શિવાંગી જોશી : મને મારા જેવું જ પાત્ર મળ્યું
- 'દૈનિક ધારાવાહિક કરતી વખતે તમને રોજેરોજ કાંઈક શીખવા મળે છે, તમારે કેમેરા સામે રોજ નવી નવી લાગણીઓ ે વ્યક્ત કરવાની હોય છે.'
શિ વાંગી જોશીએ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં 'નાયરા'ની ભૂમિકા ભજવીને અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરી. આ ખૂબસુરત, ચુલબુલી અદાકારા હમણાં 'બરસાતેં-મૌસમ પ્યાર કા'માં કુશલ ટંડન સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.
શિવાંગી કહે છે કે આ શોમાં હું 'આરાધના'ની ભૂમિકા ભજવી રહી છું. આ એક લવ સ્ટોરી છે અને હમણાં પ્રેમ-રોમાંસની મોસમ ગણાતી વર્ષાઋતુ ચાલી રહી છે. અદાકારા પોતાના પાત્ર માટે કહે છે કે 'આરાધના' પોતાના કામ માટે જુસ્સો-લગન ધરાવતી, સાચુકલી, મક્કમ મનોબળ ધરાવતી યુવતી છે. બિલકુલ મારી જેમ. હું પણ મૂળભૂત રીતે 'આરાધના' જેવી જ છું. હું જે કરું તે સમજીવિચારીને કરું છું. રોલની પસંદગી કરતી વખતે હું એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે મારું પાત્ર તાત્કાલિક દર્શકો સાથે સંકળાઈ જાય.
અદાકારાને એ વાતની ખુશી છે કે મારા પરિવારની જેમ દર્શકો પણ હમેશાંથી મારી સાથે રહ્યાં છે. તે વધુમાં કહે છે કે આ તો હજી આરંભ માત્ર છે. મારે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. અત્યાર સુધી હું ઘણું શીખી છું. આમ છતાં ઘણું શીખવાનું બાકી છે. દૈનિક ધારાવાહિક કરતી વખતે તમને રોજેરોજ કાંઈક શીખવા મળે છે, તમારે રોજ નવી નવી ભાવનાઓ વ્યક્ત કરવાની હોય છે. હું ખુશનસીબ છું કે મને અત્યાર સુધી સરસ સર્જકો સાથે કામ કરવા મળ્યું છે.શિવાંગીને કુશલ ટંડન સાથે કામ કરવાનું ફાવી ગયું છે. તે કહે છે કે અમારા સ્વભાવ ઘણાં મળતાં આવે છે. અમે પરસ્પર કોઈ દંભ નથી કરતાં. અમારાં દ્રશ્યોનું યોગ્ય રીહર્સલ કરીને કેમેરા સામે જઈએ છીએ જેથી અમારા કામમાં કોઈ ક્ષતિ ન રહે. અભિનેત્રી વધુમાં કહે છે કે હું મારું કામ સ્વયંસ્ફૂરણાથી કરું છું. મેં 'યે રિશ્તા ક્યા કહલાા હૈ'માં છ વર્ષ સુધી કામ કર્યું હતું. અને એ છ વર્ષ ક્યાં વિતી ગયા તેની ખબર પણ ન પડી. હું ઇચ્છું છું કે આ શો પણ એવી જ સફળતાથી આગળ વધતો રહે.
દરેક કલાકારને પોતાની કારકિર્દીમાં ચોક્કસ પાત્ર ભજવવાની આકાંક્ષા હોય. શિવાંગી પણ તેમાંથી બાકાત નથી. તે કહે છે કે મને એક્શન દ્રશ્યો ભજવવાની તમન્ના છે. હું જ્યારે કોઈ અભિનેત્રીને પડદા પર એક્શન સીન કરતી જોઉઁ છું ત્યારે મને પણ એવાં જ દ્રશ્યો આપવાની ઇચ્છા થાય છે.
વાસ્તવમાં શિવાંગીને હવે ફિલ્મો કરવી હતી, પરંતુ આ શો ઑફર થતાં જ તેણે તેમાં કામ કરવાની તક ઝડપી લીધી. અભિનેત્રી કહે છે કે આ શો બાલાજીનો છે. અને એકતા કપૂર સાથે કામ કરવાની તક કોણ છોડે? હું તો એકતાની પોતાના કામ પ્રત્યેની લગનથી જ અભિભૂત થઈ જાઉં છું. તે પોતાના કામમાં એટલી રત રહે છે કે તેને બધા કલાકારોના સંવાદો મોઢે હોય છે. તે પટકથા હાથમાં લીધા વિના સ્ટોરી વર્ણવી શકે છે. આવા સર્જક સાથે કામ કરવાની ના પાડવાનો પ્રશ્ન જ ક્યાંથી આવે?