શિલ્પા: રિલેવન્ટ રહેવાની કળા .
- 'મારી ઇમેજ એક ગ્લેમરસ હિરોઈનની છે, જેને ડાન્સ કરતાં સરસ આવડે છે... પણ મેં 'અ લાઇફ ઇન અ મેટ્રો' અને 'ફિર મિલેંગે' જેવી ગંભીર ફિલ્મો પણ કરી જ છે.'
શિ લ્પા બોલિવુડની એક વિશિષ્ટ અભિનેત્રી તો ખરી જ. શાહરુખ ખાન સાથે 'બાઝીગર'થી કરીઅરની શરુઆત કરી હોય તોય થોડાં વર્ષો પછી હિરોઈન તરીકેની તેની કરીઅર લગભગ અટકી ગઈ હતી. તે જ અરસામાં, ૨૦૦૭માં, એને ઇંગ્લેન્ડના રિયાલિટી શો 'બિગ બ્રધર'માં ભાગ લેવાની ઓફર મળી. (આ શો પરથી જ આપણો 'બિગ બોસ' શો બન્યો છે.) આ પ્રકારના શોમાં ઝઘડા-ઝઘડી કેન્દ્રમાં હોય છે. આવા જ કોઈ વિખવાદ વખતે જેડ ગુડી નામની એક કો-કોન્ટેસ્ટન્ટે શિલ્પા વિરુદ્ધ રેસિસ્ટ (રંગભેદી) કમેન્ટ કરી નાખી. જોરદાર હોબાળો મચી ગયો. એટલી હદે કે આ આખી વાત ઇન્ટરનેશનલ મિડીયામાં સખત ઊછળ્યો. શિલ્પા માટે સહાનુભૂતિનો સાગર ઉછળી ગયો. એ 'બિગ બ્રધર'ની તે સિઝન જીતી ગઈ. ફિર ક્યા થા. એની બોલિવુડની કરીઅરને પણ એકાએક જીવતદાન મળી ગયું. એણે ખુદને રી-ઇન્વેન્ટ કરી, ઇન્ડિયન ટેલિવિઝન પર જુદા જુદા શોઝની જજ તરીકે વિખ્યાત બની. સાચ્ચે, શિલ્પાની આ આખી સેકન્ડ ઇનિંગ્ઝ પેલી માથાભારે જેડ ગુડીને આભારી છે. શિલ્પાએ એને વખતોવખત થેન્ક્યુ કહેતા રહેવું જોઈએ!
પતિદેવ રાજ કુન્દ્રા વચ્ચે પોર્નોગ્રાફીના શરમજનક વિવાદમાં ફસાઈ ગયા હતા ત્યારે શિલ્પા માટે કોઈની સાથે આંખોમાં આંખ મિલાવવાનું ભારે પડી ગયું હતું. તે વખતે એ એક ડાન્સ રિયોલિટી શો જજ કરી કરી હતી. વિવાદ બોમ્બની જેમ ફૂટયો ત્યારે શિલ્પા ફક્ત એક જ અઠવાડિયું શોમાંથી ગેરહાજર રહી હતી. બીજા જ અઠવાડિયે એ શોમાં પાછી ફરી, પૂરેપૂરી સ્વસ્થતાથી શૂટિંગ કર્યું ને પોતાની ગરિમા જાળવી રાખી. પતિદેવે જે કર્યું એ કર્યું, એમાં શિલ્પાની કશી સંડોવણી પણ નહોતી, વાંક નહોતો, કદાચ એને રાજના કાળા કારનામાની ખબર પણ નહોતી. પોર્નોગ્રાફી કાંડને કારણે પતિ-પત્નીના સંબંધમાં શું પરિવર્તન આવી ગયું હશે તે આપણે જાણતા નથી.
આ કાંડની અસર શિલ્પાનાં બાળકો પર પણ ચોક્કસપણે પડી જ હોય. શિલ્પા એક વર્કિંગ મધર છે, પ્રોફેશનલ હોવાની સાથે સાથે હોમ-મેકર પણ છે. કદાચ એટલે જ 'સુખી' ફિલ્મની સ્ક્રિપ્ટમાં એને રસ પડયો હશે. સોનલ જોશીએ ડિરેક્ટ કરેલી આ તાજી ફિલ્મમાં શિલ્પા એક મધ્યમવર્ગીય ગૃહિણી બની છે. કુશા કપિલા એની સખીનો રોલ કરે છે.
શિલ્પાને પોતાની માતાની શીખામણ યાદ આવે છે. શિલ્પા પોતાનું સમગ્ર ધ્યાન કરીઅર પર કેન્દ્રિત કરવા માગતી હતી, પણ મમ્મીની ઈચ્છા હતી કે એ સાથે સાથે એક આદર્શ હોમ મેકર પણ બને. સામાન્યપણે ઘર ચલાવવાની જવાબદારીઓ ગૃહિણીઓ પર જ નાખવામાં આવતી હોય છે. પુરુષો કમાવા સિવાયની બહુ ઓછી જવાબદારીઓ ઉપાડતા હોય છે.
પોતાની ફિલ્મી સફર પર નજર નાખતા શિલ્પા કહે છે, 'આજે ઘણાં પરિવર્તન આવી ચુક્યાં છે. મારા જેવી ૯૦ના દાયકાની અભિનેત્રીઓએ સતત આવાં પરિવર્તનો જોયા છે. મેં તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. મારી ઇમેજ એક ગ્લેમરસ હિરોઈનની હતી, જેને સરસ ડાન્સ કરતાં આવડે છે... પણ મેં 'અ લાઇફ ઇન અ મેટ્રો' અને 'ફિર મિલેંગે' જેવી ગંભીર ફિલ્મો પણ કરી જ છે.'
જોકે દર્શકના મનમગજમાં કાયમ માટે અંકિત થઈ જાય તેવી યાદગાર ફિલ્મ કરવાનું શિલ્પા માટે હજુ બાકી જ છે.