શ્વેતા તિવારી વધતી જતી વયને હાથતાળી આપવામાં પાવરધી છે
- 'મારૂં ખૂબ ટ્રોલિંગ થાય છે, પણ મને તેનાથી કોઈ ફરક પડતો નથી. હવે તમે જ કહો કે જેને રોજેરોજ કોઈને કોઈ વગોવતું હોય તેને વગોવણી પણ કોઠે જ પડી જાય ને?'
ટચૂકડા પડદાના દર્શકો માટે શ્વેતા તિવારી નવું નામ નથી. મહત્વની વાત એ છે કે આજથી દોઢ-બે દશક પહેલા તે જેટલી આકર્ષક-યુવાન દેખાતી હતી એટલી જ આજે પણ લાગે છે. ઉંમર જાણે કે તેને સ્પર્શી શકી નથી. તેની પુત્રી પલક સાથે એક ફ્રેમમાં હોય ત્યારે શ્વેતા તેની મોટી બહેન જેવી લાગે છે. આજની તારીખમાં સોશ્યલ મીડિયા પર શ્વેતાનું નામ ફિટેસ્ટ અભિનેત્રીઓમાં આવે છે.
જોકે શોબિઝમાં તમે જેટલા જાણીતા બનો એટલી તમારા ઇર્ષ્યાળુઓની સંખ્યા વધે. શ્વેતાની અદેખાઈ કરનારાઓની ફોજ પણ નાનીસુની નથી. અભિનેત્રી કહે છે કે લોકો એમ માનવા લાગ્યાં હતાં કે ફિટ રહેવું એટલે સુંદર દેખાવું. ઘણા લોકો પરફેક્ટ એબ્સ બતાવવા વર્કઆઉટ કરે છે. અને એબ્સના ચક્કરમાં સપ્લીમેન્ટ્સ કે સ્ટીરોઈડ લેતાં પણ થઈ જાય છે. મેં મારા ટ્રેનરનો સંપર્ક કર્યો ત્યારે તેણે મને પૂછ્યું હતું કે હું શું ઇચ્છું છું. તે વખતે મારી પુત્રી પલકે તેને ઉત્તર આપ્યો હતો કે મારી મમ્મીને ચોક્કસ પ્રકારની દેહયષ્ટિ બનાવવામાં રસ નથી. તે માત્ર સ્વસ્થ રહેવા માટે વર્કઆઉટ કરવા માગે છે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે ખરેખર તો દરેક સ્ત્રીએ પોતાના માટે થોડો સમય ફાળવવો જોઈએ. માત્ર એક કલાક વર્કઆઉટ કરવાથી પણ તમે ઘણાં સ્વસ્થ રહી શકો. મારા મતે વ્યાયામ શ્રેષ્ઠ એન્ટિ-એજિંગ ઉપાય છે. નિયમિત રીતે કસરત કરતી મહિલાઓ વધતી જતી વયને હાથતાળી આપી શકે છે.
શ્વેતા તેની ઇર્ષ્યા કરતાં લોકો માટે કહે છે કે મને મળતી કમેન્ટ્સ સાથે ટ્રોલિંગ પણ હોય છે. પરંતુ મને તેનાથી કોઈ ફરક નથી પડતો. હવે તમે જ કહો કે જેને રોજેરોજ કોઈને કોઈ વગોવતું હોય તેને વગોવણી પણ કોઠે જ પડી જાય ને? કેટલાંક લોકો તો મને ગોલ્ડ ડિગર સુધ્ધાં કહે છે. હું એ પણ જાણું છું કે સોશ્યલ મીડિયા પર મારી વગોવણી કોણ કરે છે. પરંતુ હું તેમની પરવા નથી કરતી. હું એ જ કરું છું જે મને યોગ્ય લાગે છે. અદાકારા ઉમેરે છે કે મારા સૌંદર્ય બાબતે એવી વાતો પણ ઉડાવવામાં આવી છે કે મેં કોસ્મેટિક સર્જરી કરાવી છે. પરંતુ જે લોકો આવી સર્જરી કરાવે તેમનો ચહેરો તેની ચાડી ખાધા વિના નથી રહેતો. જો કોઈ ચોક્કસ પ્રકારના દેખાવનો આગ્રહ રાખતું હોય તો તેને કરેક્શન સર્જરી કરાવવાનો પૂરેપૂરો હક છે. મને તેમાં કાંઈ ખોટું પણ નથી લાગતું. પરંતુ જો કોઈ એમ માનતું હોય કે તમે કુદરતી રીતે સુંદર ન લાગી શકો તો એ વાત સાવ ખોટી છે.
હવે શ્વેતાના કામની વાત કરીએ તો છેલ્લે તેણે 'મૈં હું અપરાજિતા'માં કામ કર્યું હતું. અને હવે તેણે વધુ એક વખત કૉમેડી શો 'આપકા અપના ઝાકિર' હાથ ધર્યો છે. આજથી ૧૩ વર્ષ અગાઉ શ્વેતાએ 'કૉમેડી સર્કસ કા નયા દૌર'માં કામ કર્યું હતું. જોકે અદાકારા કહે છે કે આવા શોમાં મહિલા કલાકાર માટે કામ કરવાનું આસાન નથી.
મોટાભાગે લોકો તેમની મજાક ઉડાવતાં હોય છે. તેમાં તેમનો વાંક પણ નથી. વાસ્તવમાં આપણે ત્યાં એવી માન્યતા છે કે કૉમેડી માત્ર પુરૂષ કલાકારો જ કરી શકે.