Get The App

શ્રદ્ધા કપૂરઃ નિષ્ફળતાએ શીખવેલા પાઠ જિંદગીભર યાદ રહી જાય છે

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
શ્રદ્ધા કપૂરઃ નિષ્ફળતાએ શીખવેલા પાઠ જિંદગીભર યાદ રહી જાય છે 1 - image


- શ્રદ્ધાનો પોઝિટિવ અભિગમ તેના કરીઅરના પ્રારંભિક દિવસોના સંઘર્ષમાંથી  પેદા થયો છે. શ્રદ્ધાએ ભૂતકાળમાં અનેકવાર નકારનો અને પીછેહઠનો સામનો કરવો પડયો હતો. રોલ માટે ફાયનલાઇઝ કર્યા પછી છેલ્લી ઘડીએ એને કાઢી નાખવામાં આવી હોય એવું ઘણી વાર બન્યું છે

શ્રદ્ધા કપૂર આજકાલ ઝાલી ઝલાતી નથી. એ સફળતાનો આનંદ માણી રહી છે. એનો ઉત્સાહ વાજબી પણ છે. 'સ્ત્રી-ટુ'એ બોક્સ ઓફિસની તમામ અપેક્ષાઓના સીમાડા તોડી નાખ્યા છે એટલે શ્રદ્ધાને પોતાના સિનેમેટીક પાવર પર નવેસરથી વિશ્વાસ બેઠો છે. 

જોકે આ કંઈ એેની પ્રથમ સફળતા નથી. કરીઅરના પ્રારંભથી જ શ્રદ્ધા સફળતા જોતી આવી છે. એ પોતાની સફળતાનું શ્રેય આ સીધાસાદા મંત્રને આપે છેઃ 'જે પ્રિય હોય તે જ કરવું અને હૃદયની વાત સાંભળવી'. 

'સ્ત્રી' અને 'સ્ત્રી-ટુ'માં આમ જુઓ તો શ્રદ્ધાનો ટાઇટલ રોલ કહેવાય, કેમ કે આ બન્ને ફિલ્મોમાં બીજી કોઈ સ્ત્રી એટલે કે હિરોઈન નથી. 'આઇ એમ લકી!' શ્રદ્ધા કહે છે, 'આટલી સફળ અને મોટી ફ્રેન્ચાઇઝમાં કામ કરવાનો મને મોકો મળ્યો તે બદલ હું મારી જાતને ખુશનસીબ માનું છું...' આટલું કહીને શ્રદ્ધા ઉમેરે છે, 'એકંદરે હિન્દી સિનેમા માટે આ સમયગાળો સરસ રહ્યો છે. ફિલ્મોની સફળતામાં માત્ર એક્ટરોનું નહીં, પણ સૌ કોઈનું યોગદાન છે. મારા માટે જોકે અવોર્ડ કરતાં અંગત સંતોષ વધુ મહત્વનો માને છે. પરિવાર અને નજીકના મિત્રોની પ્રશંસા કોઈ સિદ્ધિથી કમ હોતી નથી.'

'સ્ત્રી-ટુ'ની પહેલાં શ્રદ્ધા, રણબીર કપૂર સાથે 'તૂ જૂઠી મૈં મક્કાર'માં દેખાઈ હતી. કરણ જોહરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી. શ્રદ્ધા-રણબીરની ફ્રેશ જોડી ઓડિયન્સને ગમી ગઈ હતી. શ્રદ્ધાના ચાહકો હવે તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતાની આગામી યોજના વિશે ચૂપકિદી જાળવી રાખવાની શ્રદ્ધાની આદત છે, જેના કારણે રહસ્ય ગૂંચવાયું છે. શ્રદ્ધા કહે છે, 'મને ઉપરાઉપરી ફિલ્મો કરવી પસંદ નથી. ફિલ્મો પસંદ કરવાના મામલામાં હું મારા હૃદયને અનુસરુ છું.'

શ્રદ્ધાનો પોઝિટિવ અભિગમ તેના કરીઅરના પ્રારંભિક દિવસોના સંઘર્ષમાંથી ઉદ્ભવ્યો છે. શ્રદ્ધાએ ભૂતકાળમાં અનેકવાર નકારનો અને પીછેહઠનો સામનો કરવો પડયો હતો. ઘણીવાર રોલ માટે એને ફાયનલાઇઝ કર્યા પછી પણ છેલ્લી ઘડીએ કાઢી નાખવામાં આવી હતી. શ્રદ્ધા કબૂલ કરે છે, 'એ સમયે આ બધું નિરાશાજનક લાગતું હતું, પણ હું માનું છું કે નિષ્ફળતા જેવો ઉત્તમ શિક્ષક બીજો કોઈ નથી. નિષ્ફળતા તમને જે પાઠ પઠાવે છે તે જિંદગીભર ભૂલી શકાતા નથી. આવી નિષ્ફળતાનો સામનો કરીને જ હું આજે આ તબક્કે પહોંચી છું.' 

હાથમાં કોઈ પ્રોજેક્ટ ન હોય ત્યારે પણ શ્રદ્ધા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સંધાન જાળવી રાખે છે. એકલા ઇન્સ્ટાગ્રામ પર એના નવ કરોડ કરતાં વધારે ફોલોઅર્સ છે. બોલિવુડની બીજી કોઈ સેલિબ્રિટી પાસે શ્રદ્ધા જેટલું સોશિયલ મીડિયા ફોલોઇંગ નથી. શ્રદ્ધાની પોસ્ટ નિખાલસ અને પારદર્શક હોય છે. કાયમ બનીઠનીને પડાવેલા ફોટા જ પોસ્ટ કરવામાં શ્રદ્ધા માનતી નથી. કેટલીય સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એણે ઘરનું સાવ સાદું ટીશર્ટ પહેર્યું હોય ને ચહેર પર મેકઅપનું નામોનિશાન ન હોય. શ્રદ્ધાની સાદગી, તેનું સાચુકલાપણું અને સોશિયલ મીડિયા પર એની ધરખમ હાજરીએ વિશ્વભરના ચાહકોના હૃદયમાં તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાને કારણે શ્રદ્ધા લાઈમલાઈટમાં રહે છે. બીજી બાજુ તેના આગામી પ્રોજેક્ટ વિશેની અટકળો વહેતી રહે છે. 'પુષ્પા-ટુ'માં એ અલુ અર્જુન સાથે દેખાશે એવી વાત ઉડી હતી, પણ કહે છે કે ફીના મામલે સહમતી ન સધાતા શ્રદ્ધાએ આ ફિલ્મ ન સ્વીકારી. 'વોર-ટુ' માટે હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે તેમજ 'ધૂમ-ફોર' માટે રણબીર કપૂર સાથે તે જોડી બનાવવાની છે એવી વાતો સંભળાતી રહે છે. શ્રદ્ધા જોકે તમામ ગોસિપથી પોતાની જાતને મુક્ત રાખે છે. 

શ્રદ્ધા માટે સફળતા માત્ર બોક્સ ઓફિસના કલેક્શનથી માપવાની બાબત નથી. એ કહે છે, 'મારા માટે સફળતા પરિવાર અને મિત્રો સાથે શાંતિથી સમય વિતાવવામાં રહેલી છે. તમારા મનપસંદ રસ્તા પર આગળ વધતામાં સફળતાનો આનંદ મળે છે. નિષ્ફળતા એ સફળતા તરફનું પગથિયું જ છે. નિષ્ફળતા તો સફળતાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેના વિના પ્રગતિ શક્ય જ નથી. નિષ્ફળતામાંથી જે બોધપાઠ મળે છે તેનો અંગત જીવન અને કરીઅરના વિકાસ માટે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.' 

બોલિવુડમાં આટલાં વર્ષોના અનુભવ પછી પણ શ્રદ્ધા કબૂલ કરે છે કે અહીં બધું જ અનિશ્ચિત હોય છે. અહીં કોઈ પણ વિશ્વાસપૂર્વક ફિલ્મોની સફળતાની આગાહી કરી શકતું નથી. તમે માત્ર પૂરા દિલથી અને નિષ્ઠાથી કામ કરી શકો છો. ફિલ્મને સફળ બનાવવાનો નિર્ણય દર્શકો પર છોડી દેવામાં જ સમજદારી છે.

શ્રદ્ધાના ચાહકોને આનંદ થાય એવા સમાચાર એ છે કે નિખિલ દ્વિવેદી નામના ડિરેક્ટરે પોતાની આગામી ફિલ્મ 'નાગિન'માં શ્રદ્ધા કામ કરશે તેની પુષ્ટી કરી છે. આ ફિલ્મનું શૂટીંગ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. 'નાગિન' વિશે ઘણા સમયથી ચર્ચા અને અટકળો થઈ રહી હતી. તાજેતરમાં ખુદ નિખિલે સ્પષ્ટતા કરી કે, ''નાગિન' બનાવવાનો નિર્ણય થયો ત્યારથી જ તેમાં શ્રદ્ધાને લેવાનું નક્કી હતું. શ્રદ્ધાને આ બાબતની જાણ કરવામાં આવી ત્યારે તે ખુશીથી ઉછળી પડી હતી.'           

શ્રદ્ધા એવી મીંઢી છે કે એણે પોતે હજુ સુધી જાહેરમાં સ્વીકાર્યું નથી કે પોતે આ ફિલ્મ કરી રહી છે. હા, મેડિટેશનના ફાયદા અને પોતાના વિચારોને ડાયરીમાં લખવાના ફાયદા વિશે શ્રદ્ધા અવારનવાર બોલતી હોય છે. શ્રદ્ધાને પોતાના પાલતુ ડોગી સાથે રમવામાં પણ ખૂબ મોજ પડે છે. શ્રદ્ધા માટે સંતુલિત જીવનનો કોઈ વિકલ્પ નથી.  


Google NewsGoogle News