Get The App

શ્રદ્ધા કપૂર હા, હા... હું પ્રેમમાં છું!

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
શ્રદ્ધા કપૂર હા, હા... હું પ્રેમમાં છું! 1 - image


- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યા વધારે છે. આજની તારીખે એકલા ઇન્સ્ટાગ્રામ પર જ શ્રદ્ધાના કેટલા ફોલોઅર્સ છે, જાણો છો? ૯૩.૬ મિલિયન!

- શ્રદ્ધા અને રાહુલ મોદી

ચા લો, શ્રદ્ધા કપૂરે આખરે સ્વીકાર્યું ખરું કે એ કોઈની સાથે રિલેશનશિપમાં છે. એણે તાજેતરમાં એક ગ્લોસી મેગેઝિનને મુલાકાત આપી ત્યારે એક સવાલના જવાબમાં કહ્યું, 'મને મારા પાર્ટનર સાથે સમય વીતાવવો ખૂબ ગમે છે. એની સાથે ફિલ્મ જોવા જવું, ડિનર માટે જવું, બહારગામ ફરવા જવું - આ બધું કરવામાં કરવામાં મને ભરપૂર મોજ પડે છે. હું એવી છોકરી છું જેને પોતાના પાર્ટનર સાથે જાતજાતની એક્ટિવિટી કરવી ખૂબ ગમે. અરે, એની સાથે ક્યારેક કશું જ ન કરવામાં પણ આનંદ આવે છે. મારી લાઇફમાં એ હોય તો મને બીજા કોઈની જરૂર જ નથી!'

શ્રદ્ધા સ્વભાવે મીંઢી ખરી. પોતાના પાર્ટનર વિશે આટલી બધી વાતો કરી, પણ એનું નામ ન લીધું તે ન જ લીધું. તો શ્રદ્ધા કપૂર નામની આ 'સ્ત્રી'ના જીવનમાં આવેલો 'પુરુષ' કોણ છે? એ છે, શ્રદ્ધાની 'તૂ જૂઠી મૈં મક્કાર' ફિલ્મનો લેખક, રાહુલ મોદી. આ એક ઓપન સિક્રેટ છે. લગ્ન વિશે શ્રદ્ધા શું માને છે? શું એ વહેલામોડી રાહુલ સાથે લગ્ન કરશે ખરી? શ્રદ્ધા કહે છે, 'સવાલ એ નથી કે હું લગ્ન કરવામાં માનું છું કે નહીં. સાચો સવાલ એ છે કે શું હું મારા જીવનમાં સ્થિરતા અનુભવું છું કે નહીં? જીવનમાં સ્થિરતા તો જ ફીલ થાય જો 'મિસ્ટર રાઇટ' તમારી સાથે હોય. જો બન્ને પાત્રોને લાગે કે તેઓ એકબીજા માટે યોગ્ય વ્યક્તિ છે ને જો તેઓ લગ્ન કરવાનું વિચારે તો... વ્હાય નોટ?'

આજકાલ શ્રદ્ધાની કરીઅર ચડતી કળાએ છે. એની 'સ્ત્રી-ટુ: સરકટે કા આતંક' ફિલ્મ એટલી હદે સફળ થઈ છે કે માત્ર બોલિવુડ જ નહીં, અન્યભાષી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ હલી ગઈ છે. શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર પણ સુપરડુપર હિટ છે. 'સ્ત્રી-ટુ' રિલીઝ થયા બાદ એક જ અઠવાડિયામાં  શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ભારતની ત્રીજા ક્રમાંકની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિ બની ગઈ હતી. અરેે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યા વધારે છે. આજની તારીખે એકલા ઇન્સ્ટાગ્રામ પર જ શ્રદ્ધાના કેટલા ફોલોઅર્સ છે, જાણો છો? ૯૩.૬ મિલિયન!

શ્રદ્ધાના ચાહકોને એની સાદગી અને એની ઓનલાઈન વર્તણૂક ખૂબ પસંદ છે. શ્રદ્ધા પાસે સ્ટારડમ હોવા છતાં એના વર્તન-વ્યવહારમાં ક્યારેય આછકલાઈ, અભિમાન કે ઉગ્રતા પ્રવેશ્યાં નથી. શ્રદ્ધા કહે છે, 'સોશિયલ મીડિયા પર મારા અધધધ ફોલોઅર્સ છે એનું તમામ શ્રેય હું તો મારા ચાહકોને જ આપું છું. તમે માનશો, આટલા બધા ફોલોઅર્સ હોવા છતાં મને મોબાઇલ ફોનનું વળગણ નથી. હું મારૃં સોશિયલ મીડિયા ક્યારેક જ ચેક કરૃં છું!'

આ તો જબરા આશ્ચર્યની વાત થઈ! શ્રદ્ધાના અનેક સમકાલીન સેલિબ્રિટીઓનું સોશિયલ મીડિયા ગ્લેમેરસ પ્રસંગો અને હાઈ-ફેશન સંબંધિત પોસ્ટ્સથી છલકાતું હોય છે. શ્રદ્ધાના સોશિયલ મીડિયા પર માત્ર ગ્લેમર હોતું નથી. એ ક્યારે સાવ સાદું ટીશર્ટ અને નંબરવાળાં ચશ્માં પહેરીને સોફા પર આરામ ફરમાવતી દેખાય, ક્યારેક બિલકુલ નો-મેકઅપ લૂકમાં પોતાના ડોગી સાથે રમતી દેખાય, ક્યારેક એ વડાપાઉં ખાતી હોય તો ક્યારેક ઘરના સભ્યો સાથે તહેવારો ઉજવતી હોય. શ્રદ્ધાના ચાહકોને એની આ સાદગી અને ઘરેલુંપણું જ વધારે પસંદ છે. 

શ્રદ્ધાના જાહેર દેખાવોમાં પણ સાદગી હોય છે. અનેક વાર તે જાહેરમાં કોઈપણ મેકઅપ વિના ફોર્મલ જીન્સ અને ટીશર્ટ યા તો સાદા સલવાર-કમીઝમાં નજરે પડે છે. એને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં કોઈ છોછ નથી. કેટલીય વાર શ્રદ્ધા બિન્દાસ ઓટો રિક્શામાં નીકળી પડે છે.  

વચ્ચે શ્રદ્ધાએ લાલ રંગની લેમ્બોર્ગિની કાર ખરીદી પછી આ નવી ગાડીની પૂજા કરતો તેનો વીડિયો વાયરલ થયો હતો. વાંકદેખાઓએ ટિપ્પણી કરી કે જો જો, શ્રદ્ધા પોતાની સંપત્તિનું પ્રદર્શન કરી રહી છે. તરત શ્રદ્ધાના ચાહકો એનો બચાવ કરવા મેદાનમાં આવી ગયા. એમણે કહ્યું કે કેમ, શ્રદ્ધાને પોતાની ઇચ્છાઓ પૂરી કરવાનો અધિકાર નથી? એ શા માટે પોતાની કમાણીમાંથી મનગમતી કાર ખરીદી ન શકે? સાચ્ચે, ચાહકો સાથેનું શ્રદ્ધાનું જોડાણ જડબેસલાક છે.  

શ્રદ્ધા હવે પછી કઈ ફિલ્મોમાં દેખાશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. અફ કોર્સ, 'સ્ત્રી-થ્રી'માં તો એ હોવાની જ. જોઈએ, શ્રદ્ધાનો કરીઅર ગ્રાફ હવે કઈ દિશામાં આગળ વધે છે.  


Google NewsGoogle News