Get The App

શાન : 'હું અપરિપકવ હતો અને માહી તો લાજવાબ છે...'

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
શાન : 'હું અપરિપકવ હતો અને માહી તો લાજવાબ છે...' 1 - image


ગાયક શાન છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ભારતીય સંગીત ઉદ્યોગનો એક હિસ્સો છે, તેણે અનેકવિધ પ્રકારના કર્ણપ્રિય ગીતો આપ્યા છે જેને લોકો હજુ પણ માણી રહ્યા છે. હવે તેનો નાનો પુત્ર સંગીત ઉદ્યોગમાં ડગ માંડવા આગળ વધી રહ્યો છે અને તે પણ તેના પિતાની જેમ મ્યુઝિક વર્લ્ડ કંઈક કરી નામ અને દામ કમાવવા માગે છે. શાનના આ નાના પુત્રનું નામ છે, માહી.

અઢાર વર્ષના આ યુવાને તેનું પ્રથમ સિંગલ 'સૉરી' રિલિઝ કર્યું છે. આ ગીતને દર્શકોને ગમ્યું છે. તેને લોકોએ સારો આવકાર આપ્યો છે અને શાન દિકરાની આ સિધ્ધિ માટે ગૌરવ અનુભવે છે. તે કહે છે, 'માહી તો માત્ર ૧૮ વર્ષનો છે, પરંતુ એ ઘણાં વર્ષોથી આ માટે તૈયારી કરી રહ્યો હતો. તેનું સ્વપ્ન પોપ-સ્ટાર બનવાનું છે અને અમે સાથે મળીને તેને આગળ ધપાવી રહ્યા છીએ.'

'છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દરરોજ તે કંઈકને કંઈક ગાતો રહેતો. મને ડાન્સ-સ્ટેપ પણ બતાવતો. તે જીમમાં પણ જાય છે અને શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લે છે,' એમ શાન કહે છે. આ સાથે જ શાન તેના મોટા પુત્ર સોહમ માટે કહે છે, 'મારા મોટા પુત્રનું પણ પોતાનું બેન્ડ છે અને પહેલેથી જ તેની પાસે આ બેન્ડ છે. મારા બંને પુત્રની શૈલીઓ અલગ-અલગ છે. હું જે કરું છું તેનાથી પણ સાવ અલગ છે,' એમ શાન ઉમેરે છે.

માતાપિતા તરીકે અમે તેમને માર્ગદર્શન આપવા માગીએ છીએ, પણ સાથે ચમચીથી તેમનું પેટ ભરવા નથી માગતા. મેં માહીને એમ નથી કહ્યું કે તું મારી સાથે જોડાઈ જા અથવા તો મારા જોડામાં પગ મુક. તે તેની પોતાની કારકિર્દી પસંદ કરે અને આગળ વધે તેની પોતાની શૈલી, વ્યક્તિત્વ હોય તેની પોતાની જર્ની હોય.

તેણે પોતાની વાત કરતાં જણાવ્યું કે 'હું તો ૧૮ વર્ષે સાવ અણસમજુ, અપરિપક્વ હતો, પણ માહી તો લાજવાબ છે.'

આ માટે શાન માહીની પ્રતિબધ્ધતાને બધી ક્રેડિટ આપે છે. 'ઘણા લોકો કહે છે કે આ નવી પેઢી વસ્તુઓને સ્માર્ટ બનાવવા માગે છે, પરંતુ તેઓ સખત મહેનત કરતા નથી. મારી પાસે તેનાથી વિપરીત એક અદ્ભુત ઉદાહરણ છે,' એમ શાન ઉમેરે છે.    


Google NewsGoogle News