Get The App

શાહિદની સેન્ડવિચ .

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
શાહિદની સેન્ડવિચ                                                          . 1 - image


- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

- પિતાનાં બીજાં લગ્ન થવાં, એમનો પોતાનો પરિવાર હોવો, માતાનાં બબ્બે વાર પુનર્લગ્ન થવાં, એનો પણ અલગ સંસાર હોવો... અને આ બધાની વચ્ચે એકલવાયા બની ગયેલા દીકરાએ હૂંફ માટે વલખાં મારવાં. શાહિદ કપૂરે નાનપણથી જ સંબંધોનાં ભારે અટપટાં સમીકરણો જોયાં છે

દિ લ્હીના સાકેત વિસ્તારમાં એક નાનકડો સરસ મજાનો બાબલો રહે. પોતાનાં નહીં, પણ નાના-નાનીનાં ઘરે. નાના-નાની બન્ને પત્રકાર. ''સ્પુટનિક' નામના રશિયન મેગેઝિન માટે લેખોને ઉર્દૂમાંથી રશિયનમાં અને રશિયનમાંથી ઉર્દૂમાં તરજુમો કરવાનું તેમનું કામ. પગાર સાધારણ પણ નાનાજી છોકરાને કોઈ વાતની ખોટ ન વર્તાવા દે. ખાસ કરીને બાપની ખોટ. ત્રણ વર્ષની ઉંમરના માસૂમ બચ્ચાને શી સમજ પડે કે મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા છે અને પપ્પા હવે ક્યારેય સાથે રહેવાના નથી.

એ મીઠડા છોકરાનું હુલામણું નામ એના જેવું જ મીઠું હતું - સાશા. નાના રોજ સાશાને સ્કૂલે લેવા-મૂકવા જાય, એની સાથે જાતજાતની રમતો રમે. એના પપ્પા વિશે પણ વાતો કરે, એના કાગળો વાંચે. સાશાના મનમાં પિતા વિશે સહેજ પણ નકારાત્મક છબી ઊભી ન થાય તે માટે સતત સભાન રહે. મમ્મી કથકના વિખ્યાત ગુરુ બિરજુ મહારાજની પ્રિય શિષ્યા. મુંબઈ સેટલ થઈ ગયેલા પપ્પા વર્ષમાં એક જ વાર દિલ્હી આવે, સાશાનો બર્થ-ડે હોય ત્યારે. સાશા રાજી રાજી થઈ જાય. એકાદ દિવસ રોકાઈને પપ્પા વિદાય લે ત્યારે સાશા ખૂબ રડેઃ પપ્પા, ન જાવ, રોકાઈ જાવ! પપ્પા મન કઠણ કરીને એને ફોસલાવેઃ મારે મુંબઈમાં કામ કરવાનું હોય, બેટા. હું ફરી પાછો આવીશને, તને મળવા. પછી મમ્મીએ વચ્ચે પડવું પડેઃ એમ મુંબઈ ન જવાય, સાશા, તારી સ્કૂલ બગડે. આપણે વેકેશનમાં જઈશું, બસ? પણ વેકેશન જેવું આવે એવું જ જતું રહે. મુંબઈ જવા-આવવાના ટિકિટભાડાનો ને રહેવાનો ખર્ચ પોસાવો જોઈએને. સાશાને એ ક્યાં ખબર હતી કે પપ્પાના ઘરે રહી શકાય એમ નથી, કેમ કે પપ્પાએ બીજાં લગ્ન કરી લીધાં છે. આમ, બર્થ-ડે બાપ-દીકરા, બન્ને માટે ખુશી અને પીડા બન્નેનું કારણ બની રહે. એકમેકને મળવાની ખુશી ને પછી એક આખા વર્ષ માટે વિખૂટા પડી જવાનું દર્દ.

સાશા દસ વર્ષનો થયો ત્યારે મમ્મી એને લઈને હંમેશ માટે મુંબઈ આવી ગઈ. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂકેલા પપ્પા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા. મમ્મીએ પણ ટીવી સિરિયલોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. કમાણી માંડ મા-દીકરાનું ગાડું ગબડે એટલી. સાશા હવે સંબંધોનાં અટપટાં સમીકરણો સમજવા લાગ્યો હતો. આ સમીકરણો જોકે ક્રમશઃ વધુ ને વધુ ગૂંચવાઈ રહ્યાં હતાં. થોડા અરસા બાદ મમ્મીએ પણ પુનર્લગ્ન કર્યાં. સાશા માટે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ચૂકી હતી. પોતાના સગા પપ્પાને એક પત્ની હતી અને એમનાં સંતાનો હતાં. આ બાજુ મા સાવકા બાપ સાથે રહેતી હતી અને તેમનું પણ એક સંતાન હતું. સગાં મા-બાપ બન્નેએ પોતપોતાનો સંસાર વસાવી લીધો હતો, પણ તેમની વચ્ચે સાશા એકલો પડી ગયો. અલબત્ત, એને બોર્ડિંગ સ્કૂલમાં ધકેલી દેવામાં નહોતો આવ્યો. એ પોતાની મમ્મી સાથે સાવકા પિતાના ઘરમાં જ રહેતો હતો. પોતપોતાની રીતે કદાચ સૌ સાચા હતા, સારા પણ હતા, પરંતુ સાશાના જીવનમાં હૂંફની અને સલામતીની લાગણીની કમી રહી ગઈ. સ્કૂલમાં એ તદ્દન શાંત રહેતો. એના કોઈ દોસ્તાર નહોતા. એ નાની નાની વાતે આક્રમક થઈ જાય, ઝઘડવા માંડે.

ખેર, મોટો થતો ગયો તેમ તેમ પોતાની જાત પર અંકુશ આવતો ગયો, સમજ આવતી ગઈ, પરિસ્થિતિઓને સ્વીકારવાની ક્ષમતા આવતી ગઈ. કોલેજમાં એનું વ્યક્તિત્વ પૂરબહારમાં ખીલ્યું. ધીમે ધીમે બહુ જ તેજસ્વી યુવાન તરીકે એનો ઘાટ ઘડાવા માંડયો. પહેલાં એ મમ્મીની માફક ડાન્સર બન્યો ને પછી પપ્પાની માફક ફિલ્મલાઇનમાં એક્ટર તરીકે એન્ટ્રી મારી. ક્રમશઃ એ બોલિવૂડના મહત્ત્વના સ્ટાર તરીકે ઉભર્યો. સાશામાંથી સ્ટાર બનેલો આ છોકરો એટલે આજનો શાહિદ કપૂર. 

ચોકલેટી બોયથી એક્શન હીરો 

એના પિતા એટલે ઉત્તમ અદાકાર પંકજ કપૂર. મમ્મીનું નામ નીલિમા અઝીમ. શાહિદની સાવકી મા એટલે સુપ્રિયા પાઠક. નીલિમા અઝીમના બીજા પતિ રાજેશ ખટ્ટર ટીવી અને ફિલ્મોમાં કેરેક્ટર રોલ્સ કરે છે. પાસપોર્ટમાં આજની તારીખે પણ શાહિદની અટક ખટ્ટર નોંધાયેલી છે. ભાગ્યના દેવતા કદાચ શાહિદના પરિવારમાં સ્થિરતા નામનો શબ્દ લખવાનું જ ભૂલી ગયા હતા. નીલિમા અઝીમનાં બીજાં લગ્ન પણ ડિવોર્સમાં પરિણમ્યાં. શાહિદ ૨૩ વર્ષનો થયો ત્યાં સુધીમાં એટલે કે એની પહેલી બે ફિલ્મો 'ઈશ્ક વિશ્ક' અને 'ફિદા' આવી ગઈ ત્યાં સુધી મા અને સાવકા ભાઈ ઈશાન સાથે રહ્યો. પછી પોતાનું અલગ ઘર લઈને રહેવા લાગ્યો. અલગ રહેવાનું એક કારણ એ પણ હતું મમ્મીએ ત્રીજાં લગ્ન કરી લીધાં હતાં - રઝા અલી ખાન નામના ક્લાસિકલ સિંગર સાથે. 

આજે શાહિદ કપૂરનો પોતાનો પરિવાર છે. દસ વર્ષ પહેલાં, ૩૪ વર્ષની ઉંમરે શાહિદે દિલ્હીની મીરાં રાજપૂત નામની પોતાના કરતાં  તેર વર્ષ નાની કન્યા સાથે એરેન્જ્ડ મેરેજ કર્યાં, દીકરી મિશા અને દીકરો ઝૈનનો પિતા બન્યો. સંબંધોનાં સમીકરણોમાં જે ગૂંચ પડી ગઈ હતી તે પણ હવે ઠીક ઠીક ઉકેલાઈ ગઈ છે. આજની તારીખે શાહિદ પિતા પંકજ કપૂર અને સાવકા ભાઈ (નીલિમા અઝીમના પુત્ર) ઈશાન ખટ્ટર સાથે સૌથી વિશેષ નિકટતા અનુભવે છે. 

બોલિવુડમાં શાહિદનો 'યુગ' ક્યારેય આવ્યો નથી એનું કારણ છે. ૨૦૦૩માં શાહિદે 'ઈશ્ક વિશ્ક'થી ડેબ્યુ કર્યું એના ત્રણ જ વર્ષ પહેલાં ૨૦૦૦ની સાલમાં હૃતિક રોશને 'કહો ના પ્યાર હૈ'થી એન્ટ્રી મારી હતી. શાહિદ પૂરેપૂરો સેટલ થાય તે પહેલાં તેજીલા તોખાર જેવા આ બે હીરો ત્રાટક્યા - ૨૦૦૭માં રણબીર કપૂર અને ૨૦૧૦માં રણવીર સિંહ. ખાન ત્રિપુટી અને અક્ષયકુમારનું તો ચોગ્ગા-છગ્ગા મારવાનું ચાલુ જ હતું. એટલે ટૂંકમાં સમજોને કે, પર્સનલ લાઇફની જેમ પ્રોફેશનલ લાઇફમાં પણ આટલા બધા હીરો વચ્ચે બાપડા શાહિદની સેન્ડવિચ થઈ ગઈ છે. આમ છતાંય બોલિવુડના સૌથી સફળ અને વર્સેટાઇલ સ્ટાર-એક્ટરોમાં આજે શાહિદની ગણના થાય છે.  એની રેન્જ જુઓ. ક્યાં 'ઈશ્ક વિશ્ક' અને 'વિવાહ'નો ચોકલેટી બોય, ક્યાં 'હૈદર' અને 'કબીર સિંહ'નો ખરબચડો નાયક ને ક્યાં 'દેવા'નો ડાન્સિંગ એક્શન હીરો. શાહિદ લાંબી રેસનો ઘોડો છે. એની પાસેથી ઘણું બધું આવવાનું હજુ બાકી છે...  


Google NewsGoogle News