શ્રદ્ધા કપૂર : બોલિવુડનાં નવાંનક્કોર રાણીસાહેબા

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
શ્રદ્ધા કપૂર : બોલિવુડનાં નવાંનક્કોર રાણીસાહેબા 1 - image


- લોંઠકી 'સ્ત્રી-ટુ'ને કારણે હવે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાના ફેન્સ અને આલિયા ભટ્ટના ફેન્સ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક ગેન્ગ શ્રદ્ધાને બોલિવુડની બિગેસ્ટ હિરોઈન ગણાવે છે, જ્યારે આલિયાની ગેન્ગ કહે છે: જાવ જાવ હવે, ક્યાં આલિયા ને ક્યાં શ્રદ્ધા.

તો શું શ્રદ્ધા કપૂર બોલિવુડની લેટેસ્ટ નંબર વન એક્ટ્રેસ બની ગઈ છે? વેલ, શ્રદ્ધા કપૂરના ચાહકો તો જોરશોરથી આ જ વાત કહી રહ્યા છે. 'સ્ત્રી-ટુ' ફિલ્મે એવી ધમાલ મચાવી છે કે ન પૂછો વાત. આ લોંઠકી ફિલ્મ દર અઠવાડિયે નવા નવા રકોર્ડ બનાવી રહી છે. 'સ્ત્રી-ટુ'માં બહુ બધા કલાકારો છે, પણ ઓડિયન્સને ખતરનાક ચોટલાધારી શ્રદ્ધા વિશેષપણે ગમી ગઈ છે. જો માત્ર બોક્સઓફિસની સફળતાને જ માપદંડ ગણીએ તો યેસ, શ્રદ્ધા કપૂર આજની તારીખે બોલિવુડની નંબર વન હિરોઈન છે.

લોંઠકી 'સ્ત્રી-ટુ'ને કારણે હવે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાના ફેન્સ અને આલિયા ભટ્ટના ફેન્સ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક ગેન્ગ  શ્રદ્ધાને બોલિવુડની બિગેસ્ટ હિરોઈન ગણાવે છે, જ્યારે આલિયાની ગેન્ગ કહે છે: જાવ જાવ હવે, ક્યાં આલિયા ને ક્યાં શ્રદ્ધા. આમ એકાદ ફિલ્મ સુપરહિટ થઈ જાય કે જેમાં શ્રદ્ધા જેટલું જ અથવા એના કરતાંય વધારે મહત્ત્વ બીજાં પાત્રોને મળ્યું હોય તો એમાં આટલી ઉછળકૂદ કરવાની શી જરૂર છે? બીજા કોઈએ લખ્યું: 'શ્રદ્ધાએ અઢી કલાકની 'સ્ત્રી-ટુ' કરી, પણ 'જિગરા'ના અઢી મિનિટના ટ્રેલરથી આલિયા એને કાચેકાચી ખાઈ ગઈ છે!' 

આલિયાની બ્રાન્ડન્યુ ફિલ્મ 'જિગરા' આવતા મહિને રિલીઝ થવાની છે. ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ વાસન બાલાએ ડિરેક્ટ કરી છે, જેમાં આલિયા પોતાના ભાઈને બચાવવા માટે હેરતઅંગેજ કારનામા કરે છે. 'જિગરા'નું ટીઝર જોઈને સૌ નવેસરથી આલિયાથી પ્રભાવિત થઈ ગયા છે. ચાહકો ભલે આપસમાં લડયા કરે, બાકી શ્રદ્ધા અને આલિયા વચ્ચે તો મીઠા સંબંધો જ છે. જેમ કે, 'જિગરા'નું ટીઝર જોઈને શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી કે, 'કમાલ લડકી હૈ આલિયા ભટ્ટ... ક્યા અમેઝિંગ ટ્રેલર હૈ, વાસન બાલા... યે તો થિયેટર મેં ભાઈ કે સાથ દેખના હૈ.'

ચાલો, હિરોઈનોના મનમાં જે હોય તે, પણ કમસે કમ જાહેરમાં તેઓ એકબીજા માટે કડવા વેણ ઉચ્ચારતી નથી, બલકે પ્રશંસાના પુષ્પો વેરે છે તે સારું જ છે. ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાના ભલે અધધધ ૯૩ મિલિયન ફોલોઅર્સ હોય, પણ સ્વભાવગત રીતે શ્રદ્ધા એક લૉ-પ્રાફાઇલ હિરોઈન છે. શ્રદ્ધાએ મોટી કન્ટ્રોવર્સી પેદા કરી નાખી છે એવું તમે ક્યારેય સાભળ્યું નહીં હોય. શ્રદ્ધાની પર્સનલ લાઇફ વિશે પણ ખાસ ઢોલનગારાં વાગતાં નથી.  શ્રદ્ધા માટે તો એ ભલી ને એનું કામ ભલું. એ ફિલ્મો પણ પ્રમાણમાં ઓછી કરે છે. છેલ્લાં સાડાત્રણ વર્ષમાં એની બે જ ફિલ્મો આવી છે -  'તૂ જુઠી મૈં મક્કાર' (૨૦૨૩) અને હવે 'સ્ત્રી-ટુ'. 'તૂ જૂઠી...'માં રણબીર અને શ્રદ્ધાની જોડી એટલી સુંદર લાગે છે કે સૌના મનમાં આ એક જ પ્રશ્ન હતો: આટલાં વર્ષોમાં અગાઉ કોઈએ આ બન્નેને એક સાથે કાસ્ટ કેમ નહોતા કર્યાં? આની પહેલાં છેક ૨૦૨૦માં શ્રદ્ધાની બે ફિલ્મો આવી હતી - 'સ્ટ્રીટ ડાન્સર થ્રી-ડી' અને 'બાગી-થ્રી'. મજા જુઓ કે શ્રદ્ધાએ અગાઉ 'એબીસીડી-ટુ' જેવી હિટ ફિલ્મ કરી હોવા છતાં તેની સિક્વલ 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી'ની હિરોઈન તરીકે મૂળ કેટરીના કૈફને લેવામાં આવી હતી. શ્રદ્ધાને સ્વાભાવિક રીતે જ બહુ માઠું લાગી ગયું હતું. આ તો કેટરીનાએ સલમાન ખાનની 'ભારત' ફિલ્મ કરવા માટે 'સ્ટ્રીટ ડાન્સર થ્રીડી' છોડી દીધી એટલે સાવ છેલ્લે ઘડીએ શ્રદ્ધાને સાઇન કરવામાં આવી હતી. 

શ્રદ્ધાની કરીઅર આલિયા જેટલી પ્રભાવશાળી રહી નથી તે હકીકત છે. કહે છે કે યશરાજ બેનર શ્રદ્ધાને ધમાકદાર રીતે પેશ કરવા માગતું હતું, એની સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ થઈ ગયો હતો ને એકાદ ફિલ્મ શરૂ થવાની તજવીજ પણ થવા માંડી હતી, પણ શ્રદ્ધાએ છેલ્લી ઘડીએ યશરાજ સાથે છેડો ફાડીને મહેશ ભટ્ટના બેનરની 'આશિકી-ટુ' સાઇન કરી નાખી. આ ફિલ્મ તો સુપરહિટ થઈ જ, પણ યશરાજ સાથે શ્રદ્ધાના સંબંધો હંમેશ માટે ખરાબ થઈ ગયા. 

ખેર, એ જે હોય તે, આજની તારીખે શ્રદ્ધાનો સિતારો બુલંદ છે. એ હવે પછી કયાં અને કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર છે...  


Google NewsGoogle News