છે.
કોઈપણ કલાકાર એક વખત લોકોની નજરમાં વસી જાય એટલે તેના અંગત જીવન પર અનેક મર્યાદાઓ આવી જાય છે. સિધ્ધાંત સાથે પણ કાંઈક આવું જ થયું છે. તે કહે છે કે જેમ જેમ મારી ફિલ્મોની સંખ્યા વધી રહી છે તેમ તેમ મારા માતાપિતા સાથે મારું બહાર જવાનું મર્યાદિત થઈ રહ્યું છે. અલબત્ત, હું તેમને મારી સાથે બહાર લઈ જવા ઇચ્છું છું. પરંતુ મારા પિતા કહે છે કે રહેવા દે, તને જોઈને લોકો આપણને ઘેરી વળશે. અમે તારા માટે મુશ્કેલી પેદા કરવા નથી ઇચ્છતા.
જોકે અભિનેતા તેની પુત્ર તરીકેની ફરજ નથી ચૂકતો. તે કહે છે કે મારા પિતાને હમેશાંથી ૭૦-૮૦ના દશકમાં લોકપ્રિય બની હતી એ કાળા રંગની મર્સિડીઝ ગમતી હતી. મેં તેમને આવી મર્સિડીઝ લઈ આપી ત્યારે મારું મન આનંદથી છલકાઈ ઉઠયું હતું. મારા માટે એ ગૌરવની ક્ષણ હતી.