Get The App

શ્રીયા પિલગાંવકર લાંબી રેસનો ઘોડો બનવું છે

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
શ્રીયા પિલગાંવકર લાંબી રેસનો ઘોડો બનવું છે 1 - image


- 'એક જ પ્રકારના રોલની ઑફર આવે તો હું ના પાડી દઉં છું. મારે આ ફિલ્ડમાંથી ફેંકાઈ જવું નથી. મારે પાંચ-છ દાયકા સુધી કામ કરવું છે.' 

શ્રીયા પિલગાંવકરે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવાથી પહેલા શોર્ટ ફિલ્મોનું દિગ્દર્શન, નિર્માણ કર્યું હતું. બહુમુખી પ્રતિભા ધરાવતી શ્રીયા કહે છે કે મેં મારા પિતા (સચિન પિલગાંવકર)ને અભિનય, નૃત્ય, દિગ્દર્શન, નિર્માણ ક્ષેત્રે કામ કરતાં જોયા છે. મારા પિતા જ મારા સૌથી મોટા પ્રેરણાસ્રોત છે. હું પણ તેમની જેમ ફિલ્મ સર્જનના વિવિધ ક્ષેત્રે કામ કરવા માગું છું.

શ્રીયાએ અત્યાર સુધી અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ ભજવીને પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવ્યો છે. તેણે 'ગિલ્ટી માઇન્ડ'માં ધારાશાસ્ત્રી, 'ધ બ્રોકન ન્યુઝ'માં ન્યુઝ રિપોર્ટર અને 'મિર્ઝાપુર'માં ગેંગસ્ટરની દુનિયાની યુવતીના પાત્રો ભજવ્યાં છે. અદાકારા કહે છે કે એક કલાકાર તરીકે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવી મારા માટે અત્યાવશ્યક છે. મને એવા કિરદાર અદા કરવા છે જે યાદગાર બની રહે. મહત્વની વાત એ છે કે ઓટીટી પર મને આવા પાત્રો ભજવવાની તક મળે છે. 'તાજા ખબર' અને 'મિર્ઝાપુર' જેવી ફિલ્મોની પહોંચ મુખ્ય ધારાની કમર્શિયલ ફિલ્મો જેટલી હતી. તે વધુમાં કહે છે કે મારી 'બ્રોકન ન્યુઝ' અને 'ગિલ્ટી માઇન્ડ'ને સમીક્ષકોએ પણ બેમોઢે વખાણી હતી. જ્યારે દર્શકોએ આ ફિલ્મોને બેહિસાબ પ્રેમ આપ્યો હતો. આમ છતાં હું દ્રઢપણે માનું છું કે મેં 'ડ્રાય ડે' (૨૦૨૩)માં જે રીતે મારું પહેલું હિન્દી ગીત આપ્યું તેવું કમર્શિયલ કામ કરવું પણ એટલું જ જરૂરી છે. આ પ્રકારનું કામ મારા દર્શકગણમાં મોટી વૃધ્ધિ કરી શકે. અલબત્ત, મેં એવી કોઈ રણનીતિ નથી બનાવી. ખરેખર તો હું મારી જાતને દર્શકો સમક્ષ વિવિધ પાત્રોમાં રજૂ કરવા માગું છું. હું તેમને એમ વિચાર કરતાં કરી મૂકવા ઇચ્છું છું કે બાપ રે.., આ છોકરી આવી ભૂમિકા પણ ભજવી શકે છે!

શ્રીયા સતત જુદાં જુદાં પ્રકારના પાત્રો ભજવે છે એ તેની સ્ટ્રેટેજી છે. અભિનેત્રી કહે છે કે મને એક જ પ્રકારના રોલની ઑફર આવે તો હું તે પાછી વાળી દઉં છું. મને ૫૦-૬૦ વર્ષ સુધી કામ કરવું છે. હું એક દશકમાં ફિલ્મોદ્યોગમાંથી બહાર ફેંકાઈ જવા નથી માગતી. તે વધુમાં કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે અભિનેત્રીઓને ચોક્કસ વય સુધી જ સારા પાત્રો ભજવવાની તક મળતી. આજે શેફાલી શાહ, મોના સિંહ, નીના ગુપ્તા જેવી અભિનેત્રીઓ પણ દમદાર ભૂમિકાઓ અદા કરી રહી છે. હવે દરેક વયજૂથની અદાકારાઓ માટે પાત્રો રચાઈ રહ્યાં છે. વાસ્તવમાં કોઈપણ કલાકાર માટે શ્રેષ્ઠ કામ કરવું પ્રથમ શરત ગણાય. તમે દર્શકોને નીતનવું આપતાં રહો તો તેઓ તમને જોવા ઉત્સુક રહે છે. મને મારા કામની છાપ છોડવી છે. મારે એવું કામ નથી કરવું જેને દર્શકો આજે જોઈને કાલે વિસરી જાય. 


Google NewsGoogle News