શ્રેયસ તળપદે મોતને હાથતાળી આપીને પાછો ફર્યો
- 'ડૉક્ટરોએ સીપીઆર અને ઇલેકટ્રીક શોક આપી મારું હૃદય ફરી ધબકતું કર્યું. મારી હાર્ટની બે મુખ્ય ધમનીઓમાં 100 ટકા અને 99 ટકા બ્લોકેજ આવ્યું. એન્જિયોપ્લાસ્ટી દ્વારા મારા હાર્ટમાં સ્ટેન્ટ બેસાડાયું... '
ઍક્ટર-ડિરેક્ટર શ્રેયસ તળપદે માટે ગઈ ૧૪ ડિસેમ્બર એની લાઈફનો સૌથી અશુભ દિવસ હતો. એ દિવસે એને મોટો કાર્ડિઆક અરેસ્ટ આવ્યો હતો, જેમાંથી એ માંડ બચ્યો છે. હૉસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ ડૉક્ટરોએ એને છ વીકના કમ્પ્લીટ રેસ્ટની સલાહ આપી હતી. ૪૮ વરસનો ઍક્ટર આવી મોટી ઘાતમાંથી બચી જવાને એક ચમત્કાર જ માને છે. શ્રેયસનો કારમો અનુભવ એના જ શબ્દોમાં જાણીએ ઃ
'છેલ્લા લગભગ અઢી વરસથી હું કોઈ બ્રેક લીધા વિના એકધારુ કામ કરતો હતો. મને બહુ જ થાક લાગતો જે અજુગતું હતું, પરંતુ મેં એવું વિચારીને મન મનાવી લીધું કે હું સતત વર્ક કરું છું એટલે થાક અનુભવવો કોમન છે. છતાં મેં ઈસીજી, ટુડી ઈકો, સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ કરાવી લીધા. એમાં મારું કોલેસ્ટોરલ હાઈ આવ્યું એટલે હું એની દવા લેતો હતો. આમેય, મારી ફેમિલી હિસ્ટ્રીમાં હૃદયરોગ છે એટલે મેં પ્રિકોશન્સ લીધા.
એ દિવસે અમે મુંબઈમાં 'વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કરી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. અચાનક છેલ્લા શોટ બાદ મારો શ્વાસ રુંધાવા લાગ્યો અને મારા ડાબા હાથમાં દુખાવો થવા માંડયો. હું માંડ માંડ મારી વેનિટી વાન સુધી પહોંચી કપડાં બદલી શક્યો. મને થયું કે અમે ઍક્શન સીન્સ શૂટ કરી રહ્યા હતા એટલે કદાચ મસલ પેઇન હશે. હું જેવો કારમાં બેઠો કે તરત મને થયું કે મારે હૉસ્પિટલ પહોંચી જવું જોઈએ, પણ પછી થયું કે પહેલા ઘરે જવા દે. ઘરે મારી વાઇફ દીપ્તિએ મને એ અવસ્થામાં જોયો અને દસ જ મિનિટમાં અમે હૉસ્પિટલ જવા રવાના થયા. અમે લગભગ હૉસ્પિટલ પહોંચી જ ગયા હતા ત્યાં મારો ચહેરો સુન્ન થઈ ગયો અને મને ઝાડો-પેશાબ થઈ ગયા. એ કાર્ડિઆક અરેસ્ટ હતો. એ થોડી પળ દરમિયાન મારું હાર્ટ ધબકતું લગભગ બંધ થઈ ગયું હતું. દીપ્તિ બેઠી હતી એ બાજુએથી બહાર નીકળી નહોતી શકતી, કારણ કે ટ્રાફિકજામ હતા. માંડ માંડ મને મને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરોએ સીપીઆર અને ઇલેકટ્રીક શોક આપી મારું હૃદય ફરી ધબકતું કર્યું. મારી હાર્ટની બે મુખ્ય ધમનીઓમાં ૧૦૦ ટકા અને ૯૯ ટકા બ્લોકેજ આવ્યું. એન્જિયોપ્લાસ્ટી દ્વારા મારા હાર્ટમાં સ્ટેન્ટ બેસાડાયું. હાલ હું સંપૂર્ણ આરામ કરી રહ્યો છું. તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા મારી લાઈફમાં હું કદી હૉસ્પિટલમાં એડમિટ નહોતો થયો. હું સૌને એટલું જ કહીશ કે ડોન્ટ ટેક યોર હેલ્થ ફોર ગ્રાન્ટેડ. હેલ્થ સારી નહીં હોય તો બીજા કશાનું કોઈ મહત્ત્વ નથી. જાન હૈ તો જહાન હૈ. છેલ્લાં ૨૮ વરસથી મારી લાઈફનું ફોકસ ફક્ત મારું કરીઅર હતું. સૌને એમ લાગે છે કે મારી પાસે હજુ ઘણો ટાઈમ છે, પણ એવું હોતું નથી. પૈસા કમાઈયા પછી જીવતા નહીં હો તો શું મતલબ છે?'
શ્રેયસના આ અનુભવમાંથી આપણે સૌએ શીખવા જેવું છે.