શ્રૃતિ સેઠ : બદનિયત પુરૂષોને જ ઘરમાં પૂરાઈ રહેવું જોઈએ
ટચૂકડા પડદે આવેલી ધારાવાહિક 'શરારત'માં જિયા મલ્હોત્રાની ભૂમિકા ભજવીને ઘર ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શ્રૃતિ સેઠે 'દેશ મેં નિકલા હોગા ચાંદ', 'ફના', 'તારા રમ પમ', 'રાજનીતિ' જેવા સંખ્યાબંધ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે. તાજેતરમાં જ ઓટીટી પર તે 'જિંદગીનામા'માં જોવા મળી. શ્રૃતિ એક અચ્છી સંચાલક, આરજે અને વીજે પણ છે. અદાકારાને તેના દરેક કામ માટે હમેશાં પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે શ્રૃતિ પસંદગીનું કામ જ હાથ ધરે છે. આવું કેમ?
આના જવાબમાં અભિનેત્રી કહે છે કે મને એક જ પ્રકારનું કામ કરવામાં મઝા નથી આવતી. હું કોઈક સરસ ભૂમિકાની રાહ જોઈ રહી છું. છેલ્લા કેટલાંક વર્ષમાં ટીવી અને ડિજિટલ મીડિયામાં ઘણું પરિવર્તન આવ્યું છે. હું આશા રાખું છું કે મને કોઈક રસપ્રદ કામ મળે.
શ્રૃતિ હમેશાંથી મહિલાઓના મુદ્દે બોલવા માટે જાણીતી છે. પુરૂષોની મેલી નજર અને નિયત પર તેને સખત ચીડ છે. અને તે આ ગુસ્સો વ્યક્ત કર્યા વિના નથી રહી શકતી. અભિનેત્રી કહે છે કે, 'મહિલાઓ ક્યાંય સલામત નથી. તેમને ડગલેને પગલે મર્દોની મેલી મુરાદનો ભોગ બનવું પડે છે. પુરૂષો રાતના ગમે તેટલા મોડે સુધી ઘરની બહાર રહે, તેમને ક્યારેય અસલામતી નથી સતાવતી. પરંતુ સ્ત્રીઓ રાત્રે શું, દિવસે પણ સુરક્ષિત નથી. એક તબક્કે મહિલાઓની છેડતી સૂરજ ઢળ્યા પછી થતી. હવે ધોળા દહાડે પણ થાય છે. સડકો પર, શાળામાં, હોસ્પિટલમાં કે જાહેર પરિવહનમાં પણ સ્ત્રીઓ સલામતી નથી અનુભવતી એટલે સુધી કે રેલવે સ્ટેશન જેવી ભીડભરી જગ્યાઓ પર પણ તેમને અણછાજતો સ્પર્શ કરવાની તક જતી કરવામાં નથી આવતી. જો કોઈ યુવતી કે મહિલા એમ કહે કે તેની સાથે આવું ક્યારેય નથી થયું તો માની લેવું કે તે પોતાની સાથે થયેલી છેડતીની વાત જાહેર કરવા નથી ઇચ્છતી. આંચકાજનક બાબત એ છે કે નિયત પુરૂષોની ખરાબ હોય છે, આમ છતાં હમેશાં એમ જ કહેવામાં આવે છે કે ઘરની બહાર નીકળતી સ્ત્રીઓને જોઈને તેમનું મન લલચાય છે. જો આવું જ હોય તો પુરૂષોને જ ઘરમાં પૂરી રાખવા જોઈએ.'
શ્રૃતિ વધુમાં કહે છે, 'મહિલાઓ વિશેના મુદ્દાઓમાં ક્યારેય તોટો નથી આવ્યો. તેમને એવું ઘણું મળવાનું બાકી છે જે મેળવવાની તેઓ હકદાર છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જો હું પોતે કોઈપણ ડર વિના ઘરથી બહાર નથી નીકળી શકતી તો અન્ય સ્ત્રીઓની વાત શી રીતે કરું. જે દિવસે હું મનમાં કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના ઘરથી બહાર નીકળી શકીશ, જે દિવસે મને એ વાતની ખાતરી થઈ જશે કે ઘરથી બહાર ગયેલી મારી પુત્રી સાથે કંઈ અણછાજતું નહીં બને, તે દિવસે હું માનીશ કે હું ખરેખર સમૃધ્ધ જીવન જીવી રહી છું. પરંતુ આવું ક્યારેય બનશે ખરૂં?'
આટલું કહીને એ શ્રુતિ ઉમેરે છે, 'મારું પોતાનું ઉદાહરણ આપું તો વર્ષ ૧૯૯૮માં હું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને કૉલેજ જતી ત્યારે મારી સાથે પણ છેડતી થઈ હતી. અને આજે મારી પુત્રીને પણ હું નચિંત બનીને ઘરથી બહાર નથી મોકલી શકતી.'
શ્રૃતિ પોતાની વાત રજૂ કરતી વખતે કોઈની સાડીબારી નથી રાખતી. પરિણામે તેને નેટિઝનોની ખફગી વહોરી લેવી પડે છે. પરંતુ અભિનેત્રી પોતાની વાત કહેવાનું નથી ચૂકતી. તે કહે છે, 'અગાઉ હું સોશિયલ મીડિયા પર પણ મારી વાત જણાવતી. પરંતુ હવે હું એવી જગ્યાએ જ મારું મન ખોલું છું જ્યાં મારી વાત ખરેખર સાંભળવા અને સમજવામાં આવે. જ્યાં મને માત્ર ગાળો આપવામાં ન આવે. હું હમેશાંથી માનું છું કે સાચી વાત કહેવામાં સંકોચ શાને? જ્યારે તમે સાચા હો ત્યારે તમારામાં સાચું બોલવાનું સાહસ આપોઆપ આવી જાય. હું ક્યારેય કાલ્પનિક વાતો નથી કરતી.'
અદાકારા માત્ર વાતોના વડાં નથી કરતી, બલ્કે તેનું નક્કર પરિણામ પણ ઇચ્છે છે. આ કારણે જ તે મહિલાઓના મુદ્દાઓને લગતી એક કમ્યુનિટી એપ સાથે સંકળાઈ છે. એ કહે છે કે, 'આ એપના કર્તાહર્તા તરૂણ કલ્યાણને હું મારા કૉલેજ કાળથી ઓળખું છું. થોડા સમય પહેલા તેણે મને કહ્યું હતું કે તે એવી એપ લાવવા માગે છે જે મહિલાઓ માટે સોશ્યલ કમ્યુનિટી પ્લેટફોર્મ બની રહે. અને તેણે 'આઈ વિશ આઈ ન્યુ ધીસ સૂનર' પર મહિલાઓ પોતાના મનની વાત કહી શકે, પોતાના માટે સલામત જગ્યા શોધી શકે તેની વ્યવસ્થા કરી. અને હું તેની સાથે સંકળાઈ.'