તમારું એનર્જી લેવલ ડાઉન રહેતું હોય તો તમારો મંગળ નબળો જ હશે
- ગ્રહ ગતિ-દેવજ્ઞ
- મંગળ એટલે બેઝિકલી શું? મંગળ એટલે આપણા શરીરમાં દોડતું લોહી, મંગળ એટલે ઉત્સાહ, મંગળ એટલે ઊર્જા
મં ગળ. નામ પરથી જ ગુણ ખબર પડે છે. મંગળ ગ્રહથી લોકો બહુ ડરે છે, અધુરી જાણકારીના પ્રતાપે. લોકોના મનમાં મંગળની જે છાપ છે તેના કરતા બિલકુલ વિપરીત તેની કામગીરી છે. મંગળ અનિષ્ટકારક નથી, માંગલ્ય કારક છે. મંગળ એટલે બેઝિકલી શું? મંગળ એટલે આપણા શરીરમાં દોડતું લોહી, મંગળ એટલે ઉત્સાહ, મંગળ એટલે ઊર્જા.
નાના છોકરા ઉછળકૂદ કરતા હોય તો વડીલો કહેશે કે લોહી ચટકા ભરે છે. લોહી ચટકા ભરે છે-નો જ્યોતિષીય અર્થ એ થયો કે મંગળ સારો છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને સેનાપતિની ઉપાધિ આપવામાં આવી છે. મંગળને ભૂમિપુત્ર પણ કહેવામાં આવે છે. મતલબ તે જમીન-માકાન, દુકાન જેવી સ્થાવર મિલકતોનો પણ કારક છે. તે શૌર્ય, ક્રોધ, શત્રુ, યુદ્ધ, સેના, પોલીસ, પ્રશાસન, વીજળી, આગ, ઘાવ, દુર્ઘટના, અસ્ત્ર-શસ્ત્ર, શારીરિક અને માનસિક શક્તિ, નિરંકુશતા, પરાક્રમ, નાનો ભાઈ, ચોરી, માંસાહાર, મૂત્રરોગ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે.
તમને હાઇ બ્લડ પ્રેશર હોય તો તમારો મંગળ ખરાબ છે. તમને ચામડીમાં ખંજવાળ આવતી હોય તો તમારો મંગળ ખરાબ છે. તમે બોલવામાં તોછડા છો તો તમારો મંગળ ખરાબ છે. તમે ક્રોધી છો તો તમારો મંગળ ખરાબ છે. તમારો નાનો ભાઈ દુ:ખી છે તેનો અર્થ એ થયો કે તમારો મંગળ ખરાબ છે. તમને કોઈ વાતનો ઉત્સાહ નથી તો તમારો મંગળ ખરાબ છે. જો તમને આળસ આવતી હોય તો તમારો મંગળ ખરાબ છે. તમારાથી શ્રમ નથી થતો તો તમારો મંગળ ખરાબ છે. શત્રુઓ તમારા પર ભારે પડે છે તો તમારો મંગળ ખરાબ છે.
તમે પ્રોપર્ટી લાઇનમાં સક્સેસફૂલ છો તો તમારો મંગળ સારો છે, તમે પોલીસ કે સેનામાં છો તો તમારો મંગળ સારો છે. તમે શિસ્તબદ્ધ છો તો તમારો મંગળ સારો છે. તમે સારા ઇવેન્ટ મેનેજર છો તો તમારો મંગળ સારો છે. તમારું શરીર મસ્ક્યુલર છે તો તમારો મંગળ સારો છે. તમે ખાણીપીણીની લાઇનમાં સફળ છો તો પણ તમારો મંગળ સારો છે. નાના ભાઈ તરફથી તમને ખૂબ સુખ મળે છે તો તમારો મંગળ સારો છે. તમે એક સફળ એન્જિનિયર છો તો પણ તમારો મંગળ સારો છે. તમે સ્પોર્ટ્સમાં આગળ છો તો તમારો મંગળ ખૂબ સારો છે. તમારી પાસે અનેક મિલકત છે તો તમારો મંગળ સારો છે. તમે વર્ષોથી ભાડાંના મકાનમાં રહો છો તો તમારો મંગળ પીડિત છે.
આજ કાલ મંગળ સંબંધિત એક સમસ્યા ખૂબ જોવા મળે છે. તે છે દેવું. આજે મોટી સંખ્યામાં લોકો કરજામાં ડૂબેલા જોવા મળે છે. તેનું કારણ મંગળ જ છે. મંગળ દેવાનો કારક છે. જે જાતકની કુંડળીમાં મંગળ ખરાબ હોય તેમને કર્જાની સમસ્યા રહે છે. આટલું વાંચ્યા પછી તમે સમજી શકશો કે મંગળ જીવનની કેટ-કેટલી બાબતો સાથે જોડાયેલો છે. કેટલાક ઉપાય કરીને મંગળને ઠીક કરી શકાય છે.
૧) નાના ભાઈને મદદરૂપ થાવ. તેને જમાડો. તેની ઇચ્છા પૂરી કરો.
૨) નિયમિતપણે બ્લડ ડોનેટ કરો. વર્ષમાં ત્રણથી ચાર વખત.
૩) દર મંગળવારે મંદિરમાં મસૂરની દાળનું દાન કરો.
૪) મંગળવારના એકટાણા કરો. એક જ ટાઇમ જમવાનું. નો ફરાળ.
૫) લાલ કપડાં પહેરવાનું ટાળો.
૬) કડવા સ્વાદનું સેવન કરો. કડવાણી મંગળની પીડા દૂર કરે છે.
૭) શરીરમાં હિમોગ્લોબીનની વૃદ્ધિ કરે એવો આહાર લો. બીટ, તુવેર દાળ, ગોળ, મસૂરની દાળ વગેરે. ૮) વીરોને માન આપો અને કમજોરોની રક્ષા કરો.
૯) માંસાહાર ન કરો.
૧૦) શક્તિનો દુરુપયોગ ન કરો.
સહુનું મંગળ થાય એ જ પ્રભૂને પ્રાર્થના.