શ્રેયસ તળપદેઃ એક ડિરેક્ટર તરીકે કંગના રણૌતની સજ્જતા લાજવાબ છે
- 'પંકજ ત્રિપાઠી એક અચ્છો અભિનેતા છે. હું નહોતો ઇચ્છતો કે તેના અટજીના રોલનો પ્રભાવ મારા કામ પર પડે. તેથી મેં 'મૈં અટલ હૂં' જોવાનું ટાળ્યું હતું.'
લિવુડમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવનાર એવો બહુમુખી પ્રતિભાના સ્વામી શ્રેયસ તળપદે અત્યારે ત્રણ કારણોથી સમાચારમાં છે. એક તો, જબરદસ્ત હિટ થયેલી 'પુષ્પા-૨'ના હિન્દી વર્ઝનમાં હીરો અલ્લુ અર્જુનને પોતાનો અવાજ આપવા માટે, બીજું, 'મુફાસાઃ ધ લાયન કિંગ' ફિલ્મમાં પોતાનો અવાજ આપવા માટે અને અતિચર્ચિત ફિલ્મ 'ઇમરજન્સી'માં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની ભૂમિકા ભજવવા માટે.
શ્રેયસ તળપદે અભિનય ક્ષેત્રે એક્કો છે, પણ એ એટલો બધો લોકપ્રિય બન્યો નથી તે અલગ વાત છે. જોકે અભિનેતા સ્વયં આ વાત નથી માનતો. તે પોતાને સાવ સાધારણ કલાકાર માને છે. પરંતુ તેનું કામ શ્રેયસને અસાધારણ કલાકાર પુરવાર કરે છે. આ અભિનેતાએ 'ઇમરજન્સી'માં અટલ બિહારી વાજપેઇની ભૂમિકા ભજવી તેની પહેલાં અભિનેતા પંકજ ત્રિપાઠી 'મૈં અટલ હું' માં આ રોલ ભજવી ચૂક્યા છે. તો શું શ્રેયસે પંકજ ત્રિપાઠીના આ કિરદારમાંથી પ્રેરણા લીધી હતી? આના જવાબમાં શ્રેયસ કહે છે, 'ના. પંકજ ત્રિપાઠી એક અચ્છો અભિનેતા છે. હું નહોતો ઇચ્છતો કે તેમના આ રોલનો પ્રભાવ મારા કામ પર પડે. તેથી મેં 'મૈં અટલ હું' જોવાનું ટાળ્યું હતું.'
શ્રેયસે અગાઉ 'ઓમ શાંતિ ઓમ'માં મહિલા દિગ્દર્શક ફરાહ ખાન સાથે કામ કર્યું હતું. અને 'ઇમરજન્સી'માં અન્ય મહિલા ફિલ્મસર્જક કંગના સાથે કામ કર્યું. અભિનેતા બંનેની બેમોઢે પ્રશંશા કરતાં કહે છે, 'આ બંને દિગ્દર્શિકાઓ સેટ પર પૂરેપૂરી તૈયારી સાથે આવે છે. બંનેની કહાણી રજૂ કરવાની રીત તદ્દન વેગવેગળી છે, પરંતુ બંને પોતપોતાના કામમાં એકદમ ચોક્કસ છે.'
શ્રેયસના અભિનયના ઉંડાણ પાછળ થિયેટરે બહુ મોટી ભૂમિકા ભજવી છે. શ્રેયસ સ્વયં કહે છે, 'તમે જ્યારે સ્ટેજ પર કામ કરતાં હો ત્યારે તમને તમારા સ્વર, પોશ્ચર, અંદાજ અને લુક પર વ્યવસ્થિત હોમવર્ક કરવું પડે. પરંતુ આજની તારીખમાં મને કલાકારો આ સઘળા ગુણોનું ઉંડાણ જોવા નથી મળતું. છેલ્લા કેટલાંક વર્ષમાં 'અંડરપ્લે' શબ્દનો છૂટથી પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બહુ ઓછા દર્શકોને તેનો અર્થ ખબર હશે. અંડરપ્લેનો અર્થ એવો કરવામાં આવે છે કે મોઢું ખોલ્યા વિના એટલે કે માત્ર હોઠ ફફડાવતા હોઇએ એ રીતે ધીમા અવાજમાં સંવાદ સાધવો. મારા મતે આ સૌથી વાહિયાત બાબત છે. દરેક કલાકારે પોતાની અભિનયક્ષમતા અજવાળતાં રહેવું જોઇએ.'
એ વાત સર્વવિદિત છે કે શ્રેયસે તેની કારકિર્દીનો આરંભ મરાઠી ફિલ્મોથી કર્યો હતો. ત્યાર પછી તેણે હિન્દી ફિલ્મોમાં પણ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી. તેને એ વાતની ખુશી છે કે મરાઠી ફિલ્મોમાં તેની સાથે કામ શરૂ કરનારા ઘણા કલાકારો અભિનયમાં તેના કરતાં ચડિયાતા હોવા છતાં તેને હિન્દી ફિલ્મોદ્યોગમાં પુષ્કળ કામ કરવા મળ્યું. શ્રેયસ કહે છે, 'મેં બંને ફિલ્મોદ્યોગમાં ટોચના સર્જકો સાથે કામ કર્યું છે. હું મરાઠી ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યો છું. મેં સ્વપ્નેય વિચાર નહોતો કર્યો કે હું પ્રોડકશન ક્ષેત્રે આવીશ. પરંતુ મને નિર્માતા બનાવવાનો યશ હું ફિલ્મ સર્જક સુભાષ ઘાઇને આપું છું.'