Get The App

શ્રેયા ઘોષાલ : આજે લોકો અર્થનો અનર્થ કરી તમને વગોવી નાખે છે

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
શ્રેયા ઘોષાલ : આજે લોકો અર્થનો અનર્થ કરી તમને વગોવી નાખે છે 1 - image


- 'બે શક્તિશાળી મહિલાઓ એક સાથે આવે ત્યારે તે પાવરહાઉસ બની જાય છે અને ધમાલ મચી જાય. મારૃં અને સુનિધિ ચૌહાણનું નોન-ફિલ્મી ગીત 'છૈલા' આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.'  

લગભગ અઢી દશકથી સંગીતની દુનિયા સાથે સંકળાયેલી ગાયિકા શ્રેયા ઘોષાલનો કંઠ જેટલો મધુર છે એટલી જ મીઠી તેની વાણી છે અને એટલું જ ભાવનાત્મક તેનું હૈયું છે. આજની તારીખમાં જાણીતા કલાકારો દેશ- વિદેશમાં પોતાના કાર્યક્રમો યોજીને મબલખ કમાણી કરે છે. આવા કાર્યક્રમોના આયોજન પાછળ પણ પુષ્કળ ખર્ચ થાય છે. સાથે સાથે એટલા જ માનવ કલાકોનો પણ ઉપયોગ થાય છે. સ્વાભાવિક રીતે જ, કોઈપણ કલાકાર અંગત કારણસર પોતાનો શો રદ્દ કરે, પરંતુ અન્ય કોઈ કારણસર પોતાની કમાણી જતી ન જ કરે. પરંતુ શ્રેયા તેમાં અપવાદ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા સમય પહેલાં કોલકત્તામાં ટ્રેની ડૉક્ટર સાથે થયેલા પાશવી કૃત્ય બાદ આ ગાયિકાએ ત્યાં થનારો પોતાનો શો રદ્દ કરી દીધો હતો.

શ્રેયા આ બાબતે કહે છે કે મહિલાઓ સાથે સંકળાયેલી આ અને આવી ઘણી વાતોથી મને દુ:ખ થાય છે. પરંતુ એક કલાકાર તરીકે તેમના માટે કાંઈ કરવા મારી પાસે મર્યાદિત માધ્યમ છે. જોકે હું અત્યંત ઈમોશનલ મહિલા છું. મારી ભાવનાઓને દબાવીને કાંઈ પણ કરવું મને યોગ્ય નથી લાગતું. આવી સ્થિતિમાં જ્યાં એક યુવતી સાથે આવું પાશવી કૃત્ય થયું હોય ત્યાં હું પરફોર્મ કે સેલિબ્રેટ શી રીતે કરી શકું? ગાયિકા વધુમાં કહે છે કે જ્યારે મને એમ લાગે કે મારા કહેવાથી કોઈ બદલાવ આવશે ત્યારે હું અવાજ ઉપાડું છું. પરંતુ દરેક મુદ્દે પોતાનો મત આપવાનું આજની તારીખમાં મુશ્કેલ બની ગયું છે. કેટલીક વખત તમે સારા ઈરાદાથી કોઈ વાત કહી હોય તોય અર્થનો અનર્થ કરીને તમારી વગોવણી કરવામાં આવે છે. પરંતુ તમે સંગીતમાં ડૂબકી લગાવીને બીજું બધું વિસરી જઈ શકો છો.

શ્રેયા ઘોષાલને તેના કંઠે જેટલી લોકપ્રિયતા અપાવી છે એટલી જ ખ્યાતિ ટચૂકડા પડદાએ પણ આપી છે. વાસ્તવમાં તેની કારકિર્દીનો આરંભ ટીવી પર આવતાં રીઆલિટી શોથી જ થયો હતો અને હાલના તબક્કે તે 'ઈન્ડિયન આઈડલ- ૧૫'માં નિર્ણાયકની ભૂમિકા ભજવી રહી છે. 

અલબત્ત અગાઉ પણ તે ઘણાં રીઆલિટી શોમાં જજ રહી ચૂકી છે. શ્રેયા જાત અનુભવે કહે છે કે આ પ્રકારના શોમાં દેશના ખૂણે ખૂણેથી બાળકલાકારો આવે છે. નાના નાના શહેરો કે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં સ્પર્ધકોએ તો આવી દુનિયાની કલ્પના પણ નથી કરી હોતી. વળી આટલી નાની વયના બાળકોમાં દુનિયાદારી ક્યાંથી હોય. પરંતુ સોશ્યલ મીડિયા તેમના માટે હાથવગું હોય છે. તેઓ પોતાની નાની નાની રીલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે ત્યારે તેમને પુષ્કળ લાઈક્સ મળે છે. પરંતુ રીઆલિટી શોના નિર્ણાયકો તેમની ગાયકીમાં ખામી શોધી કાઢે ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે. પરંતુ નાની અમસ્તી રીલ બનાવવાથી તમે સંગીતમાં પારંગત ન થઈ જાઓ. સંગીત એક સાધના છે અને તે પુષ્કળ રિયાઝ માગી લે છે. રીલ રજૂ કરીને તમે ઈન્ફલુઅંસર બની શકો, કલાકાર નહીં. હા, તમે તમારી કળા સાથે તમારું વ્યક્તિત્વ સોશ્યલ મીડિયા પર ચોક્કસ રજૂ કરી શકો.

તાજેતરમાં શ્રેયા અને સુનિધિ ચૌહાણનું સહિયારું ગીત 'છૈલા' રજૂ થયું અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે બે મહિલાઓ એકમેકની ઈર્ષ્યા કરતી હોય છે. જ્યારે સુનિધિ અને શ્રેયાની આ ગીતની  કેમેસ્ટ્રી બંનેમાં રહેલા પાવરને પ્રદર્શિત કરે છે. શ્રેયા કહે છે કે જ્યારે બે શક્તિશાળી મહિલાઓ એક સાથે આવે ત્યારે તે પાવરહાઉસ બની જાય છે અને જ્યારે બે કલાકાર એક સાથે આવે ત્યારે ધમાલ મચી જાય. અમારા ગીતમાં આ  જ  જોવા મળી રહ્યું છે. હું જ્યારે કોઈ ઊંચા ગજાના કલાકારને કે પછી સંપૂર્ણ મહિલાને મળું ત્યારે મોટું સન્માન મેળવ્યું હોવાની અનુભૂતિ કરું છું. અમે ફિલ્મોમાં પણ ઘણાં સહિયારા ગીત ગાયા છે, પરંતુ 'છૈલા' દ્વારા પહેલી વખત ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિકમાં એક સાથે આવ્યાં છીએ. ગાયિકા વધુમાં કહે છે કે આપણા સમાજમાં આજે પણ બે મહિલાઓને સાથે ચાલવાનું કહેવાને બદલે એકમેકની સામે ખડી કરી દેવામાં આવે છે. પરંતુ અમારી વચ્ચે ન તો કોઈ અહમનો ટકરાવ છે કે ન ઘમંડની દિવાલ. અમે બંને સંગીતના ગળાડૂબ પ્રેમમાં છીએ. અમારા સ્વભાવ પણ ઘણાં અંશે મળતાં આવે છે તેથી અમને પરસ્પર સારું બને છે.

આજની તારીખમાં જે રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોઈને મનોરંજન જગત ચિંતામાં પડી ગયું છે. પરંતુ શ્રેયા કહે છે કે બદલાતા સમય સાથે નવી નવી ટેકનોલોજી આવવાની જ. 

આપણે તેને રોકી નહીં શકીએ એ વાત સ્વીકારવી જ રહી. હા, તેનો દુરુપયોગ ન થાય તે જોવાની પણ આપણી ફરજ છે. ગાયિકા ઉમેરે છે કે જ્યાં સુધી સંગીત ક્ષેત્રે એઆઈના જોખમની વાત છે ત્યાં સુધી હું એટલું જ કહીશ કે એઆઈ માનવીના ઈમોશન્સ નથી પકડી શકતું. તેમાં તમારા સ્વરનું ટેક્સચર પકડાઈ શકે, પણ તમારી ભાવનાઓ નહીં. તેથી ગાયકોને તેનાથી ઝાઝું ડરવાની જરૂર નથી.


Google NewsGoogle News