શૉ હોસ્ટિંગનો આદિ બની ગયેલો એક્ટર
- 'ઇન્ડિયન આઇડલ'ને સફળ કરવાની કોઈ ફિકસ્ડ ફોર્મ્યુલા નથી. દરેક એપિસોડમાં હજુ વધુ સારું કરવાનો સ્કોપ રહે છે એટલે અમે દરેક વ્યક્તિનાં સૂચનો પર વિચાર કરીએ છીએ.'
બો લીવૂડના બહુ ઓછા સ્ટાર સંતાનો પોતાના ડેડીની છત્રછાયામાંથી બહાર આવી પોતાની એક નોખી ઓળખ બનાવી શક્યા છે. ટોચના પ્લેબેક સિંગર ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય આવો જ એક વીરલો છે. આદિત્ય નારાયણ એક એક્ટર છે. પ્લેબેક સિંગર છે અને ટીવી શૉનો હોસ્ટ પણ છે. હમણાં એણે રિયાલિટી ટીવી શૉ 'ઇન્ડિયન આઇડલ'ની ૧૩મી સિઝન નિમિત્તે પત્રકારો સાથે સંવાદ રાખ્યો હતો.
આદિત્ય નારાયણને મીડિયામાંથી પહેલો સવાલ એવો થયો કે 'શું તમને લાગે છે કે રિયાલિટી શૉઝ ગુમનામ કલાકારોની પ્રતિભાને ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે?' એના જવાબમાં હોસ્ટ મહાશય કહે છે, 'ભારતમાં એટલા વિપુલ પ્રમાણમાં પ્રતિભા વિખેરાયેલી પડી છે કે ગમે એટલા રિયાલિટી શૉઝ પણ ટેલેન્ટની ક્વોલિટી અને ક્વોન્ટિટી બહાર લાવવા માટે પુરતા નથી. 'ઇન્ડિયન આઇડલ' કલાકારો માટે મુખ્યત્વે મ્યુઝિક રિયાલિટી શૉ બની ગયો છે એટલે આર્ટિસ્ટોને એમની બેસ્ટ ટેલેન્ટ બતાવવા પ્રેરી દર્શકોનું મનોરંજન કરવાની અમારી જવાબદારી બની જાય છે.'
બીજો પ્રશ્ન થોડો અણિયાળો લાગે એવો છે, 'આદિ, શું તું શૉ માટે ઇનપુટ્સ કે સજેશન્સ આપે છે ખરો?' એના જવાબમાં નારાયણ જુનિયર સીધો મુદ્દા પર આવી જતા કહે છે, 'સર, અમે પહેલેથી શૉ માટે એકદમ ખુલ્લો અભિગમ રાખ્યો છે. હું અને મારી આખી ટીમ એક વાત ગાંઠે બાંધીને ચાલીએ છીએ કે એકની એક વસ્તુ પાછી લાવવાથી શૉ સફળ નહિ થાય એટલે અમે દરેક સિઝનમાં કંઈક જુદું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કદાચ એટલા માટે કે સફળ શૉ કઈ રીતે બનાવવો એની અમને ખબર નથી. એની કોઈ ફિકસ્ડ ફોર્મ્યુલા પણ નથી. દરેક શૉના દરેક એપિસોડમાં હજુ વધુ સારું કરવાનો સ્કોપ રહે છે એટલે અમે દરેક વ્યક્તિના સૂચનો પર વિચાર કરીએ છીએ. કોન્ટેસ્ટન્ટ્સ (સ્પર્ધકો)ને કઈ રીતે કમ્ફર્ટેબલ રાખવા એનો વિચાર પણ સતત ચાલુ જ હોય. કોન્ટેસ્ટ કમ્ફર્ટેબલ હોય તો જ શૉમાં નિખાર આવે.'
પત્રકારો થોડી વધુ ખણખોદ કરવા આદિત્યના થોડા વખાણ કરી પૂછી લે છે, 'તું શૉમાં હોસ્ટ તરીકે જે બોલે છે એ એકદમ નેચરલ અને સ્વયંસ્ફુરિત લાગે છે. તારા માટે કોઈ સ્ક્રિપ્ટ નથી લખાતી?' પ્રશંસા સાંભળી આદિનો ચહેરો ખીલી ઉઠે છે, 'હા, સ્ક્રિપ્ટ તો હોય જ છે, પણ એમાં એક સારી વાત એ છે કે શરૂઆતથી લઈ આજ સુધી અમારી આખી ટીમે સાથે મળીને કામ કર્યું છે. અમને બધાને એવું બ્રહ્મજ્ઞાાન લાદી ગયું છે કે 'ઇન્ડિયન આઇડલ' જેવો શૉ બનાવવા માટેની સૌથી પહેલી પૂર્વશરત એ છે કે તમે દરેક પળને જીવંત બનાવો. બાકી તો, અમે સેટ પેટર્ન પર જ ચાલીએ છીએ. શૉની શરૂઆત, એનો મધ્ય ભાગ અને એની પુર્ણાહુતિ બધું નક્કી જ હોય છે, પણ અમે શૉને નદીના વહેણની જેમ મુક્તપણે ચાલવા દઈએ છીએ. દરેક સિઝનમાં નવા કોન્ટેસ્ટન્ટ પોતાની નવી સ્ટાઈલ સાથે આવે છે. હું એમની સાથે બહુ સહજ રીતે બોલું છું અને એમાંથી કેટલીક બહુ મજાની વાતો બહાર આવે છે.'
પછી એક ઔપચારિક પૃચ્છા, 'આટલા વરસોનો તારો શૉ હોસ્ટ કરવાનો અનુભવ કેવો રહ્યો ?' આદિત્ય એકદમ સ્વાભાવિક ઉત્તર આપતા કહે છે, 'સર, એટલું કહી શકું કે આટલા વરસોમાં હું હોસ્ટ તરીકે વધુ કમ્ફર્ટેબલ થયો છું. મેં શરૂઆત કરી ત્યારે મને મારી જાતને યાદ દેવડાવવું પડતું હતું કે ક્યાં સ્મિત વેરવાનું છે અને ક્યાં ઉત્તેજના બતાવવાની છે, પરંતુ હવે અમારા દર્શકો અને ફેન્સ રિયલ આદિત્યને જોવા માગે છે. જે દિવસે મેં એ સમજી લીધું ત્યારથી શૉમાં હોસ્ટને બદલે આદિત્ય જ બની રહેવાનું વધુ ગમવા લાગ્યું એટલે જ હું સેટ પર જાઉં છું ત્યારે હું જેવો છું એવો જ બની રહેવાનો પ્રયાસ કરું છું.'
આદિત્ય નારાયણ હવે એક પુત્રીનો પિતા બન્યો છે એટલે સમાપનરૂપે છેલ્લે એને પૂછાયું કે તારે મન પિતૃત્વ એટલે શું? પપ્પાજીનો જવાબ કંઈક આવો છે, 'મને એટલું સમજાયું છે કે બાળકના જન્મ પછી તમે એની સાથે રહો અને બને એટલો વધુ સમય વીતાવો એ સૌથી મહત્ત્વનું છે. મારી દીકરી માટે હું આવું જ કરવા પ્રયાસ કરું છું. હું એની દરેક બાળલીલા જોઉં છું અને માણું છું. આપણને એવો ભ્રમ હોય કે સંતાન માટે કંઈક મોટું કરીએ, પણ સાચું પૂછો તો સીધીસાદી બાબતો જ મહત્ત્વની છે. બાળક તમારી હાજરીથી, તમારી હુંફમાં વધુ ખુશ રહે છે.'