શબાના આઝમીની ગ્લોરિયસ ગોલ્ડન જ્યુબિલી
'મેં કામની શરૂઆત કરી ત્યારે ભૂલેચુકેય એવો વિચાર નહોતો કર્યો કે મારી કરીઅર કેટલી લાંબી ચાલશે. મારા માટે એ ગર્વ અને ખુશીની વાત છે કે આજે પણ હું એક્ટિવ છું 'ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે મોરના ઇંડા ચિતરવા ન પડે. શબાના આઝમીને આ કહેવત શત પ્રતિશત લાગુ પડે છે. ઉર્દૂના જાણીતા શાયર અને ગીતકાર કૈફી આઝમી અને રંગમંચની જાણીતી હસ્તી શૌકત આઝમીની પુત્રીએ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં પોતાના માટે એક અલગ અધ્યાય લખ્યો છે. શબાનાએ બોલિવુડમાં આ વરસે ગ્લોરિયસ ગોલ્ડન જ્યુબિલી પૂરી કરી છે તે તમે જાણો છો?
આઝમીએ ૧૯૭૪માં શ્યામ બેનેગલની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'અંકુર'થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. 'મેં કામની શરૂઆત કરી ત્યારે ભૂલેચુકેય એવો વિચાર નહોતો કર્યો કે મારું કરીઅર કેટલું લાંબું ચાલશે. મારા માટે એ ગર્વ અને ખુશીની વાત છે કે આજે પણ હું એક્ટિવ છું અને મને વરાઇટી ઓફ રોલ્સ મળી રહ્યા છે,' નેશનલ એવોર્ડ વિનિંગ એકટ્રેસ કહે છે.
છેલ્લે શબાના કરણ જોહરની મલ્ટિસ્ટારર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી. ફિલ્મમાં અભિનેત્રીએ ધર્મેન્દ્રની એક સમયની પ્રેમિકાનો રોલ કર્યો હતો. ગયા વરસે રિલીઝ થયેલી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં ધરમજી સાથેનો શબાનાનો કિસિંગ સીન ચર્ચાસ્પદ બન્યો હતો. હિન્દી ફિલ્મના પડદા પર બે જૈફ વયના કલાકારો કદાચ પહેલીવાર ચુંબન કરતા જોવા મળ્યા હતા. એ સીન વિશે પૂછાતા ૭૩ વરસની અભિનેત્રીએ એકદમ નિખાલસતાથી કહ્યું હતું કે ધરમજી જેવા હેન્ડસમ એક્ટર સાથે કિસિંગ સીન ભજવવાનો હોય તો હું શા માટે ના પાડું?
આઝમીએ સિનેમામાં આપેલા અમૂલ્ય પ્રદાનને વિદેશોમાં પણ બિરદાવાઈ રહ્યું છે. હજુ થોડા દિવસો પહેલાં જ લંડન (યુકે)નો સૌથી જુનો એવોર્ડ 'ધ ફ્રીડમ ઓફ ધ સિટી' એનાયત કરી એમનું બહુમાન કરાયું હતું. એ ઉપરાંત, જૂનમાં યોજાનારા ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શબાનાની ફિલ્મ 'ફાયર' (૧૯૯૬)નું સ્પેશિયલ સ્ક્રિનિંગ રખાયું છે. 'ફાયર'માં નંદિતા દાત સાથે લેસ્બિયન સ્ત્રીની ભૂમિકા કરી શબાનાએ રૂઢિવાદીઓનો શેષ વહોરી લીધો હતો. ફિલ્મમાં દેરાણી-જેઠાણી વચ્ચેના સજાતીય સંબંધોનું કથાનક હતું, જેને લઈને ફિલ્મની રિલીઝ સામે ઉગ્ર વિરોધ થયો હતો. કેટલાંક થિયેટરોમાં તોડફોડ પણ થઈ હતી. પોતાના બહુમાન વિશે પ્રતિક્રિયા આપતા પાંચ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલી એક્ટર કહે છે, '૫૦ વરસે આ બધુ મળી રહ્યું છે ત્યારે હું એનો વિનમ્રતાથી સ્વીકાર કરું છું. મારા કામને આદરપાત્ર ગણાય છે એ મારા માટે બહુ મોટી વાત છે.'
કરિયરની ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે શબાના આઝમી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામકાજ આવેલા બદલાવ વિશે નુકતેચીની કરવાનું પણ નથી ચુકતી. 'મને આજેય એ ફની પ્રસંગ યાદ છે જ્યારે મેં રાજેશ ખન્ના સાથે સ્ક્રિપ્ટના પહેલા પેજનો સીન ભજવ્યો હતો. ત્યારે અમને બંને ખબર નહોતી કે સેકન્ડ પેજમાં કેવા ડાયલોગ્સ મળશે. એ વખતે આ રીતે જ કામ થતું. અમે ફિલ્મના પ્રિ-પ્રોડક્શનના કામ માટે મહિનો લેતા જ્યારે પોસ્ટ પ્રોડક્શન બબ્બે વરસ સુધી ચાલતું. આજે બધા પ્રિ-પ્રોડક્શન પાછળ બે વરસ ખર્ચે છે અને ફિલ્મનું શુટિંગ બે-ત્રણ મહિનામાં પૂરું કરી નાખે છે. મારા મતે આ રીતે જ કામ થવું જોઈએ,'
બિલકુલ સહી.