Get The App

શંકર મહાદેવન : પોપ સોંગના ગાયકથી મીઠા-મધુરા સંગીત નિર્દેશક સુધીની સૂરીલી યાત્રા

Updated: Feb 9th, 2023


Google NewsGoogle News
શંકર મહાદેવન : પોપ  સોંગના ગાયકથી મીઠા-મધુરા સંગીત નિર્દેશક સુધીની સૂરીલી યાત્રા 1 - image


- 'સંગીતની શિસ્તની બાબતમાં  મારા કરતાં મારા બંને દીકરા વધુ ડિસિપ્લીન્ડ છે. સાજીંદા   તેમને આપેલા નોટેશન્સ પ્રમાણે  વગાડે છે  કે કેમ તેનું તેઓ બરાબર ધ્યાન રાખે છે.'

'૨૪ વર્ષ પહેલાં ગાયેલા સુપરહિટ બ્રેધલેસ સોંગ જેવું 

બીજું કોઈ ગીત ગાવાનો મારો કોઈ ઈરાદો નથી.'

કોઇ જો મિલા તો મુઝે ઐસા લગતા થા, 

જૈસે મેરી સારી દુનિયામેં  ગીતો કી ઋત ઔર રંગો કી બરખા હૈ , 

ખુશ્બુ કી આંધી હૈ, મહકી હુઇ સી  સારી ફિઝાયેં હૈ 

જબ કોઇ આયા થા, નજરોં પેં છાયા થા 

દિલ મેં સમાયા થા , કૈસે મેૈં બતાઉં તુમ્હૈ કૈસે  ઉસે પાયા થા ..... 

૧૯૯૮માં શંકર મહાદેવન  નામના   યુવાન  ગાયકે   આ વિશિષ્ટ પ્રકારનું  બ્રીધલેસ  પોપ   સોંગ(ગીત) ગાઇને  ભારતનાં જુવાનિયાંને એમ કહો કે રીતસર ગાંડાઘેલાં કરી દીધાં  હતાં. શંકર મહાદેવને આ ગીત એક જ શ્વાસમાં ગાયું હોવાની વાત ફેલાઇ. ફિલ્મનાં મેગેઝીનોએ પણ આ જ મુદ્દો  જબરો ચગાવ્યો. પરિણામે ગાયિકીનો શોખ ધરાવતા કે આછીપાતળી   તાલીમ પામેલાં યુવક-યુવતીઓ  પણ આ  ગીત એક શ્વાસમાં ગાવાનો પ્રયાસ કરતાં હતાં.   તો વળી,  કોલેજના વિદ્યાર્થીઓ  પણ  કેન્ટિનમાં તેમના ગૂ્રપમાં ભેગા થઇને  શંકર મહાદેવનના અવતારમાં કોઇ જો મિલા તો  મુઝે ઐસા   લગતા થા.... ગીત ગાતા તો ખરા પણ છેવટે થાકી જતા. 

સમય જતાં ખુદ શંકર મહાદેવને પોતે એક ઇન્ટર્વ્યુમાં સ્પષ્ટતા કરતાં સાફ શબ્દોમાં કહ્યું , કે ના ભાઇ ના, મેં મારું --  કોઇ જો  મિલા ગીત એક શ્વાસમાં નથી જ  ગાયું. જોકે આ ગીતની વિશિષ્ટતા એ  છે કે મેં આ ગીત અટક્યા વગર, એક જ પ્રવાહમાં , જરાક વધુ ગતિમાં , બે કડી વચ્ચે કોઇ જ સંગીત વગર  ગાયું છે. વળી, આ  ગીત ખરેખર તો ૨ઃ ૪૮ મિનિટનું છે ત્યારે  કોઇ ગાયક કે ગાયિકા તેને એક જ શ્વાસમાં  ભલા કઇ રીતે ગાઇ શકે ?  

સાચી વાત છે.   આ ગીત બોલીવુડના જાણીતા  ગીતકાર જાવેદ અખ્તરે લખ્યું    છે. ગીતનો નાયક  રંગબેરંગી,રૂપરૂપનો અંબાર, મનમોહક,  મનોહર,  અફાટ, અદભૂત, સૌંદર્યથી છલકાતી, તન-મનને તરબતર કરી દે તેવી સુગંધ રેલાવતી, લીલીછમ અને માતાની પ્રેમાળ  ગોદની સાચુકલી યાદ  અપાવતી કુદરત, પ્રકૃતિ, નિસર્ગની સાક્ષીએ પોતાની નમણી,નાજુક પણ અદ્રશ્ય પ્રિયતમાનું વર્ણન કરે છે. 

૧૯૯૮માં આ ગીત ગાનારો યુવાન શંકર મહાદેવન  આજે  હિન્દી  ફિલ્મ જગત સહિત ભારતીય ફિલ્મ જગતનો  સૂરીલો ગાયક અને સંગીત નિર્દેશક( શંકર-અહસાન-લોય  ત્રિપુટી) બની ગયો છે. હિન્દુસ્તાની   શાસ્ત્રીય સંગીતના  જલસામાં  ભરપૂર હિસ્સો લે છે. ટીવી ચેનલો દ્વારા યોજાતી સંગીત સ્પર્ધાનો  નિર્ણાયક(જજ)  બને છે.

કહેવાનો અર્થ એ છે કે સંગીતના સાત સૂરની સાધના કરીને ઉસ્તાદ બની ગયેલા શંકર મહાદેવને  સૂરની આ જ સાધના   તેના બંને પુત્ર   સિદ્ધાર્થને અને  શિવમને પણ શીખવી છે. હજી  ૨૦૨૩ની ૮, જાન્યુઆરીએ જ  શંકર   મહાદેવને તેના બંને દીકરા સિદ્ધાર્થ અને શિવમ સાથે મુંબઇમાં સંગીતની જુગલબંદી કરી હતી. 

મુંબઇના તમિળ ઐયર પરિવારમાં જન્મેલા શંકર  મહાદેવન કહે છે, જુઓ, સંગીતકાર કે નાટકના અભિનેતા  પિતા તેનાં સંતાનો સાથે એક જ મંચ પર કલા રજૂ કરે તે અવસર ખરેખર યાદગાર અને ભરપૂર લાગણીસભર પણ  હોય છે.  ૨૦૨૩ની ૮, જાન્યુઆરીનો દિવસ મારા અને મારા પરિવાર માટે ખરેખર સોનેરી બની ગયો છે. વળી, પુત્ર તેના પિતા સાથે સંગીતના સૂર વહાવે, તબલાંના બોલની રમઝટ બોલાવે કે પછી અભિનયની સ્પર્ધા કરે ત્યારે દીકરાનો આત્મવિશ્વાસ બુલંદ બને છે. તેને તેની સંગીત વિદ્યા પર ભરોસો   થાય છે અને  વધુ સાધના કરવા પ્રેરણા પણ મળે છે. આજે મારા બંને પુત્ર સિદ્ધાર્થ અને શિવમ સૂરીલા ગાયક ઉપરાંત સંગીત નિર્દેશક પણ  બની ગયા  છે ત્યારે અમને માતા પિતા તરીકે કેટલો આનંદ-સંતોષ  થાય તેની કલ્પના ન કરી શકાય.

અમે સાથે મળીને સંગીત કાર્યક્રમ કર્યો ત્યારે તે પહેલાં ભરપૂર તૈયારી(રિહર્સલ) પણ કરી હતી. આશ્ચર્યની   બાબત તો એ છે કે સંગીતની શિસ્તની બાબતમાં  મારી સરખામણીએ  મારા બંને દીકરા વધુ શિસ્તબદ્ધ છે. ઉદાહારણરૂપે  અમે રિહર્સલ કરતા હતા ત્યારે તબલાં, ઢોલક, સિતાર, વાંસળી, પિયાનો  કી બોર્ડ, ટ્રમ્પેટ વગેરેના વાદકો (જેને સાજીંદા પણ કહેવાય) તેમને આપેલા નોટેશન્સ પ્રમાણે  વગાડે છે  કે કેમ તેનું બરાબર ધ્યાન રાખતા. સાજીંદાની સુક્ષ્મ ભૂલ પણ શોધી લઇને સંપૂર્ણ ચોકસાઇનો આગ્રહ રાખતા.  ક્યારેક તો મને પણ  પૂરા આદર સાથે   જરૂરી  સૂચના  આપતા. ખરું કહું તો હું  સંગીતની આ ઉંડી સૂઝ,સમજ, શિસ્ત મારા બંને પુત્ર પાસેથી શીખ્યો છું. 

નવી મુંબઇની રામરાવ આદિક કોલેજમાંથી કમ્પ્યુટર સાયન્સ અને સોફ્ટવેર એન્જિનિયરિંગનું ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ પામેલા  શંકર  મહાદેવન કહે છે,   ના ભાઇ ના,  હું  હવે ૧૯૯૮નું   મારું  બેહદ લોકપ્રિય  બનેલું  બ્રેધલેસ પોપ સોંગ  --કોઇ  જો મિલા તો મુઝે  ઐસા લગતા થા  -- ગાવા      જરાય  રાજી નથી. ૨૪ વરસ પહેલાં  ગાયેલું  આ ગીત  ફરીથી ગાવાનું કે આવું જ કોઇ બીજું બ્રેધલેસ  ગીત બનાવવાની પણ કોઇ યોજના  નથી. ખરું કહું તો હું કદાચ પણ બીજું બ્રેધલેસ ગીત  ગાઉં તો તે  ગીત છેવટે તો  બીજું  બ્રેધલેસ કહેવાશે, પહેલું નહીં, બસ, હું મારા ૧૯૯૮ના તે ગીતને  મારી કારકિર્દીનું પ્રથમ બ્રેધલેસ સોંગ  જ રહેવા દેવા ઇચ્છું છું. 

  ૧૯૯૭માં રજૂ થયેલી ફિલ્મ -દસ - થી બોલીવુડમાં  પાપા પગલી ભરનારા શંકર મહાદેવન  આજે  તેના જીગરી મિત્રો અહેસાન નૂરાની અને  લોય મેન્ડોસા સાથે શંકર-અહેસાન-લોયની  ત્રિપુટી બનાવી છે.એટલે કે આજે શંકર-અહેસાન-લોય સંગીત નિર્દેશક તરીકે બોલીવુડ સહિત ભારતની અન્ય ભાષાઓમાં બનતી  ફિલ્મોમાં પણ સંગીત આપે છે.આ ત્રિપુટીએ અત્યાર સુધીમાં દસ સહિત, દિલ ચાહતા હૈ, યહ ક્યા હો રહા હૈ, અરમાન, મિશન કશ્મીર,નઇ  પડોસન, બંટી ઔર બબલી, હે બેબી વગેરે મજેદાર ફિલ્મોમાં સૂરીલાં અને લોકપ્રિય ગીતોની ધૂન બનાવી છે.

શંકર મહાદેવન ફોડ પાડીને કહે છે, અમે ત્રણેય લગભગ ત્રણેક દાયકાથી સાથે મળીને ફિલ્મ સંગીત આપીએ છીએ. આટલાં વરસોના બહોળા અનુભવ અને પ્રેમાળ ભાઇબંધીથી હવે અમે એકબીજાને અને એકબીજાની પસંદગીથી સુપેરે વાકેફ   થઇ ગયા છીએ. શરૂઆતના તબક્કે હું ગાયકની, અહેસાન ગીટરિસ્ટની અને લોય પ્રોગ્રામિંગની જવાબદારી નિભાવતા. આજે ઘણાં વરસો  બાદ  જોકે બધાં બધું કામ કરે છે.અમે પેલી ભેદ રેખા ભૂંસી નાખી છે. 

૨૦૦૨માં તમિળ ફિલ્મના --કન્ડુકોન્ડાઇન કન્ડુકોન્ડાઇન -- ગીત માટે પહેલો રાષ્ટ્રીય એવોર્ડ , ૨૦૦૭માં  ફિલ્મ --તારે ઝમીન પર -ફિલ્મના ગીત મા માટે બીજો અને ૨૦૧૨માં  ફિલ્મ ચિત્તાગોંગના બોલો ના ગીત માટે ત્રીજો એમ ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ્ઝ મેળવનારા શંકર  મહાદેવન આજના નવા જમાનાની બોલીવુડી   ફિલ્મોનાં  ગીત-સંગીત અને રિમિક્સ વિશે કહે છે, આજે   ઘણી  ફિલ્મોમાં  જૂનાં ગીતો કાંતો તેના મૂળ સ્વરૂપમાં અથવા તેમાં નવા જમાનાની અસરવાળાં એટલે કે થોડાક ફેરફાર  કરીને રિમિકસના સ્વરૂપમાં  રજૂ કરવામાં આવે છે. આ પ્રમાણ   કોણ જાણે કેમ વધી ગયું છે.    ક્યારેક   હોય તો હજી ઠીક છે  પણ  આજે  લગભગ દરેક હિન્દી ફિલ્મમાં  ૬૦-૭૦ ના દાયકાની   ફિલ્મનું એકાદ કર્ણપ્રિય  ગીત હોય છે. આનો અર્થ એવો થયો કે નિર્માતા   અને દિગ્દર્શકોને તેમના સંગીત નિર્દેશકની સંગીત પ્રતિભા પર ભરોસો નથી અથવા સંગીત   નિર્દેશક પોતે  સર્જનશીલ નથી.  તેઓ  એમ   માને છે  કે  આવાં રિમિક્સનાં ચિત્રવિચિત્ર ગતકડાં કરવાથી  દર્શકો આકર્ષાઇને સિનેમાગૃહોમાં દોડી આવશે. ના, સાવ ખોટું. 

૨૦૨૩ના નવા વર્ષે શંકર-અહેસાન--લોયની ત્રિપુટી ઘણું નવું અને સર્જનશીલ કાર્ય કરવા ઇચ્છે  છે. 

સામ બહાદુર અને રાજશ્રી પ્રોડક્શનની નવી ફિલ્મ એમ બે નવી ફિલ્મોનું   સંગીત  તૈયાર   કરી રહ્યા છીએ. સાથોસાથ હું મારી પોતાની શંકર મહાદેવન એકેડમી માટે પણ નવું અને અનોખું  આયોજન કરી રહ્યો  છું.  


Google NewsGoogle News