શ્રુતિ શેઠને બીબાઢાળ બની રહેવામાં કોઈ રસ નથી
- 'એક્ટર્સને વર્કિંગ અવર્સમાં રાહત મળવી જોઈએ. આ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે કામકાજ ચાલે છે એમાં અમે ક્યારેક પિસાતા હોઈએ એવું લાગે છે. તમે થાકેલા, નંખાઈ ગયેલા હો એ ન ચાલે.'
બોલિવુડનો દર બીજો એક્ટર મોકો મળે ત્યારે ટાઈપકાસ્ટિંગની (એકના એક પ્રકારની ભૂમિકા મળવાની) ફરિયાદ અચુક કરે છે. છેલ્લે એમાં શ્રુતિ શેઠ પણ જોડાઈ છે. પોતાની લેટેસ્ટ વેબ સીરિઝ '૩૬ ડેઝ'ની પ્રમોશનલ ઇવેન્ટ્સમાં શ્રુતિએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું, 'તમે આ ઇન્ડસ્ટ્રીમાં હો ત્યારે સ્ટિરિયોટાઈપ થયા વિના ન રહી શકો. લોકો તમને એક કેરેક્ટર તરીકે જોતા થઈ જાય છે અને તમને એવા જ રોલ્સ ઑફર કર્યા કરે છે. દેખીતું છે કે તમે એક એક્ટર તરીકે કામ કરતા રહેવા માગો છો અને તમને જો બીજું કંઈ નવું ઑફર ન થાય તો તમને એકની એક ભૂમિકા કરવાની ફરજ પડે છે. એને લીધે આર્ટિસ્ટ નંખાઈ જાય છે અને થાકેલો લાગે છે. હવે હું એવું ઇચ્છીશ કે ફિલ્મમેકર્સ થોડા વધુ ઇમેજિનેટિવ બને અને કાસ્ટિંગની જૂની અને બીબાંઢાળ ઢબમાંથી બહાર આવે. ટાઈપકાસ્ટિંગને બદલે એમણે એન્ટિ-કાસ્ટિંગ કરી એમણે એક્ટરને એવો રોલ આપવો જોઈએ જેની એણે પોતે પણ કલ્પના ન કરી હોય. આશા કરીશ કે મને પણ હું જેમાં નેચરલી ફિટ ન બેસતી હોઉં એવા રોલ મળે અને હું મારા આર્ટ વિશે વધુ જાણી એને શક્ય તેટલી વધુ નિખારી શકું.'
શ્રુતિને થોડા આક્રમક મૂડમાં જોઈ મીડિયા એને બીજા પ્રશ્નમાં પૂછે છે, મેડમ, તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું બદલાવ ઇચ્છો છો? શ્રુતિ પણ તક જોઈને તીર મારી લે છે, 'લગભગ દરેક વર્કિંગ વુમન પુરુષો જેટલી ફી વિશે બોલવા ઇચ્છે છે. સ્ત્રીઓને એમના સમોવડિયા પુરુષો જેટલું પેમેન્ટ મળવું જ જોઈએ. એ સિવાય મને લાગે છે કે એક્ટર્સને વર્કિંગ અવર્સમાં રાહત મળવી જોઈએ. આ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે કામકાજ ચાલે છે એમાં અમે ક્યારેક પિસાતા હોઈએ એવું લાગે છે. ક્રિયેટિવિટી અને ઇમોશન્સ માગી લેતી આવી જોબમાં તમે થાકેલા, નંખાઈ ગયેલા હો એ ન ચાલે. અહીં લોકો પાસેથી જે કામની અપેક્ષા રખાય છે એમાં માનવીય અભિગમ પણ હોવો ઘટે. આ પ્રકારના બદલાવથી બધાને જોબ સેટિસ્ફેક્શન મળશે અને એનું પોઝિટીવ પરિણામ જોવા મળશે.'
અભિનેત્રી ભવિષ્યમાં કયા પ્રકારનું કામ કરવા માગે છે? મિઝ શેઠ પોતાનું દિલ ઠાલવતાં કહે છે, 'અત્યારે મને મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવું ગમે છે, પરંતુ ભવિષ્યમાં મને ફરી સોલો હિરોઈનવાળો શો કરવાની ભારોભાર ઇચ્છા છે. એ બાબતમાં હું ખોટું નહિ બોલું. બીજું, મારે એક્શન સીરિઝ કરવી છે. હું છેલ્લા ૨૦ વરસથી એક્ટિંગ કરું છું અને મારી આ સફર વન્ડરફૂલ રહી છે. લોકો મને મેં વરસો પહેલાં ભજવેલી ભૂમિકાઓ માટે યાદ કરે છે એ જાણીને સંતોષ અનુભવું છું. અલબત્ત, બીજા કોઈ પણ એક્ટરની જેમ હું પણ કંઈક ને કંઈક નવું કરતા રહી વિકસવા માગું છું. મારે સતત નવું અને અલગ પ્રકારનું કામ કરતા રહેવું છે એટલે જ મારે નવા જોનરમાં હાથ અજમાવવો છે. નવા ડિરેક્ટરો અને એક્ટરો જોડે કામ કરવાની પણ તાલાવેલી છે.'