શર્મિલા ટાગોર અને સારા અલી ખાન : દાદી-પૌત્રીની જુગલબંદી
- 'જ્યારે જીવનમાં ધાર્યું ન બને અથવા કશુંક અણગમતું બને ત્યારે તમને એક ટેકાની જરૂર હોય છે. આવા સમયે બડી મારી પાસે અમ્મી લશ્કરની જેમ ધસી આવે છે.'
પ ટૌડીના મહારાણી શર્મિલા ટાગોર આજે પટૌડી પરિવારમાં બડી અમ્માનું ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. પુત્ર સૈફ અલી ખાનના સંતાનો સાથે તેમને ગજબનો ઘરોબો છે. સૈફ અલી ખાનના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા અને આ લગ્નને પગલે તેમના બે સંતાનો સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન છે. સારાને બડી અમ્મા સાથે સારૂ બને છે.
સારા કહે છે, 'જ્યારે સારો સમય ચાલતો હોય... જેમ કે પટૌડી ગયે ઔર ફૂલઝરિયાં જલાઇ યા લંડન ગયે ઔર હાઇડ પાર્ક મેં ઇબ્રાહિમ કી ચોકલેટ ચુરાયી ત્યારે તો બધું ઠીક હોય છે. પણ જ્યારે જીવનમાં ધાર્યું ન બને અથવા કશંુક અણગમતું બને ત્યારે તમને એક ટેકાની જરૂર હોય છે. આવા સમયે બડી અમ્મી લશ્કરની જેમ આવે છે. તે મારા માટે તમામ રીતે તૈયાર હોય છે. આવા સમયે તમને સબંધોની સાચી કિંમત થાય છે. મારા માતાપિતા સાથે રહેતાં નથી, પણ આમ છતાં મારી દાદી મારી મમ્મી સાથે બહું જ સરસ સંબંધો ધરાવે છે. અને આને માટે હું બંને જણનો બહું આદર કરૂ છું. મારી મોમનાં માતાપિતા હયાત નથી. પણ જો મને અથવા ઇબ્રાહિમને કશું થાય તો મને ખબર છે કે હું એકલી તો નહીં જ હોઉં.'
સારા અલી ખાન તેની બડી અમ્મા સાથેના સંબંધોની વાત આગળ ચલાવતાં કહે છે, બડી અમ્મા મને મારી જિંદગીથી માંડી સોશ્યલ મિડિયા પર કેમ કામ પાર પાડવું ત્યાં સુધીની બધી બાબતે સલાહ આપે છે. તેમનામાં જે નમ્ર તા અને સંતુલન છે તેને કારણે તેમની સલાહને ગંભીરથી લઉં છું .
બીજી તરફ શર્મિલા ટાગોરે જણાવ્યું હતું કે ઘણીવાર મને ચિંતા થાય છે કે, જો મને કશું થઇ જશે કે જેમને હું ચાહું છું તે લોકો નહીં હોય તો...તેમને હું લાંબા સમય સુધી મળી નહીં શકું તો..આ એક ભયંકર વિચાર છે પણ ઘણીવાર તમને માત્ર એટલી જ ઇચ્છા હોય છે કે તમારો પરિવાર તમને ચાહે. પણ તમારા સંબંધો પરિપક્વ ન હોય તો આમ બનતું નથી. સબંધોને વિકસાવવા પડે છે. કરૂણા, થોડું ઘણું જતું કરવાની ભાવના અને થોડું ઘણું ભૂલી જવાથી પણ જીવનમાં ઘણો લાભ થાય છે.
પોતાની ફિલ્મ ફેરના કવર પર બિકિની પહેરેલી તસવીર છપાઇ તે સાથે કેવી હોહા થઇ હતી તે આજે પણ શર્મિલા ટાગોરને બરાબર યાદ છે. શર્મિલા ટાગોર એ જમાનાને યાદ કરી કહે છે, એ ફિલ્મફેર સામયિકનું કવર હતું. તેને સારી અને ખરાબ બંને પ્રકારની કોમેન્ટ મળી હતી. તેના કારણે મોટી હોહા થઇ હતી અને મને તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. મને એમ કે હું એ વસ્ત્રોમાં સુંદર દેખાઉં છું. પણ જો હું આજે એ વસ્ત્રો પહેરું તો ન શોભે. પણ એ જમાનામાં મારા દિગ્દર્શક શક્તિ સામંતે મને બોલાવી અને કહ્યું હતું કે આપણે હવે થોડું ડેમેજ કન્ટ્રોલ કરવું પડશે. મેં એ પછી મારી ઇમેજ બદલવાનું નક્કી કર્યું હતું. મને સમજાયું કે મારી આ ગ્લેમરસ ઇમેજ કાયમ માટે લોકોના મનમાં અંકિત રહેવાની નથી. જો તમે લોકોના દિલમાં એક ગ્લેમરસ હસ્તી તરીકે નહીં પણ એક વ્યક્તિ તરીકે સ્થાન બનાવો તો તેઓ તમને વધારે વફાદાર રહે છે. એ પછી મેં જે ફિલ્મો પસંદ કરી જેમ કે આરાધના અને અમરપ્રેમ તેમાં ઘણું ધ્યાન રાખ્યું હતું પણ એ બિકિની સ્ટોરી કદી ભૂલાઇ નહીં.
આ બાબતે પોતાનો પ્રતિભાવ આપતાં સારાએ જણાવ્યું હતું કે તમારી ઉંમર ગમે એટલી હોય કે તમે તમારા જીવનના ગમે તે તબક્કે હોવ પણ તમારામાં આત્મસન્માનની મજબૂત ભાવના હોવી જોઇએ. તમારે બાહ્ય મંજૂરી લેવાની જરૂર ન પડવી જોઇએ. એક એક્ટર તરીકે હું મારા ઓડિયન્સને ચાહું છું. મને મારા પરિવારે શીખવ્યું છે કે જ્યારે તમે પ્રેમ આપો છો ત્યારે તમને તે પ્રેમ પાછો મળે છે. પણ દર્શકો જ્યારે તમને આદર આપી ખૂબ ઉંચે લઇ જાય અને પછી કોઇ કારણસર તમારું પતન થાય ત્યારે ખૂબ માઠું લાગે છે. એ જમાનામાં મેગેઝિનના કવરના આધારે અભિપ્રાય બંધાતા હતા પણ આજે તો મારા જેવી વ્યક્તિ આજે કશું સારૂ કરે તો લોકો મને ગમાડે છે પણ જો આવતીકાલે હું કશું ખોટું કરૂ તો લોકો મને માંડી વાળશે. આમ, મને લાગે છે કે તમારે એવા માણસોથી વીંટળાયેલાં રહેવું જોઇએ જે તમારા જેવી વિચારધારા ધરાવતા હોય. અન્યથા આજના જમાનામાં લોકોની અપેક્ષાઓ સંતોષવાનું કામ કપરૂ બની શકે છે.
શર્મિલા ટાગોર મજાકમાં કહે છે, જો તારે નસીબે મારી બાયોપિક કરવાની આવે તો મહેરબાની કરીને મારા વાળની સ્ટાઇલની નકલ ન કરતી. પણ એ રેકોર્ડેડ હોવાથી તારે એ સ્ટાઇલ તો કરવી જ પડશે. એ વખતે તારી હાલત કેવી થશે અ ેવિચારી મને હસવું આવે છે. નંદિતા દાસ મારી વાળની સ્ટાઇલની સરસ નકલ કરે છે. મને લાગે છે કે સારા પોતાની રીતે આગવી સ્ટાઇલ વિકસાવશે. સારા કહે છે, મને થોડા વર્ષો આપો હું તમને સારી રીતભાત પણ શીખવી શકીશ. શર્મિલા ડબકું મુકતાં કહે છે, તેમાં ઘણી શાલીનતાની જરૂર પણ પડશે. તેંં મારી જુની ફિલ્મો જોઇ નથી. મેં એવા ઘણા સીન કર્યા છે જેમાં હું પગ પછાડીને શટ અપ કહું છું.
સારા પ્રેમથી વળતો જવાબ આપે છે, હા, પણ શાલીનતાથી!