શાહરુખ અને હું ક્યારેય બેસ્ટ ફ્રેન્ડ્સ નહોતા : મનોજ બાજપેયી
- 'મારી અને શાહરૂખ ખાનની મુલાકાત ખાસ થતી નથી. તે એટલા માટે કે અમારા બંનેની દુનિયા સાવ જુદી છે. તેથી અમારા માર્ગો પણ કોઈ જગ્યાએ ટકરાતા નથી.'
શાહરૂખ ખાન (એસઆરકે) અને મનોજ બાજપેયીએ એક જ જગ્યાએથી શરૂઆત કરી. દિલ્હીમાં બંનેએ ઍક્ટિંગ કોચ બેરી જૉન પાસેથી ટ્રેનિંગ લીધી. આજે બોલિવુડમાં બંને આજે સ્વબળે એક અલગ મુકામ પર છે. નવાઈની વાત એ છે કે બંનેએ સાથે ઍક્ટિંગનું કોચિંગ લીધું અને બંને હવે એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હોવા છતાં મનોજ અને શાહરૂખ ક્યારેય ગાઢ મિત્રો ન બની શક્યા.
હમણાં એક ઇન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ કહ્યું, 'મારી અને શાહરૂખની મુલાકાત ખાસ થતી નથી. અમારા બંનેની દુનિયા સાવ જુદી છે એટલે અમારા માર્ગો પણ કોઈ જગ્યાએ ટકરાતા નથી. પહેલા પણ અમારી દોસ્તી આવી જ હતી. બંને એક જ ગુ્રપમાં ટ્રેનિંગ લેતા હોવા છતાં એનું સર્કલ અલગ હતું અને મારું અલગ સર્કલમાં સાથે ટ્રેનિંગ ચાલતી હોય એટલે એકબીજાના પરિચયમાં આવીએ, સાથે ઉઠીએ-બેસીએ અને ક્યારેક સાથે ખાઈએ-પીએએ પણ ખરા. બસ એટલું જ.'
શાહરૂખ સાથેનો પોતાનો એક પ્રસંગ મમળાવતા ઓટીટીનો નંબર વન ઍક્ટર બાજપેયી કહે છે, 'દિલ્હીમાં હું એકવાર શાહરૂખ સાથે એક ક્લબમાં ગયો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે મેં શુઝ નહોતા પહેર્યા એટલે મને ક્લબમાં એન્ટ્રી ન મળી. ટ્રેનિંગ પૂરી થયા બાદ અમે બંનેએ પોતપોતાની પસંદગી મુજબના જગતની પસંદગી કરી.'
ઈન્ટરવ્યુ દરમિયાન બાજપેયીની સરખામણી એસઆરકે સાથે કરાઈ ત્યારે એણે તરત કમેન્ટ કરી, 'પ્લીઝ, મારી કોઈ સાથે કમ્પેરીઝન નહીં કરતા. મને બસ, સારા રોલ આપો. આજે હું ઓટીટીનો રાજા બની જાઉં તો કાલે તમે મને ઓટીટીનો ગુલામ બનાવી દેશો. ટાઈમ બદલતે કિતની દેર લગતી હૈ? હું કોઈ ટાઇટલ લઈને ફરવામાં નથી માનતો. ઓટીટીના કિંગનું ટાઈટલ તમે કોઈ બીજા એક્ટરને આપી દો. મારે નથી જોઈતું. આયઈ એમ ઓન્લી એન ઍક્ટર, જે કાયમ પોતાના કામને વધુમાં વધુ સારું બનાવવાનો પ્રયાસ કરતો રહે છે.'
અહીં યાદ અપાવવું ઘટે કે બાજપેયી અને શાહરૂથે યશ ચોપરાની ફિલ્મ 'વીર-ઝારા'માં સાથે કામ કર્યું હતું. એસઆરકે ફિલ્મનો હીરો હતો અને મનોજે ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવી હતી.