સાત વર્ષના તૈમુરને મોમ કરીનાની જેમ ફેમસ થવાના ઓરતા છેે
કરીના કપૂર-ખાનનું બોલીવુડમાં આ સિલ્વર જ્યુબિલી યર છે. એ નિમિત્તે મુંબઈમાં યોજાયેલી એક ભવ્ય ઇવેન્ટમાં કરીનાએ પોતાની પર્સનલ વાતો અને પ્રસંગો શેયર કર્યા હતા. પોતાના કરીઅરના લેખાજોખા કરતા અભિનેત્રીએ પોતાની ફિલ્મ 'ઓમકારા' (૨૦૦૬)ને લગતો લગતો એક પ્રસંગ વાગોળ્યો. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં શોમેન રાજ કપૂરની પૌત્રીએ અવ્વલ જરજ્જાનું પરફોર્મન્સ આપ્યું હતું. એટલે મણિરત્નમ સહિતના દિગ્ગજ ફિલ્મમેકર્સને ઇમ્પ્રેસ કરવા કરીનાએ ઓમકારાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવ્યું. 'મેં વિચાર્યું કે આટલું સરસ કામ કર્યું છે તો ચલો બધા ડિરેક્ટરોને બોલાવી ફિલ્મ બતાવું. હું ત્યારે અને આજે પણ માનું છું કે મૂવીમાં મેં સારો અભિનય કર્યો છે. એટલે મેં ફિલ્મ સિટીમાં સ્ક્રીનિંગ રાખ્યું. ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને મારા કો-સ્ટાર કોંકણા શેન શર્મા તથા વિવેક ઓબેરોય સહિત બધા આવ્યા. મને એ વાતનું એક્સાઇટમેન્ટ હતું કે બધા મને આજે ડેસ્ઝેમોના તરીકે જોશે. (ભારદ્વાજની ઓમકારા શેક્સપિયરની કૃતિ ઓથેલો પર આધારિત હતી. ઓથેલોના હિન્દી રૂપાંતરમાં કરીનાએ ડેસ્ડેમોનાનો રોલ કર્યો હતો.) પરંતુ મને મૂકીને કોઈ બીજી જ વ્યક્તિ પર બધા સમરકન્દ બુખારા ઓવારી ગયા. એ બીજું કોઈ નહીં,પણ મારા હબ્બી સૈફ અલી ખાન હતા. (ફિલ્મમાં સૈફે લંગડા ત્યાગીનું પાત્ર ભજવ્યું હતું.) ઇન્ટરવલ પડયું અને દરેકે બહાર આવીને મને કહ્યું કે તમે ખરેખર સારું કામ કર્યું છે, પણ સૈફની એક્ટિંગ અદ્ભુત છે.
મૂવી પૂરી થયા બાદ પણ બધા સૈફને ઘેરી વળ્યા અને એના પર પ્રશંસાના પુષ્પો વરસાવ્યા. હું એ વખતે એક ખૂણામાં ઊભી રહીને વિચારતી હતી કે મેં તો બધાને મારા વખાણ સાંભળવા બોલાવ્યા અને એ લોકો તો સેફ પર ફિદા થઈ ગયા,' એમ કહી કરીના હાસ્ય વેરે છે.
ઇવેન્ટમાં મિસિસ કપૂર-ખાનને એવી પર્સનલ પૃચ્છા થઈ કે તમારો મોટો દીકરો તૈમુર (૭) તમારા કામ અને સ્ટારડમનું મહત્ત્વ સમજે છે ખરો? એનો જમીની સચ્ચાઈ દર્શાવતો ઉત્તર આપતા કરીના મજાકના ટોનમાં કહે છે, 'એને થોડો અણસાર છે કારણ કે પાપરાઝી એનો પણ પીછો કરતા હોય છે. તૈમુરને પાપરાજીઓનો પરિચય છે, પણ એનું મેન ફોકસ ફુટબોલ પર છે. એ મને ઘણીવાર પૂછે છે, આ બધા શા માટે મારી પાછળ પડે છે? એમ આઇ ફેમસ? હું એને જવાબમાં કહું છું, બો, યુ, આર નોટ ફેમસ, આઇ એમ ફેમસ. યુ આર નોબડી. ત્યારે એ બબડે છે કદાચ એક દિવસ હું પણ ફેમસ થઈશ.જોક્સ અપાર્ટ, અત્યારે તૈમુરના માઇન્ડમાં ફિલ્મો નથી. એનું બધુ ધ્યાન ફૂટબોલ પર જ છે. આ ઉંમરે બધા છોકરાઓ આવા જ હોય છે.'