શ્રેયા ઘોષાલ : મારો પુત્ર સંગીતમય વાતાવરણમાં મોટો થઈ રહ્યો છે
- 'મને લાગે છે કે મારો દીકરો દેવયાન એક દિવસ અચાનક જ મારી સામે આવીને કંઈક ગાવા લાગશે, અને તે પણ એકેય ભૂલ કર્યા વિના!'
સુમધુર કંઠની સ્વામીની શ્રેયા ઘોષાલ જેટલી સારી રીતે ગીતો ગાય છે એટલા જ સ્નેહથી પોતાના બે વર્ષના પુત્ર દેવયાનને ઉછેરી રહી છે. તેને એ વાતની ખુશી છે કે દેવયાન પણ તેની જેમ જ સંગીતભર્યા વાતાવરણમાં મોટો થઈ રહ્યો છે.
ગાયિકાની વાત સાંભળીને એવો વિચાર આવવો સહજ છે કે શું શ્રેયા તેના પુત્રને પણ ગાયકી ક્ષેત્રે જ લાવવા માગે છે? આના જવાબમાં શ્રેયા કહે છે કે હું માત્ર ચાર વર્ષની હતી ત્યારથી સંગીતની તાલીમ લેતી થઈ ગઈ હતી. પછીથી મેં પરફોર્મ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ મારો દીકરો હજી ફક્ત બે વર્ષનો બે વર્ષનો છે. જો હું હમણાંથી તેના માટે ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ રાખવા માંડુ તો તે વધારે પડતું ગણાય. હું તેને કાંઈપણ કરવા માટે ક્યારેય દબાણ નહીં કરું.
શ્રેયા વધુમાં કહે છે કે હા, મારો દીકરો પણ મારી જેમ જ સંગીતાચ્છાદિત વાતાવરણમાં ઉછરી રહ્યો છે. હું નાની હતી ત્યારે મારી સંગીતપ્રેમી માતાને વિવિધ પ્રકારના વાદ્યો વગાડતી તેમ જ રિયાઝ કરતી જોતી આવી હતી. સ્વાભાવિક રીતે જ મારા અચેતન મનમાં સંગીતની તાલીમ શરૂ થઈ ગઈ હતી. મને એમ લાગે છે કે દેવયાન પણ એક દિવસ અચાનક જ મારી સમક્ષ આવીને કંઈક ગાવા લાગશે, અને તે પણ એકેય ભૂલ કર્યા વિના. એક માતા તરીકે હું આવા વિચારો કરીને ઉત્સાહમાં આવી જાઉં છું. જો ક્યારેક એવું બનશે તો હું ચોક્કસપણે ગૌરવ અનુભવીશ. અલબત્ત, તે કંઈ નવું કરશે ત્યારે પણ મને બેહદ ખુશી થશે. હું તેને એવું વાતાવરણ આપવા માગું છું કે તે જાતે જ નક્કી કરે કે ભવિષ્યમાં તેને શું કરવું છે. આમ છતાં મને આશા છે કે તે સંગીતકાર બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેયા હમણા રીઆલિટી શો 'ઈન્ડિયન આઈડલ' વિશાલ દદલાણી અને કુમાર સાનુ સાથે નિર્ણાયકની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ તેણે ક્યારેય પોતાના પુત્રની અવગણના કરીને પોતાના કામને પ્રાધાન્ય નથી આપ્યું. તે કહે છે કે હું ભાગ્યશાળી છું કે મારા પરિવાર અને કારકિર્દી વચ્ચે સરસ સંતુલન સાધી શકું છું. વાસ્તવમાં મારા કુટુંબીજનોના સહકારને પગલે એ શક્ય બન્યું છે. હું જ્યારે મારા કામમાં વ્યસ્ત હોઉં ત્યારે દેવયાન તેની નાની પાસે હોય છે. અને બાકીનો સઘળો સમય હું તેની સાથે રહું છું.