રિચા ચઢ્ઢાને ઉદ્ધત જવાબ આપીને શર્મિન સેગલ વિવાદમાં સપડાઈ
- એક વીડિયોમાં રિચા ચઢ્ઢાએ જાહેર કર્યું હતું કે સેગલને ઓફર કરાયેલા રોલ માટે અનેક મહિલા કલાકારોએ ઓડિશન આપ્યું હતું. રિચાના આ નિવેદન પ્રત્યે સેગલનો જવાબ ઘણા ઈન્ટરનેટ વપરાશકારોને ઉદ્ધત લાગ્યો હતો.
સંજય લીલા ભણસાલીની ભત્રીજી તરીકે તેમજ હીરામંડી: ધી ડાયમંડ બજારમાં આલમઝેબની ભૂમિકા ભજવવા માટે વિખ્યાત થયેલી શર્મિન સેગલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. બોલીવૂડના અગ્રણી દિગ્દર્શક સાથે પારિવારીક સંબંધો હોવા છતાં સીરીઝમાં તેના અભિનયની ટીકા થઈ રહી હતી. હવે ફિલ્મની અન્ય કલાકાર રિચા ચઢ્ઢાની રોલ બાબતે ઓડિશન પ્રક્રિયા વિશેની જાહેરાતથી સેગલ ફરી ઈન્ટરનેટ ટ્રોલરોની ટ્રોલિંગનો ભોગ બની છે.
એક વીડિયોમાં રિચા ચઢ્ઢાએ જાહેર કર્યું હતું કે સેગલને ઓફર કરાયેલા રોલ માટે અનેક મહિલા કલાકારોએ ઓડિશન આપ્યું હતું. રિચાના આ નિવેદન પ્રત્યે સેગલનો જવાબ ઘણા ઈન્ટરનેટ વપરાશકારોને ઉદ્ધત લાગ્યો હતો. તેણે પોતાના જવાબમાં કહ્યું હતું કે અન્ય મહિલા કલાકારોએ ઓડિશન આપ્યું હોવાની મને જાણ નથી. પોતાની ભૂમિકા વિશે કોઈ સ્પર્ધા હોવા વિશે પોતે અજાણ હોવાનો તેનો ઈશારો હતો. જો કે તેનો આ જવાબ ઈન્ટરનેટ વપરાશકારો અને રિચાના ફેન્સને જચ્યો નહોતો અને તેમણે આ જવાબને ઉદ્ધત ગણાવ્યો હતો.
રિચાએ એક મુલાકાતમાં પોતાના અનુભવનું વર્ણન કરતા જણાવ્યું હતું કે તેને બહુ મોડેથી ભણસાલીની ઓફિસમાં પટકથા વાંચન માટે બોલાવવામાં આવી હતી. તેનો ઈશારો શોમાં હાજર અન્ય મહિલા કલાકારો સંજીદા શેખ અને સેગલ પ્રત્યે હતો કે તેમને પણ આવા જ અનુભવ થયા હશે.
પોતાના બચાવમાં સેગલે જણાવ્યું કે તેણે આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને પોતે આ રોલ માટે લાયક હોવાની તેને ખાતરી હતી. જો કે ભણસાલીએ આ બાબતમાં ચૂપકીદી સેવી હોવાનું પણ તેણે કહ્યું. પણ તેણે જે રીતે પોતાની સીનીયર અભિનેત્રી રિચાને સંબોધન કર્યું તેનાથી તેના જવાબમાં આદર અને નમ્રતાનો અભાવ હોવાની ટીકા થઈ.
સેગલના જવાબ પછી રિચાએ કહ્યું કે તેને ઓછામાં એવી બે મહિલા કલાકારોની જાણ છે જેમણે સેગલના રોલ માટે ઓડિશન આપ્યા હતા. તેના પ્રત્યુત્તરમાં સેગલે કહ્યું કે તે આવી બાબતથી અજાણ હતી અને તે માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતી હતી. સેગલે જણાવ્યું કે સંજય લીલા ભણસાલી ફિલ્મ ઉદ્યોગના ટોચના દિગ્દર્શક છે અને તેમના સાથે કામ કરવા અનેક અભિનેત્રીઓ તત્પર હોય છે. પોતાને આ ફિલ્મમાં કામ કરવા મળ્યું તેના માટે તે ભણસાલીની આભારી રહેશે. સેગલે એવું પણ કહ્યું કે પોતે આ રોલ માટે લાયક હોવાથી જ તેને પસંદ કરવામાં આવી હતી, માત્ર ભણસાલીની ભત્રીજી હોવાને કારણે પસંદ નહોતી કરાઈ.
સેગલ સામેનો બેકલેશ તેના રિચાને આપેલા જવાબથી પણ આગળ વધી ગયો. દર્શકોએ હીરામંડીમાં તેના અભિનયની પણ ટીકા કરવાનું શરૂ કરી દીધું અને તેને હાવભાવ રહિત અને જોઈ ન શકાય તેવી ગણાવી દીધી. કેટલાકે તેને ફિલ્મ ઉદ્યોગમાં અન્ય સ્ટાર કિડ્સ જેટલી અસહ્ય હોવાનું કહ્યું અને તેનામાં પ્રતિભા તેમજ ચાર્મ અને સંસ્કારનો અભાવ હોવાની ટીકા કરી.
ટીકાના તોફાન વચ્ચે સેગલને તેના સહકલાકારોનું સમર્થન હાંસલ થયું હતું જેમણે ઓનલાઈન ટ્રોલિંગ સામે તેનો બચાવ કર્યો હતો. તેના કો-સ્ટાર રજત કૌલે ઈન્ટરનેટ વપરાશકારોની ટીકાને વણમાગી અને છીછરી ગણાવી હતી. તેમની ટીકામાં સમજદારીનો અભાવ અને પાયાવિહોણી હોવાનું કહ્યું હતું.
કૌલની લાગણીનો પડઘો પાડતા હીરામંડીમાં સેગલની મેઈડની ભૂમિકા ભજવનાર શ્રુતિ શર્માએ પણ ઓનલાઈન ટ્રોલિંગને નકારાત્મક બાબત કહીને વખોડી કાઢી હતી. તેણે કહ્યું કે સેગલના અભિનય બાબતે ભિન્ન મત હોઈ શકે પણ કલાકારો પર વ્યક્તિગત હુમલા અસ્વીકાર્ય અને હાનિકારક છે. શર્માએ સેટ પર સેગલના પ્રયાસોની પ્રશંસા કરીને જણાવ્યું કે તે સન્માનની હક્કદાર છે.
વિવાદો વચ્ચે સેગલ બોલીવૂડમાં નેપોટીઝમ અને ટેલન્ટ ફરતે ચાલી રહેલા ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. તેના અનુભવો ફિલ્મ ઉદ્યોગમાં રહેલી જટિલતાની યાદ અપાવે છે જ્યાં ઘણીવાર પારિવારીક સંબંધો કલાકારની પ્રતિભા સાથે ટકરાય છે. હીરામંડીના અન્ય કલાકારોના મતે રચનાત્મક ટીકા અને પરસ્પરનો આદર જળવાઈ રહે તે મહત્વનું છે. તેમણે એવી પણ સલાહ આપી હતી કે તમામ કલાકારોએ એકબીજાના ફાળાની કદર કરવી જોઈએ અને સુધારાને અવકાશ હોય ત્યાં માર્ગદર્શન આપવું જોઈએ.