Get The App

શિલ્પા શિંદેને વિવાદો વિના ચાલતું નથી....

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
શિલ્પા શિંદેને  વિવાદો વિના ચાલતું નથી.... 1 - image


- 'હું જાણી જોઈને વિવાદો કરતી નથી. સાચું બધાને કડવું લાગે છે... અને હું જે સાચું બોલું છું તે વિવાદાસ્પદ બની જાય છે. લોકોને મારી ઇર્ષ્યા આવે છે, તેઓ મને સાંખી શકતા નથી.'

છે લ્લે 'મેડમ સર'માં જોવા મળેલી ટચૂકડા પડદાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદેનો રોલ આ શોમાંથી અચાનક જ કાપી નાખવામાં આવ્યો હતો. અલબત્ત તેમાં કોઈને આશ્ચર્ય નહોતું થયું. આવું અગાઉ પણ બન્યું હતું. જોકે 'મેડમ સર'માં તેનો કેમિયો હતો તોય તેની ભૂમિકા પર કાતર ફેરવી દેવાઈ એ આશ્ચર્યની વાત હતી. અને હવે આ અદાકારા 'ફીઅર ફેક્ટર : ખતરોં કે ખિલાડી'માં ભાગ લઈ રહી છે.

શિલ્પાના બે શો વચ્ચે લાંબો ગાળો હોવાને પગલે લોકો ગુસપુસ કરતાં રહે છે કે તે સારી અભિનેત્રી હોવા છતાં શું વારંવાર વિવાદોમાં સપડાવાને કારણે તેને કામ નથી મળતું? જોકે શિલ્પા કહે છે કે હું જે ઑફર મળે તે સ્વીકારી નથી લેતી. જ્યાં સુધી મને મનગમતું કામ ન મળે ત્યાં સુધી હું તે હાથ નથી ધરતી. મોટાભાગના લોકો એમ માને છે કે જો તમે પડદા પર ન દેખાઓ તો લોકો તમને વિસરી જાય. પરંતુ હું નસીબદાર છું કે દર્શકો મને વિસર્યાં નથી. કદાચ આ કારણે જ હું કોઈપણ કામ સ્વીકારી લેવા અધીરી નથી થતી. અભિનેત્રી વધુમાં કહે છે કે મારા મતે સારું કામ મેળવવા ધીરજ ધરવી પડે. ઉતાવળે આંબા ન પાકે. કોઈપણ ઑફર સ્વીકારવા જતાં તમારી કિંમત ન રહે. અને હું મારું મૂલ્ય ઘટાડવા નથી ઇચ્છતી.

શિલ્પા ભલે ડાહી ડાહી વાતો કરે. પરંતુ એ હકીકત સામે આંખમીંચામણા ન થઈ શકે કે તે જે શોમાં કામ કરતી હોય ત્યાં વિવાદ ઊભા કરે છે. ચાહે તે 'ભાભીજી ઘર પર હૈ' હોય કે પછી રીઆલિટી શો 'ઝલક દિખલા જા'. વર્ષ ૨૦૨૨માં શિલ્પાએ 'ઝલક દિખલા જા'માં ભાગ લીધો હતો ત્યારે તેણે આ રીઆલિટી શોના નિર્ણાયકો સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને ટિપ્પણી કરવાથી પહેલા વિચાર કરવો જોઈએ. તેવી જ રીતે 'મેડમ સર'માં આ સીરિયલની મુખ્ય અભિનેત્રી ગુલ્કી જોશી સાથે તેને ખટરાગ થયો હતો.

જોકે શિલ્પા કહે છે કે હું હાથે કરીને વિવાદ ઊભા નથી કરતી. પરંતુ વિવાદ પેદા થઈ જાય છે. હકીકતમાં સાચું બધાને કડવું લાગે છે. અને હું જે સાચું બોલું તે વિવાદાસ્પદ બની જાય છે. મને લાગે છે કે લોકોને મારી ઇર્ષ્યા આવે છે, તેઓ મને સાંખી શકતા નથી. તે 'ઝલક...' વખતે થયેલા વિવાદ વિશે કહે છે કે તે વખતે પણ મેં એ જ કહ્યું હતું જે મને ખરૃં લાગ્યું હતું. મારા તરફથી એ સામાન્ય સંદેશો હતો. આમ છતાં લોકોને તે આકરું લાગ્યું. લોકો મારા વિશે કાંઈપણ ધારી લે છે. તેઓ મને સમજવાનો પ્રયાસ નથી કરતાં.

કહેવાની જરૂર નથી કે 'ભાભીજી ઘર પર હૈં'ના 'અંગૂરી ભાભી'ના પાત્રએ શિલ્પાને બેહિસાબ લોકપ્રિયતા અપાવી હતી. આ રોલ તેની કારકિર્દીમાં સીમાચિહ્ન સમાન બની રહ્યું હતું. આમ છતાં વર્ષ ૨૦૧૬માં તેને અચાનક આ શોમાંથી કાઢી નાખવામાં આવતાં દર્શકોને આંચકો લાગ્યો હતો. 

જોકે શિલ્પાને આ શો ગુમાવવાનો કોઈ રંજ નથી. તે કહે છે કે મારા હાથમાંથી આ શો જતો રહ્યો તેનું મને કોઈ દુ:ખ નથી. મેં આ વાતને સકારાત્મક રીતે લીધી છે. જો હું હજી પણ આ ભૂમિકા ભજવતી હોત તો મને બીજું કાંઈ કરવાની તક ન મળત. ટીવી પર જ્યારે તમારું કોઈ કિરદાર અત્યંત લોકપ્રિય બની જાય ત્યારે તમે તેમાં જકડાઈને રહી જાઓ. અને કેટલાંક પાત્રો એવાં હોય છે જેને ફરીથી પેદા ન કરી શકાય.

શિલ્પા ભલે પોતાને સાચાબોલી કહેતી હોય. પણ દર વખતે તે વિવાદો ઊભા કર્યા વિના નથી રહેતી એ હકીકત નકારી શકાય તેમ નથી. હવે 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી'માં તેનો કોઈક વિવાદ કોઈને માટે ખતરો બને છે કે કેમ તે જોવું રહ્યું.  


Google NewsGoogle News